મધર્સ ડે સ્પેશિયલઃ સુરતની આ માતાના ત્રણેય સંતાન છે આર્મીમાં, દીકરી પોતાના બાળકને મૂકીને કરે છે 'ભારત માતા'ની સેવા
Mother's Day: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો છે ત્યારે ભારત માતાના રક્ષા માટે ગયેલા સૈનિકોની માતાની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા. સુરત એક જ પરિવારની બે દીકરીઓ અને એક દીકરા દેશ સેવા માટે બોર્ડર પર ફરજ બજાવી રહ્યા છે અને આ ત્રણેય સૈનિકોની માતાને આ મધર્સ ડે પર પોતાના બાળકોએ ભારતમાતાની રક્ષા કરી સૌથી મોટું ગિફ્ટ આપ્યું છે.
ત્રણેય બાળકો સરહદ પર કરી રહ્યા છે સેવા
મેનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે વાત સુરતની એક એવી માતાની કરવી છે કે જેણે એક પછી એક પોતાના ત્રણ બાળકોને દેશની સેવામાં મોકલી આપ્યા છે અને મહત્ત્વની વાત તો એ છે કે તેમાં બે દીકરીઓનો પણ સમાવેશ થાય છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા માયાબહેન મંગલેને ત્રણ બાળકો છે જેમાં સૌથી મોટી દીકરી વૈશાલી નડાબેટ બોર્ડર પર, બીજા નંબરનો દીકરો શિવ કુમાર છત્તીસગઢ પાસે નક્સલી વિસ્તારમાં અને ત્રીજા નંબરે શીતલ મંગલે ભારત બાંગ્લાદેશ બોર્ડર પર ફરજ બજાવે છે. માયાબહેનની સૌથી મોટી પુત્રી વૈશાલી 10 વર્ષ પહેલા BSFમાં જોડાયા હતા અને ત્યારબાદ તેમના જ નકશે કદમ પર તેમનો પુત્ર શિવકુમાર પણ BSFમાં જોડાયા અને ત્યારબાદ તેમની સૌથી નાની દીકરી પણ દેશ સેવા માટે BSFમાં જોડાઈ છે.
આ પણ વાંચોઃ છેલ્લા 10 વર્ષથી 23 વર્ષની યુવતી દેશના શહીદ જવાનોના પરિજનોને કરે છે આર્થિક મદદ
આ મારૂ ભાગ્ય છે, દરેકને આવી તક નથી મળતી
એક માતા તરીકે પોતાના ત્રણેય બાળકો દેશ સેવા માટે મોકલ્યા એ અંગે વાત કરતા માયાબહેન મંગલે એ કહ્યું કે, દેશની સેવા માટે મેં મારા દીકરા-દીકરી ને મોકલ્યા આ મારું ભાગ્ય કેહવાય, બધાના નસીબમાં આ સેવા કરવાની તક નથી મળતી. રામ જેવા દીકરા થાય તો દેશની સેવા માં જાય. મારો એક પુત્ર હોતે તો પણ હું દેશ સેવામાં મોકલત. મને ખુશી છે કે મારા ત્રણેય બાળકો આજે એક માતાની સેવા કરી અને બીજી સૌથી મોટી માતા ભારત માતાની સેવામાં જોડાયેલા છે.
