સુરતના ઉમરપાડામાં 8 કલાકમાં 13 ઈંચથી વધુ વરસાદ, વલસાડમાં અનરાધાર સ્થિતિમાં 474 રસ્તા-પુલ બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

South Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ અને નવસારી સહિતના જિલ્લાઓમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે અનેક શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન બન્યા છે. વાપીના પોશ ગણાતા વિસ્તારો જેવા કે અવધ ટુંકવાડા, પટેલવાડી અને ગુંજન વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે.
વલસાડમાં 474 માર્ગો-પુલ અવરજવર માટે બંધ
વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસી રહેલા અવિરત ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં સ્થિતિ ગંભીર બની છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા, માર્ગો ધોવાઈ જવા તેમજ પુલ અને કલ્વર્ટ ઉપરથી પાણી વહેતા હોવાના કારણે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કુલ 474 માર્ગો અને પુલો પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.બંધ કરવામાં આવેલા રસ્તાઓમાં પંચાયત હસ્તકના 442 અને સ્ટેટ હસ્તકના 32 માર્ગોનો સમાવેશ થાય છે.
દુર્ઘટના ટાળવા બેરિકેડ્સ મુકાયા
વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર ભાવેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના કે દુર્ઘટના ન સર્જાય તે માટે તમામ અસરગ્રસ્ત રસ્તાઓ પર સૂચના દર્શાવતા બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે. જે વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે, ત્યાં રસ્તાઓને વહેલી તકે ફરીથી વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી જિલ્લા વહીવટીતંત્ર અને માર્ગ-મકાન વિભાગ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, બંધ કરાયેલા માર્ગો કે પુલ પરથી પસાર થવાનો સાહસિક પ્રયાસ ન કરવો. રસ્તા પર મુકેલા બેરિકેડ્સ દૂર ન કરવા.
ઉમરગામમાં સંજાણ હુમરાણ વચ્ચેનો પુલ તૂટ્યો


4 કલાકમાં મેઘરાજાની ધડબડાટી, બે જિલ્લામાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા અનુસાર સવારના છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં વલસાડના ઉમરગામમાં 8.7 ઈંચ તથા સુરતના ઉમરપાડામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. રોડ-રસ્તા નદી-બેટ જેવા બની ગયા છે. લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર થયા છે. અનેક લોકોના ઘરો તો આખા પાણીમાં ગરકાવ થઇ ગયા છે.


વલસાડમાં મેઘતાંડવ બાદ તમામ કારખાના-ઔદ્યોગિક એકમ બંધ રાખવાનો નિર્ણય
વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રમયોગીઓની સુરક્ષા અને જાહેર હિતને પ્રાધાન્ય આપતા જિલ્લાના તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમોને તા. 23 જુલાઈના રોજ સમગ્ર દિવસ માટે કામગીરી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.
સુરત-વલસાડમાં મેઘતાંડવ, સવારના બે કલાકમાં જ 5 થી 7 ઈંચ જેટલો વરસાદ
હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે સવારના 6 વાગ્યાથી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન જ વલસાડના ઉમરગામમાં ફરી 7.20 ઈંચ વરસાદ તો સુરતના ઉમરપાડામાં 5.12 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં તમામ રોડ રસ્તા બેટમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે નવસારીના ખેરગામમાં અઢી ઈંચ અને ભરુતમાં 2.28 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. માત્ર બે કલાકના ગાળામાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે 108 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો.

કેન્દ્રશાસિત પ્રદેશોમાં પૂરનો પ્રકોપ
ભારે વરસાદને પગલે સુરતમાં આજે ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાની જાહેરાત

વાપીમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
વાપીના પટેલવાડી વિસ્તારમાં સોસાયટીઓ અને રસ્તા પર પાર્ક કરેલી અનેક કાર પાણીમાં અડધીથી વધુ ડૂબી જતાં વાહનમાલિકોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજ્યના 213 તાલુકામાં મેઘમહેર, ઉમરગામમાં સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 61 તાલુકામાં 1 ઇંચથી વધુ, 44 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 26 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.જેમાં ઉમરગામમાં 35.67 ઇંચ, કપરાડામાં 28.78 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ વરસાદ નોંધાયો છે.

નવસારીમાં પૂર્ણા, અંબિકા અને કાવેરીમાં ઘોડાપૂર
નવસારી જિલ્લામાં અને ઉપરવાસના સુરત, તાપી તથા ડાંગમાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. નવસારી શહેર અને બીલીમોરા સહિતના વિસ્તારોમાં 1 લાખથી વધુ લોકો પૂરથી સીધી રીતે પ્રભાવિત થયા છે. પૂર્ણા નદીનું જળસ્તર 22 ફૂટ સુધી પહોંચ્યું છે, જ્યારે તેની ભયજનક સપાટી 23 ફૂટ છે. અંબિકા નદી 29 ફૂટની ભયજનક સપાટીને અડી ગઈ છે, જ્યારે કાવેરી નદી 22 ફૂટે વહેતી હોવાથી તે ભયજનક સપાટી 19 ફૂટથી ઉપર વહી રહી છે. નદીઓના વધતા જળસ્તરને પગલે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સ્થાનિક તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

મધરાત્રે NDRFનું સફળ રેસ્ક્યુ ઓપરેશન
દાદરા અને નગર હવેલીના ખાનવેલ ક્ષેત્ર હેઠળ આવતા તલાવલી ગામે પૂરના પાણી ભરાતાં ચાર નાગરિકો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ 06 બટાલિયન NDRFની ટીમે મધરાત્રે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે તમામ ચારેય વ્યક્તિઓને પૂરના પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢીને જિલ્લા વહીવટી તંત્રને સોંપ્યા હતા.











