Gujarat

અટલાદરા,અલકાપુરી,ફતેગંજ જેવા સ્થળોએ આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન ટ્રાફિકજામની દહેશત

By GS TEAM
30 Dec 20251 min read
અટલાદરા,અલકાપુરી,ફતેગંજ જેવા સ્થળોએ  આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન ટ્રાફિકજામની દહેશત

વડોદરાઃ શહેરમાં આવતીકાલે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન ટ્રાફિકની સમસ્યા મોટી મુસીબત બને તેવી દહેશત વર્તાઇ રહી હોવાથી તંત્ર દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ માટે તૈયારી કરવામાં આવી રહી છે.

થર્ટી ફર્સ્ટની ઉજવણી મુખ્યત્વે ફતેગંજ વિસ્તારમાં થતી હોય છે.આ ઉપરાંત સયાજીગંજ ડેરીડેન તેમજ પૂર્વ અને પશ્રિમ વિસ્તારમાં મોડી રાત સુધી ટ્રાફિકની ભારે અવરજવર રહેતી હોયછે.

પરંતુ ફતેગંજ બ્રિજ પરનો એકમાર્ગીય રસ્તો તેમજ અલકાપુરી ગરનાળું બંધ હોવાને કારણે અન્ય વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વકરે તેવા સંજોગ દેખાઇ રહ્યા છે.આ ઉપરાંત અટલાદરા-કલાલી બ્રિજ વિસ્તારમાં પણ સાંજે ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોય છે.

જેને અનુલક્ષીને પોલીસ કમિશનરે ટ્રાફિક પોલીસને તૈયાર રાખી છે.જ્યારે પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે.આજે મોડી સાંજે અધિકારીઓએ અટલાદરા વિસ્તારમાં મુલાકાત લઇ ટ્રાફિકની સમસ્યા સર્જાવાના કારણોની તપાસ કરી હતી.