Gujarat

યુનિ.ના પહેલા વર્ષના વિદ્યાર્થીઓને આધાર કાર્ડ જેવા આઈડી કાર્ડ અપાશે

By GS Team
12 Dec 20211 min read
This article was originally published on 12 Dec 2021
યુનિ.ના પહેલા વર્ષના વિદ્યાર્થીઓને આધાર કાર્ડ જેવા આઈડી કાર્ડ અપાશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ આ વર્ષે  પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને સરકારના આધાર કાર્ડની જેમ જ આઈડી કાર્ડ આપવાનુ નક્કી કર્યુ છે.

યુનિવર્સિટીના સૂત્રોના કહેવા પ્રમાણે યુનિવર્સિટીએ જાતે ડેવલપ કરેલી નવી ઓનલાઈન એડમિશન સિસ્ટમમાં આ વખતે એફવાયના વિદ્યાર્થીઓનુ રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ છે.રજિસ્ટ્રેશન વખતે  વિદ્યાર્થીઓને જે યુઝર આઈડી આપવામાં આવ્યો છે તે જ તેમનો પરમેનન્ટ રજિસ્ટ્રેશન નંબર રહેશે.

જોકે વિદ્યાર્થીઓને પ્રવેશ લીધા બાદ અત્યાર સુધી જે તે ફેકલ્ટી દ્વારા આઈકાર્ડ આપવામાં આવતા હતા.તેની જગ્યાએ આ વખતે એફવાયમાં પ્રવેશ લેનારા ૧૨૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન આઈડી કાર્ડ મોકલી આપવામાં આવશે.આ આઈડી કાર્ડ પીડીએફ ફોર્મેટમાં હશે.

વિદ્યાર્થીઓ યુઝર આઈડીથી પોતાના એકાઉન્ટમાં લોગ ઈન કરીને આઈડી કાર્ડનો પ્રિન્ટ આઉટ લઈને પોતાની પાસે રાખી શકશે અથવા તો મોબાઈલમાં પણ આઈ કાર્ડ તરીકે રાખી શકશે.મોબાઈલમાં આઈ કાર્ડ કેમ્પસમાં અવર જવર માટે માન્ય ગણવામાં આવશે.

કોમ્પ્યુટર સેન્ટરના સૂત્રોએ કહ્યુ હતુ કે, આ વર્ષથી જ આ પ્રકારે આઈ કાર્ડ આપવાનુ શરુ કરવામાં આવ્યુ છે.એકાદ સપ્તાહમાં વિદ્યાર્થીઓને તેમના એકાઉન્ટમાં આઈ કાર્ડ મોકલવાનુ શરુ કરી દેવાશે.એ સિવાયના વિદ્યાર્થીઓનુ જુની સિસ્ટમમાં રજિસ્ટ્રેશન થયુ હોવાથી તેમને નવા આઈ કાર્ડનુ વિતરણ કરવામાં નહીં આવે.