સોડવદરા ગામથી નિયમ વિરૂધ્ધ ઢોર લાવતા એજન્સીને 42 હજારનો દંડ મનપાએ ફટકાર્યો

- એમએસડીસી ઇન્ફા એજન્સી સામે મહાપાલિકાએ હજુ કડક કાર્યવાહી કરવી જરૂરી
- શહેરમાંથી જ રખડતા ઢોર પકડવાના હોવા છતાં એજન્સીના કર્મચારીઓ સોડવદરાથી 7 પશુ લઈને આવ્યા હતા
મહાપાલિકાએ અમરેલીની એમએસડીસી ઈન્ફા નામની એજન્સીને ભાવનગર શહેરમાંથી રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાકટ આપ્યો છે પરંતુ તેઓને શહેરની બહારથી રખડતા ઢોર પકડવાની કે લાવવાની મનાઈ હોય છે. આ એજન્સીએ નિયમ વિરૂધ્ધ ૧૦ દિવસ પૂર્વે સોડવદરાથી ૭ રખડતા ઢોર લાવી મહાપાલિકાના ચિત્રા ખાતેના ઢોર ડબ્બામાં રાખ્યા હતાં. આ વાતની જાણ જીવદયાપ્રેમીઓએ મહાપાલિકાના વેટરનરી ઓફિસર ડો. હિતેશ સવાણીને કરી હતી તેથી તેઓએ રાત્રીના તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ઢોર પકડવાનુ વાહન સીદસર-વાળુકડ ચોકડી પાસેથી મળી આવ્યુ હતું.
એજન્સીએ નિયમ વિરૂધ્ધ કામગીરી કરતા મહાપાલિકાના અધિકારીએ એજન્સીને નોટિસ ફટકારી ખુલાસો પુછયો હતો. આ બાબતે મહાપાલિકાએ એજન્સીને રૂા. ૪ર હજારનો દંડ ફટકાર્યો છે તેમ મહાપાલિકાના વેટરનરી ઓફિસર ડો. હિતેશ સવાણીએ જણાવેલ છે. મહાપાલિકાએ નિભાવ ખર્ચનો દંડ કરી સંતોષ માન્યો છે ત્યારે મહાપાલિકાએ એજન્સી સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.
એજન્સીને દંડ સહિત રૂા. 1 લાખનો ખર્ચ થશે : અધિકારી
ભાવનગર મહાપાલિકામાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરતી એમએસડીસી ઇન્ફા એજન્સીને દંડ, ખુટીયાને મુકવાનો ટ્રાન્સપોર્ટ ખર્ચ, સમઢીયાળા પાંજરાપોળમાં ઢોર રાખવાનો ખર્ચ મળી આશરે કુલ રૂા. ૧ લાખનો ખર્ચ થશે. મહાપાલિકાએ એક રખડતા ઢોર પકડવા માટે એજન્સીને રૂા. રપ૦૦ આપે છે, જે આપવામાં આવેલ નથી અને ૭ ખુટીયાનો તમામ ખર્ચ એજન્સી પર નાખવામાં આવ્યો છે તેમ મહાપાલિકાના વેટરનરી ઓફિસર ડો. હિતેશ સવાણીએ જણાવેલ છે.








