Get The App

જૂનાગઢ સતત ચોથા દિવસે ભિંજાયું, માણાવદરમાં 2.5, ગ્રામ્ય પંથકમાં 4થી 5 ઈંચ કમોસમી વરસાદ

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
જૂનાગઢ સતત ચોથા દિવસે ભિંજાયું, માણાવદરમાં 2.5, ગ્રામ્ય પંથકમાં 4થી 5 ઈંચ કમોસમી વરસાદ 1 - image


Gujarat Rain and Weather News : જૂનાગઢ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ પડયો હતો. માણાવદર શહેરમાં અઢી તેમજ ગ્રામ્ય પંથકમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાયા હતા. માળિયાહાટીના પંથકમાં વરસાદથી વૃજમી નદીમાં પુર આવ્યું હતું. જ્યારે ભેસાણમાં એક, જૂનાગઢમાં અડધો ઇંચ કમોસમી વરસાદ થયો હતો. હાલ પડતા વરસાદના લીધે ઉનાળુ પાક, કેરી, રાવણાનો પાક હવે નિષ્ફળ જાય એવી હાલત છે.

હાલ વૈશાખ માસમાં આકરી ગરમી અને તાપના બદલે રોજ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી અસહ્ય બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોરબાદ મેઘાડંબર વાતાવરણ છવાયું હતું. માણાવદર શહેરમાં બપોરે બે વાગ્યાથી બાદ વરસાદ શરૂ થયો હતો અને અઢી ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે સારંગ પીપળી અને આસપાસના ગામોમાં ચારથી પાંચ ઇંચ જ્યારે પાજોદ, સરાડીયા, લીંબુડા, સરદારગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા હતા. જ્યાં ઉનાળુ પાક વાવેતર થયેલું છે ત્યાં નુકસાન થયું હતું.



કેશોદ શહેરમાં છાંટા વરસ્યા હતા. જ્યારે વંથલી અને કેશોદ વચ્ચે ધોધમાર વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદ અને પવનના લીધે ભારે વાહનોને પણ ઉભા રાખી દેવા પડયા હતા. જ્યારે વંથલીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. માળિયાહાટીનામાં ઝાપટા સ્વરૂપે સાત મીમી જ્યારે ભાડવાળી અને ઈટાળી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો હતો. ઉપરવાસમાં વરસાદના લીધે વૃજમી નદીમાં પૂર આવ્યું હતું.

ગિરનાર પર્વત અને ભવનાથ ક્ષેત્રમાં વરસાદ પડતાં સોનરખ નદીમાં નવા નીરની આવક થઈ હતી. તો જૂનાગઢ અને ભેસાણમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મેંદરડામાં ત્રણ મીમી જ્યારે સાસણ-મેંદરડા વચ્ચે વરસાદ વરસ્યો હતો જ્યારે કેશોદમાં છાંટા પડયા હતા. આમ જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી કમોસમી વરસાદ પડતાં કેરી અને રાવણા, ચીકુ સહિતના બાગાયતી પાક અને ઉનાળુ તલ, મગ, બાજરી સહિતના પાક સાવ નિષ્ફળ થતા ખેડૂતોએ કરેલો ખર્ચ અને મહેનત માથે પડી છે.

Tags :