પેટલાદના રવિપુરા ગામની ચોકડી પાસે અકસ્માત
બે પુત્રીઓએ માતાની છત્રછાયા ગુમાવી અજાણ્યા બાઈક ચાલકની વિરુદ્ધ ફરિયાદ
પેટલાદ તાલુકાના મોરડ ગામે ૪૪ વર્ષીય દક્ષાબેન નરેશભાઈ પરમાર પોતાની બે પુત્રીઓ સાથે રહેતા હતા. સોમવાર સાંજના સુમારે દક્ષાબેન પોતાની બે પુત્રીઓ ભાવના અને વૈશાલી સાથે ઘરેથી નીકળી રવિપુરા ચોકડી ખાતે બજારમાં ખરીદી અર્થે જઈ રહ્યાં હતા. દક્ષાબેન બે પુત્રીઓ સાથે રોડની સાઈડમાં ચાલતા હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચડેલા અજાણ્યા બાઈક ચાલકે દક્ષાબેન અને તેમની પુત્રી વૈશાલીને ટક્કર મારતા બંને રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં દક્ષાબેનને માથા તેમાં શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળ એકત્ર થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલ માતા-પુત્રીને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દક્ષાબેનને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુરૂવારે વહેલી સવારે તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મહેળાવ પોલીસે નવનીતભાઈ ફુલાભાઈ પરમારની ફરિયાદના આધારે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


