છેલ્લા 10 વર્ષથી 23 વર્ષની યુવતી દેશના શહીદ જવાનોના પરિજનોને કરે છે આર્થિક મદદ
Baroda News : ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ વચ્ચે અનેક યુવાનો લડતના મેદાનમાં જવા માટે જુસ્સો દર્શાવી રહ્યા છે. જ્યારે 23 વર્ષની યુવતી જ્યારે શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારથી જ દેશના સૈનિકોને કેન્દ્રમાં રાખીને દેશ સેવા કરી રહી છે. ખાસ કરીને શહીદ થયેલા સૈનિકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ રાખી આર્થિક મદદની સાથે નિયમિત સંપર્કમાં રહે છે.
યુપીએસસી તેમજ જીપીએસસી જેવી સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારીઓ કરતી વિધિ રાજેન્દ્રકુમાર જાદવે (ઉ.વ.23) દેશની બોર્ડર પર અથવા પુલવામા, ઉરી, પઠાણકોટ હુમલા સહિત અન્ય હુમલામાં શહીદ થયેલા સૈનિકો પૈકી 397 સૈનિકોના પ્રત્યેક પરિવારોને રૂ. 5 હજાર તેમજ આશ્વાસન પત્ર મોકલ્યા છે. દેશદાઝ ધરાવતી વિધિએ શહીદ થયેલા સૈનિકો પૈકી 165 સૈનિકોના પરિવારનો ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં જઇને રૂબરુ સંપર્ક કર્યો છે.
વિધિએ જણાવ્યું હતું કે વર્ષ-2015માં જ્યારે હું શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે ખેડા જિલ્લાના સનાદ્રા ગામનો એક યુવાન શહીદ થયો તે મેં સમાચાર વાંચ્યા બાદ પરિવારજનો સાથે હું શહીદ સૈનિકના ઘેર ગઇ હતી. તે સમયે માત્ર રૂ.500 સહાય કરવા માંગતી હતી પરંતુ સૈનિકના ઘરની હાલત જોઇ અને રૂ.5000 આપ્યા હતાં. આ ઘટના બાદ તેને શહીદ સૈનિકોને પરિવારોને મદદ કરવાનો ક્રમ બનાવી દીધો હતો અને શહીદ સૈનિકોના પરિવાર દીઠ રૂ.5 હજાર મોકલી રહી છે. પુલવામા તેમજ ઉરી હુમલામાં શહીદ થયેલા સૈનિકના પરિવારોને જો કે રૂ.11 હજાર આપ્યા હતાં.
શહીદ સૈનિકોના પરિવારોના સતત સંપર્કમાં રહું છું અને તેના કારણે 15જેટલા પરિવારજનો મારા ઘેર પણ આવ્યા છે. એટલું જ નહી પરંતુ શહીદ સૈનિકનું સ્ટેચ્યૂ ગામમાં સ્થાપિત કરવાનું હોય ત્યારે મને પણ તેઓ આમંત્રણ આપે છે અને તેમાં હું અચુક હાજરી આપું છું. છેલ્લા દશ વર્ષમાં શહીદ સૈનિક પરિવારજનોને કુલ રૂ.20 લાખની સહાય કરી છે. મૂળ નડિયાદની વતની વિધી જાદવ અનેક ક્ષેત્રોમાં લોકોને મદદરૂપ થાય તેમ ઇચ્છે છે.
વિધિ તહેવારોની ઉજવણી બોર્ડર પર સૈનિકો સાથે કરે છે
વિધિ જાદવ મહત્વના તહેવારો સૈનિકો સાથે જ ઉજવવાનું પસંદ કરે છે. ખાસ કરીને દેશની સરહદો પર સૈનિકો ડયૂટિ પર હોય ત્યારે તેઓની મુલાકાત લઇ મીઠાઇ તેમજ ચોકલેટ્સનું વિતરણ કરી તેઓની સાથે તહેવારોની ઉજવણી કરે છે. તેણે ચાર બોર્ડર વિસ્તારોમાં જઇને સૈનિકો સાથે તહેવારોની ઉજવણી કરી છે.
વર્લ્ડ પીસ ડેના દિવસે યુનો તેમજ 62 દેશોના વડાને પત્રો લખ્યા હતાં
તા.21 સપ્ટેમ્બર 2018માં વર્લ્ડ પીસ ડેની ઉજવણી થઇ ત્યારે વિધિએ યુનોના સેક્રેટરી જનરલ તેમજ તેના 62 જેટલા સભ્યોના વડાને વિશ્વમાં શાંતિની અપીલ માટેના પત્રો લખ્યા હતાં. તેના આ પત્રોની અનેક દેશોએ નોંધ લીધી હતી અને અનેક દેશોએ તેને રિપ્લાય પણ આપ્યો હતો.
સૈનિકો સામેથી શહીદોની વિગતો મોકલે છે
વિધિ જાદવ દ્વારા શહીદ સૈનિકોના પરિવારોને આર્થિક સહાય મોકલવા ઉપરાંત તેમના નિયમિત સંપર્કથી અનેક સૈનિકોમાં તે લોકપ્રિય થઇ ગઇ છે. કેટલાંક સૈનિકો તો શહીદ સૈનિકોની વિગતો સામેથી વિધીને મોકલે છે. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુધ્ધમાં શહીદ થયેલા બે સૈનિકો દીનેશકુમાર શર્મા અને મુરલી નાયકને પણ વિધીએ આર્થિક સહાય સાથે આશ્વાસનપત્ર મોકલ્યા છે.
કેટલીક વખત તકલીફો છતાં મદદ મળી રહે છે
વિધિ જાદવે જણાવ્યું હતું કે શહીદ સૈનિકોના પરિવારજનોને મદદ કરવા ઉપરાંત શાળામાં વિદ્યાર્થીઓ માટે મદદ કરવા તત્પર રહું છું. આ માટે પૈસાની મદદ મારા અંગત ખર્ચમાંથી બચતની સાથે પરિવારજનો મદદ કરે છે તેમજ સિનિયર સિટિઝનો મારી મદદમાં ખાસ જોડાતા હોય છે. થોડા સમય પહેલાં આર્થિક સમસ્યા ઉભી થઇ હોવા છતાં શહીદ સૈનિકોના પરિવારને મદદ કરવાનો જુસ્સો અકબંદ છે.