MSUનો પદવીદાન સમારોહ, કોઈને નવ તો કોઈને 6 ગોલ્ડ મેડલ, જાણો ગોલ્ડમેડાલિસ્ટોએ શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

M S Uninversity : એમ.એસ.યુનિવર્સિટીના 74મા પદવીદાન સમારોહમાં ટેકનોલોજી ફેકલ્ટીના સિવિલ એન્જિનિયરિંગના બીઈના વિદ્યાર્થી ઋષિ ચોટાલિયાને સૌથી વધારે નવ ગોલ્ડ મેડલ મળ્યા હતા.
તેણે એક વાતચીતમાં કહ્યું હતું કે, હું સુરત નજીક કોસંબાનો રહેવાસી છું. અભ્યાસ કરતો હતો ત્યારે ભણવામાં મહેનત તો કરતો હતો પણ ગોલ્ડ મેડલનો વિચાર નહોતો કર્યો. મને સિવિલ એન્જિનિયરિંગનુ મહત્તમ જ્ઞાન મળે તેના પર જ મારું ફોકસ હતું. એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીને ગુજરાતની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજ કહી શકાય તેવો મારો અનુભવ રહ્યો છે. ઋષિએ આગળ જણાવ્યું હતું કે, અભ્યાસમાં હોસ્ટેલમાં મને મિત્રોનો પણ સાથ સહકાર મળ્યો હતો. મારું માનવું છે કે, કોઈ પણ વિષયનો અભ્યાસ કરો પણ તેમાં 100 ટકા યોગદાન આપીને મહેનત કરો તો સફળતા મળે છે. ગુજરાત સરકારમાં નોકરી કરવી છે એટલે જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. પિતા કોન્ટ્રાક્ટર છે અને માતા ગૃહિણી છે.
ખેડૂતની દીકરીએ કોચિંગ ક્લાસ વગર પાંચ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા
સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એમકોમમાં પાંચ ગોલ્ડ મેડલ મેળવનાર પ્રવિણા ધીરુભાઈ સિસારા મહુઆ નજીકના નાનકડા ગામની રહેવાસી છે અને તેના પિતા ખેડૂત છે. તેણે કહ્યું હતું કે, મારી સ્કૂલના શિક્ષકે મને એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે સૂચન કર્યું હતું. મેં બીકોમ પણ અહીંથી જ કર્યું છે. બીકોમ અને એમકોમમાં મેં કોચિંગ ક્લાસ કર્યા નહોતા. હું તમામ લેકચર નિયમિત રીતે એટેન્ડ કરતી હતી. અધ્યાપકો તરફથી તમામ પ્રકારનું માર્ગદર્શન મળતું હતું અને મેં પણ અભ્યાસમાં મહેનત કરી હતી. હું આગળ પીએચડી કરવા માગું છે.
દોઢ વર્ષ સુધી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ આર્ટસમાં ગુજરાતી વિભાગમાં પ્રવેશ લીધો અને ચાર ગોલ્ડ મેડલ મળ્યા
આર્ટસ ફેકલ્ટીના ગુજરાતી વિભાગમાં એમએની ડિગ્રી સાથે ચાર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર હિરેન મૂળે અમરેલીનો છે અને તેના પિતા હીરા ઘસે છે. તેણે કહ્યું હતું કે, પહેલા તો મેં એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં ટેક્સટાઈલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો હતો. જોકે મારો પહેલો પ્રેમ ગુજરાતી ભાષા હતી. દોઢ વર્ષ પછી મેં એન્જિનિયરિંનો અભ્યાસ છોડીને ગુજરાતી વિષયમાં બીએ કરવા માટે આર્ટસમાં પ્રવેશ લીધો હતો. તે વખતે માતા પિતાને ચિંતા થોડી ચિંતા પણ થઈ હતી. જોકે બીએ બાદ હવે એમએનો અભ્યાસ પૂરો થયા બાદ હું અત્યારે પીએચડી કરી રહ્યો છું. મારી બે નવલકથા પણ પ્રકાશિત થઈ ચૂકી છે. ટુંકી વાર્તાઓનો સંગ્રહ આગામી વર્ષે પ્રકાશિત થશે. ભવિષ્યમાં અધ્યાપક બનવા માગુ છું. ગુજરાતી ભાષા પર ગ્લોબલાઈઝેશનની અસર દેખાઈ રહી છે.
મેડિકલની વિદ્યાર્થિનીને 6 ગોલ્ડ મેડલ
મેડિકલની વિદ્યાર્થિની પ્રાંજલ રાજપૂતને 6 ગોલ્ડ મેડલ એનાયત થયા હતા. મૂળે નડિયાદની વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, મેં મહેનત કરી હતી પણ ગોલ્ડ મેડલની આશા નહોતી રાખી. મહેનત કરવાથી સારુ ફળ મળે જ છે તેવું મારું માનવું છે. પ્રાંજલના પિતા નડિયાદમાં પરચૂરણ કામ કરે છે. તેની બહેન એમટેકનો અભ્યાસ કરી રહી છે.
પહેલા સેમેસ્ટરથી પહેલી રેન્ક આવતી હતી
ટેકનોલોજી ફેકલ્ટીના મેટલર્જી વિભાગના બીઈના વિદ્યાર્થી વિનાયક જોષીને પાંચ ગોલ્ડ મેડલ મળ્યા છે. તેણે કહ્યું હતું કે, હું પહેલા સેમેસ્ટરથી પહેલી રેન્ક મેળવતો આવ્યો છું. જોકે મારું ધ્યેય ગોલ્ડ મેડલ મેળવવાનું નહોતું. મારા ભાઈએ પણ મેટલર્જીમાં ડિગ્રી મેળવી હોવાથી મને પણ મેટલર્જીનો અભ્યાસ કરવાની પ્રેરણા મળી છે. ટેકનોલોજી ફેકલ્ટીમાં અભ્યાસનો અનુભવ ઘણો સારો રહ્યો છે.








