Gujarat

ભાવનગરમાં 50 થી વધુ નાના દબાણ મનપાની ટીમે હટાવ્યાં

By GS TEAM
4 Dec 20252 mins read
ભાવનગરમાં 50 થી વધુ નાના દબાણ મનપાની ટીમે હટાવ્યાં

- રૂપાણી સર્કલ સહિતના વિસ્તારમાં રાત્રીના સમયે કાર્યવાહી 

- વાઘાવાડી રોડ, કાળુભા રોડ વગેરે વિસ્તારમાંથી લારી, ટેબલ, કેબિન સહિતના દબાણ દૂર કર્યા 

ભાવનગર : ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાંથી છેલ્લા બે દિવસમાં પ૦ થી વધુ નાના દબાણ મહાપાલિકાની ટીમે દૂર કર્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો, જેના પગલે ખાણી-પીણીના ધંધાર્થીઓમાં દોડધામ મચી જવા પામી હતી. 

ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની દબાણ હટાવ સેલની ટીમે છેલ્લા બે દિવસ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ગેરકાયદે દબાણ હટાવ્યા હતાં. મંગળવારે રાત્રીના સમયે રૂપાણી સર્કલ, દિવડી ચોક, મુનિડેરી, હિમાલિયા મોલ રોડ, ઘોઘાસર્કલ પરથી અસ્થાયી દબાણો દૂર કર્યા હતા અને સામાન જપ્ત કર્યો હતો, જેમાં ૩ લારી,

૧ લોખંડનું ટેબલ, ૧ ઓવન, ૧૦ ટેબલ, નાના-મોટા ૨ ગેસ સિલેન્ડર, ૩ પાણીપુરીના થેલા, ૩ પાણીના જગ, ૬ કાચની બરણી, ૧ બેટરી વગેરે સામાનનો સમાવેશ થાય છે. 

ઉપરાંત બુધવારે શહેરના વાઘાવાડી રોડ, હિમાલિયા મોલ રોડ, કાળુભા રોડ, વેલેન્ટાઇન સર્કલ, આતાભાઈ ચોક પાળીની ટાંકી, મુનિ ડેરી, જિલ્લા કચેરી, ઘોઘાસર્કલ પરથી અસ્થાયી દબાણો દૂર કરી માલ-સામાન જપ્ત કર્યો હતો, જેમાં ૨ લારી, ૧ છત્રી, ૨ તવી મોટી, ૭ ખાલી ડબ્બા, ૪ કેરેટ, ૧ લોખંડની જાળી, ૧ વજન કાટો, ૧ મોટું બોર્ડ, ૨ કેબિન અને અન્ય છૂટક સમાન જપ્ત કર્યો હતો, જયારે ચાવડી ગેટ પાસે ૧ ગાડીને લોક મારી રૂા. ૧ હજારનો દંડ વસુલ કર્યો હતો. મહાપાલિકાની ટીમે દબાણ હટાવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો અને દબાણકર્તાઓ કચવાટ કરતા નજરે પડયા હતાં. દબાણ દૂર કરવાની કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે.