Gujarat

મ્યુનિસિપલ કોર્પોરેશનની પીરાણા ડમ્પસાઈટ ઉપર કચરામાં આગ, લાગી કે લગાવાઈ તે રહસ્ય

By GS TEAM
25 Apr 20261 min read
મ્યુનિસિપલ કોર્પોરેશનની  પીરાણા ડમ્પસાઈટ ઉપર કચરામાં આગ, લાગી કે લગાવાઈ તે રહસ્ય

  અમદાવાદ,શનિવાર,25 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની મુખ્ય ડમ્પસાઈટ ઉપર શનિવારે બપોરે આગ લાગતા શહેરના અલગ અલગ પાંચ ફાયર સ્ટેશનથી સાત ગજરાજની મદદથી કચરામા લાગેલી આગ હોલવવા પ્રયાસ શરૃ કરવામા આવ્યા હતા.જો કે આ આગ લાગી કે લગાવાઈ તે રહસ્ય છે. ફાયર વિભાગના સૂત્રોના કહેવા મુજબ, તાજેતરમાં થોડા દિવસમાં જ આ બીજી કે ત્રીજી વાર કચરામા આગ લાગી હતી.

શનિવારે બપોરે બે કલાકના સુમારે ફાયર કંટ્રોલને પીરાણા ખાતે કચરામા આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ફાયર કંટ્રોલમાંથી મળતી માહિતી મુજબ, પીરાણા,પીપળજ,ગ્યાસપુર રોડ ઉપર કચરામા લાગેલી આગ હોલવવા અસલાલી અને પ્રહલાદનગર ફાયર સ્ટેશન ખાતેથી બે-બે જયારે મણિનગર,જમાલપુર અને બોપલ ફાયર સ્ટેશનથી એક-એક ગજરાજની મદદથી સતત પાણીનો છંટકાવ કરવામા આવતા આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.બપોરના બે કલાકે પીરાણા ડમ્પસાઈટ ઉપર કચરામા લાગેલી આગ હોલવવા ગયેલા વાહન  મોડી સાંજ સુધી પરત ફર્યા નહી હોવાનુ ફાયર કંટ્રોલસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.