Gas Crisis In Ahmedabad College: મિડલ ઈસ્ટના યુદ્ધની વૈશ્વિક અસર હવે સ્થાનિક સ્તરે અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજ સુધી પહોંચી છે. ગેસના બાટલાની અછત અને આસમાને પહોંચેલા ભાવોને કારણે હોસ્ટેલની મેસ ચલાવવી મુશ્કેલ બની છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના પૌષ્ટિક ભોજન અને તેમના અભ્યાસના સમય પર જોખમ ઊભું થયું છે, જેને પહોંચી વળવા સંચાલકોએ હવે આધુનિક ગેસ છોડી ચૂલા પર રસોઈ બનાવવાની ફરજ પડી છે.
સપ્લાય બંધ થતા મેસ સંચાલકોની હાલત કફોડી
LD એન્જિનિયરિંગ કેમ્પસમાં મેસ ચલાવતા ઓનર નરેશ જોષીએ જણાવ્યું કે, 'અત્યારે આ યુદ્ધની સ્થિતિને લીધે અમારે ગેસના બાટલા મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખરેખર તો અમારે બે બાટલાની જરૂર હોય છે, જે પહેલાં અમને રોજેરોજ મળી રહેતા હતા, પણ હવે પરિસ્થિતિ એવી છે કે કોઈ ફોન ઉપાડવા પણ તૈયાર નથી. ત્રણ દિવસ પહેલાં કોઈ બે બાટલા આપી ગયું હતું, પણ હવે સપ્લાય સાવ બંધ જેવી જ છે. આથી, અમે વિકલ્પ તરીકે ચૂલાઓ બનાવ્યા છે અને તેની પર જ રસોઈ બનાવવાનું શરૂ કર્યું છે.'
ગેસના બાટલા અંગે નરેશ જોષીએ કહ્યું કે, 'અમારા અહીં સવારે 150 અને સાંજે 150થી 200 જેટલા વિદ્યાર્થીઓ જમે છે. તેમને સમયસર જમવાનું મળી રહે તે માટે અમે પહેલાં સાત વાગ્યે ઊઠતા હતા તેના બદલે હવે વહેલા પાંચ વાગ્યે ઊઠીને રસોઈની તૈયારી કરીએ છીએ જેથી વિદ્યાર્થીઓને મોડું ન થાય. અમે ગેસના બાટલા માટે પહેલાંના 1700-1800 રૂપિયાના બદલે 2500થી 3000 રૂપિયા આપવા પણ તૈયાર છીએ, છતાં કોઈ આપવા તૈયાર નથી. અત્યાર સુધી તો અમે વિદ્યાર્થીઓને તકલીફ પડવા દીધી નથી, પણ જો ભવિષ્યમાં પણ આવું જ રહેશે તો ઘણી મુશ્કેલીઓ પડી શકે છે.'
પૌષ્ટિક આહાર અને અભ્યાસના સમય પર જોખમ
અહીં હોસ્ટેલમાં રહીને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા રંગાણી ભરાસરે જણાવ્યું કે, 'અત્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે ગેસના બાટલાની જે અછત સર્જાઈ છે, તેના લીધે જો અમારી મેસ બંધ થઈ જશે તો અમને ઘણું નુકસાન થશે. અહીં અમને માત્ર 60 રૂપિયામાં જે પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ભોજન મળે છે, તે બહાર રેસ્ટોરન્ટ કે રેકડીઓમાં મોંઘું મળશે અને ત્યાં ખાવાની ગુણવત્તા પણ જળવાશે નહીં, જેનાથી અમારા સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે છે. આ ઉપરાંત, મેસ કોલેજની નજીક હોવાથી અમારો જમવાનો સમય બચે છે, પરંતુ જો અમારે બહાર જમવા જવું પડે તો બે-ત્રણ કિલોમીટરની રઝળપાટમાં સવાર, બપોર અને સાંજ એમ ત્રણેય ટાઈમનો અમારો ભણવાનો કિંમતી સમય વેડફાઈ જશે.'


