Get The App

ગાડીમાં બેઠેલા મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચોરી શખ્સો ફરાર

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
ગાડીમાં બેઠેલા મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચોરી શખ્સો ફરાર 1 - image

- નડિયાદના પશ્ચિમ વિસ્તારની ઘટના 

- પોલીસે સીસીટીવી આધારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ આદરી

નડિયાદ : નડિયાદમાં ધોળા દિવસે લૂંટની સનસનીખેજ ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા બાઇક સવારોએ ચાલુ ગાડીએ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી લીધી હતી. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા વાડી ચાર રસ્તા પાસે ગાડીમાં જઈ રહેલા દંપતીને નિશાન બનાવી બે અજાણ્યા લૂંટારુઓ સોનાની ચેઇન તોડીને ફરાર થઈ ગયા છે.

નડિયાદના રણછોડ પાર્કમાં રહેતા ૭૪ વર્ષીય લાલસિંહ મોતીસિંહ ગોહેલ કે, જેઓ સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી નિવૃત થયેલા છે. તેઓ ગુરૂવારની સાંજે પોતાની પત્ની સજનબેન સાથે ગાડી લઈને ફરવા નીકળ્યા હતા. લાલસિંહ પોતે ડ્રાઇવિંગ કરી રહ્યા હતા અને તેમની પત્ની બાજુની સીટ પર બેઠા હતા. આ દરમિયાન વિશ્વકર્મા ચાર રસ્તા પાસે લાલસિંહના મોબાઈલ પર ફોન આવતા તેમણે ગાડી સાઈડમાં ઊભી રાખી હતી. ગરમીના કારણે ગાડીના બંને દરવાજાના કાચ ખુલ્લા હતા અને લાલસિંહ ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક મોટરસાઇકલ પર બે શખ્સો ગાડીની નજીક આવ્યા હતા. સાંજના આશરે ૧૭ઃ૪૪ વાગ્યાની આસપાસ એક લૂંટારુએ ગાડીની બારીમાંથી હાથ નાખી સજનબેનના ગળામાં પહેરેલી સોનાની ચેઇન જોરથી ખેંચી લીધી હતી. આ ચેઇન આશરે ૨૨થી ૨૫ ગ્રામ વજનની હતી જેની કિંમત અંદાજે ૧૧,૦૦૦ રૂપિયા જણાવવામાં આવી છે. અચાનક થયેલા આ હુમલાથી દંપતી ગભરાઈ ગયું હતું અને તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. લાલસિંહે તુરંત જ પોતાની અલ્ટો ગાડી લૂંટારુઓના બાઇક પાછળ દોડાવી હતી પરંતુ પીજ રોડ તરફ જઈ રહેલા ટ્રાફિકનો લાભ લઈને બાઇક સવારો ગણતરીની મિનિટોમાં નજરથી દૂર થઈ ગયા હતા. ટ્રાફિકના કારણે પીછો કરવો મુશ્કેલ બનતા લૂંટારુઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

ફરિયાદીના જણાવ્યા અનુસાર, આ સોનાની ચેઇન આશરે ૨૩ વર્ષ જૂની હતી અને અગિયારેક વર્ષ પહેલા જ્યારે તે તૂટી હતી ત્યારે તેનું વજન કરાવતા તે ૨૨ ગ્રામ જેટલું થયું હતું. લૂંટની આ ઘટના સમયે આરોપીઓએ કયા નંબરનું બાઇક વાપર્યું હતું કે તે કઈ કંપનીનું હતું તે દંપતી જોઈ શક્યું નહોતું. આ સમગ્ર મામલે લાલસિંહ ગોહેલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધોળા દિવસે બનેલી લૂંટની આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી લૂંટારુઓને પકડવા ચક્રોે ગતિમાન કર્યા છે.