Surat Corporation : મેયર અને પદાધિકારીઓની પસંદગીમાં છેલ્લી ઘડીએ સર્જાયેલા રાજકીય સમીકરણો બાદ હવે પાલિાકની 12 ખાસ કમિટીઓની રચના પર સૌની નજર છે. ભાજપ સંગઠન દ્વારા શરૂ કરાયેલી કવાયત વચ્ચે ધારાસભ્યોની ભલામણોને ફરી પ્રાધાન્ય મળશે અને દરેક ધારાસભ્યને એક-એક ચેરમેન પદની ફાળવણી થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ટિકિટ વહેંચણીમાં શહેર ભાજપ સંગઠન કરતા ધારાસભ્યનું પલ્લું ભારે રહ્યું હતું, હવે ખાસ કમિટીઓના ચેરમેનોની પસંદગીમાં પણ પુનરાવર્તન થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. સુરત મહાનગર પાલિકાની વિવિધ ખાસ કમિટીઓની રચના હજુ સત્તાવાર રીતે જાહેર થઈ નથી, પરંતુ તેની પૂર્વ તૈયારી ભાજપ સંગઠન શરૂ કરી દીધી હોવાનું માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસની તૈયારીના ભાગરૂપે યોજાયેલી બેઠક બાદ પ્રદેશ ભાજપ મહામંત્રી ડો.કોરાટે શહેર ભાજપના મુખ્ય હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો અને અન્ય આગેવાનો પાસેથી ખાસ કમિટીના ચેરમેન, ઉપાધ્યક્ષ અને સભ્યો માટે સંભવિત નામોની અલગ-અલગ યાદી માંગી હોવાનું જાણવા મળ્યું છે. ભાજપના આંતરિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.
પાલિકાની છેલ્લી ચૂંટણી દરમિયાન ઉમેદવારોની પસંદગીમાં શહેર ભાજપ સંગઠનની ભૂમિકા મર્યાદિત રહી હતી અને મોટા ભાગના નિર્ણયો ધારાસભ્યોની ભલામણના આધારે લેવાયા હોવાના આક્ષેપો થયા હતા. પરિણામે અનેક વોર્ડોમાં સ્થાનિક સંગઠન કરતાં ધારાસભ્યો વધુ સક્રિય જોવા મળ્યા હતા. ચૂંટણી બાદ મેયર અને અન્ય પદાધિકારીઓની પસંદગી વખતે પણ છેલ્લી ઘડીએ સમીકરણો બદલાતા અનેક દાવેદારોને નિરાશા સાંપડી હતી. તે અનુભવને ધ્યાનમાં રાખી આ વખતે પ્રદેશ નેતૃત્વ આગોતરા આયોજન દ્વારા કમિટીઓની રચના કરવા માંગે છે. જોકે, નામની માંગણીની પ્રક્રિયાએ પ્રશ્ન ઉભો કર્યો છે કે અંતિમ નિર્ણયમાં શહેર સંગઠનની ભલામણોને પ્રાધાન્ય મળશે કે ફરી ધારાસભ્યનું પલ્લું ભારે રહેશે તેવું કહેવાય રહ્યું છે.
ભાજપના વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે 12 ખાસ કમિટીઓમાં અધ્યક્ષપદની વહેંચણી એવી રીતે કરવામાં આવે કે શહેરના દરેક ધારાસભ્યને પોતાના પ્રભાવ ક્ષેત્ર મુજબ ઓછામાં ઓછું એક ચેરમેન પદ મળે. જો આ ફોર્મ્યુલા અમલમાં આવશે તો કમિટીઓની રચનામાં ધારાસભ્યોનો પ્રભાવ અગાઉ કરતાં વધુ મજબૂત બનશે. હાલ તમામ નજરો પ્રદેશ નેતૃત્વના અંતિમ નિર્ણય પર ટકેલી છે, કારણ કે કમિટીઓની રચના માત્ર વહીવટી નહીં પરંતુ આગામી રાજકીય સમીકરણો માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.