આઠ વર્ષ બાદ ત્રણેય બાળકો સાથે ઉજવી દિવાળી
આજે (રવિવાર, 11 મે) મધર્સ ડે છે ત્યારે મારી નાની દીકરીનો કોલ આવ્યો એને કહ્યું કે, મમ્મી કાલે મધર્સ ડે છે પણ હું નથી, ત્યારે મેં મારી દીકરીને કહ્યું કે સૌથી પહેલી માતા ધરતી માતા છે, એટલે જ્યારે પણ મારી યાદ આવે ત્યારે ધરતી માતાને પગે લાગી લેવું, કારણ કે હું ખાલી તમને સાચવું છું પરંતુ ધરતી માતા બધા લોકોને સાચવે છે. દેશની સેવામાં જોડાયા બાદ મારા દીકરા-દીકરીઓ ક્યારે પણ એક સાથે મને મળી નથી શક્યા. આ વખતે છેલ્લી દિવાળી એવી હતી કે જ્યારે આઠ વર્ષ બાદ તેમણે મારી સાથે દિવાળી ઉજવી હતી. મારા ત્રણેય બાળકો હાલ રજા પર આવ્યા હતા પરંતુ, જે રીતે પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થયું તમની રજા કેન્સલ થઈ અને તાત્કાલિક ફરજ પર હાજર થવા નીકળી ગયા હતા. મને મારા ત્રણેય બાળકો પર ખૂબ જ ગર્વ છે કે તેઓ ભારત માતા માટે સેવા આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ જૂનાગઢ સતત ચોથા દિવસે ભિંજાયું, માણાવદરમાં 2.5, ગ્રામ્ય પંથકમાં 4થી 5 ઈંચ કમોસમી વરસાદ
ભારત-પાક. તણાવના કારણે ફરજ પર પરત ફર્યા
માયાબહેનની સૌથી મોટી દીકરી વૈશાલી જાદવ નડાબેટ ખાતે હાલ ફરજ બજાવી રહ્યા છે. તે દસ વર્ષ પહેલાં BSFમાં જોડાયા હતા અને પણ હાલ રજા પર સુરત આવ્યા હતાં, બે અઠવાડિયાની રજા બાકી હોવા છતાં પણ બે દિવસ પહેલા તેમને તાત્કાલિક ફરજ પર હાજર થવા કહેવામાં આવ્યું હતું. તે પણ એક બાળકની માતા છે અને પોતાનું બાળક અહીં પોતાની માતા પાસે મૂકીને ફરજ પર ગયા છે. વૈશાલી જાદવે કહ્યું કે, એક માતા તરીકે મને ક્યારેક તો અંદરથી દુઃખ થાય છે કે હું મારા દીકરાથી દૂર છું. પરંતુ મારો દીકરો ભલે મારી પાસે ન હોય, પરંતુ મારી માતા તેનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખશે તેનો મને ખ્યાલ છે અને અહીં બોર્ડર પર મારા જેવી ઘણી માતાઓ છે કે જેઓ પોતાના એક વર્ષના, બે વર્ષના કે પાંચ વર્ષના દીકરાને મૂકીને આવી છે. અમારા બધા માટે પહેલા સર્વોપરી ભારત માતા છે.
શિવકુમારે કહ્યું કે, હું આઠ વર્ષ બાદ આ વર્ષે દિવાળી પર ઘરે આવ્યો હતો અને જ્યારે પણ હું આવું છું ત્યારે મારી માતાની આંખોમાં એક અનેરી ચમક હોય છે જ્યારે અમે ડ્યુટી પર જઈએ છીએ ત્યારે મારી માતા અમને હસતા મોઢે વિદાય કરે છે પરંતુ તેની આંખોમાં તેનું દર્દ દેખાઈ આવે છે. રવિવારે મધર્સ ડે છે અને અમે મારી માતા સાથે ઉજવણી કરવા માટે ત્રણેય ભાઈ બહેનો આવ્યા હતા પરંતુ મારે પણ તાત્કાલિક ફરજ પર હાજર થવાનું થયું હોવાથી હું પણ મારી માતા સાથે મધર્સ ડે ઉજવી નહીં શકું ,પરંતુ મારી માતાએ અમને એ રીતે શીખવ્યું છે કે સૌથી પહેલા ભારત માતા છે અને પછી પરિવાર. આ મધર્સ ડે પર અમે ત્રણેય ભાઈ બહેનોએ અમારી માતાને સૌથી મોટી ગિફ્ટ એ આપી છે કે આજે અમે ત્રણેય ભાઈ બહેનોએ બોર્ડર પર દુશ્મનોને હરાવ્યા છે.