ચાવડીગેટમાં દારૂ પકડવા ગયેલી પોલીસ ઉપર ટોળાનો હુમલો, એસીડ એટેકનો પ્રયાસ

- ટયુબલાઇટના ધોકા સાથે ધસી આવેલા મહિલા સહિતના ટોળાએ પોલીસ સાથે મારામારી કરી
- એક શખ્સે ફિનાઇલ પીવાનો પ્રયાસ કર્યો, મારામારીમાં એક પોલીસ કર્મચારીને ઇજા
ભાવનગર એલસીબીનો સ્ટાફ ગત રાત્રિના પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ચાવડી ગેટ વિસ્તારમાં ગ્રે કલરની મારૂતિ કંપનીની કારમાં અમુક માણસો ગોવાથી વિદેશી દારૂનો જથ્થો લાવીને દેવીપૂજકવાસમાં આવેલ રાકેશ મનુભાઈ શાહના મકાનમાં ઉતરવાના છે. જે બાતમીના આધારે એલસીબીએ ચાવડીગેટ વિસ્તારમાં પાર્ક કરેલી કાર મળી આવી હતી અને કારમાં દિનેશ રાજુભાઈ શાહ, કિશન રાકેશભાઈ શાહ અને વિશાલ અજયભાઈ યાદવ મળી આવતા તેમની પૂછપરછ કરી હતી. દરમિયાન રાકેશ મનુભાઈ શાહ, અજય જેન્તીભાઇ ચુડાસમા, પ્રકાશ નરેશભાઈ શાહ, હાદક ઉર્ફે બોમ્બ, આશાબેન રાકેશભાઈ શાહ તેમજ અજાણી મહિલા અને પુરુષોનું ટોળું ટયુબલાઇટના ધોકા લઈને દોડી આવ્યું હતું અને દારૂ ભરેલી કાર ઉપર ધોકા પછાડી ચાલકને કાર લઈને ભાગી જવાનું કહ્યું હતું અને પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી. ટોળામાં હાજર એક શખ્સે એસીડની બોટલ પોલીસ કર્મચારી ઉપર ફેંકવાનો પ્રયાસ કરતા પોલીસ કોન્સ્ટેબલ ઉમેશભાઈ હુંબલે શખ્સના હાથમાંથી એસીડની બોટલ ઝૂંટવી લીધી હતી. દરમિયાન પીઆઈ એ.આર.વાળા, પીએસઆઇ વી.સી.જાડેજા, પી.ડી.ઝાલા તેમજ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થિતિ કંટ્રોલ કરી હતી. પોલીસનો મોટો કાફલો આવી જતા ત્યાં હાજર અજય જેન્તીભાઇ ચુડાસમાએ ફિનાઈલની બોટલ ગટગટાવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ટોળાએ ફરી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ માનદીપસિંહ ગોહિલને કોણીના ભાગે ઇજા થઈ હતી. પોલીસે બનાવ સ્થળેથી દિનેશ રાજુભાઈ શાહ, કિશન રાકેશભાઈ શાહ, વિશાલ અજયભાઈ યાદવ અને રાકેશ મનુભાઈ શાહ (રહે.તમામ દેવીપૂજકવાસ, ચાવડીગેટ)ને ઝડપી લીધા હતા. આ સંદર્ભે અંગે દિનેશ રાજુભાઈ શાહ, કિશન રાકેશભાઈ શાહ, વિશાલ અજયભાઈ યાદવ, રાકેશ મનુભાઈ શાહ, અજય જેન્તીભાઇ ચુડાસમા, પ્રકાશ નરેશભાઈ શાહ, હાદક ઉર્ફે બોમ્બ, આશાબેન રાકેશભાઈ શાહ અને અજાણ્યા મહિલા અને પુરુષના ટોળા વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો છે.
વિદેશી દારૂ ભરેલી કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો
ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી કાર અંગે તપાસમાં ગયેલી એલસીબી પોલીસની ટીમ સાથે મારામારી કરી એસીડ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે વિદેશી દારૂની નાની-મોટી ૨૨ બોટલ, કાર તેમજ મોબાઈલ મળી કુલ રૂ.૧,૧૦,૧૪૭નો મુદ્દામાલ કબજે કરી ચાર શખ્સની ધરપકડ કરી હતી.









