Gujarat

હિંમતનગર સહિત સાબરકાંઠામાં વહેલી સવારે પવન સાથે માવઠુ

By GS Team
2 Dec 20212 mins read
This article was originally published on 2 Dec 2021
હિંમતનગર સહિત સાબરકાંઠામાં વહેલી સવારે પવન સાથે માવઠુ

હિંમતનગર તા. 1

રાજયમાં હવામાન વિભાગે બે દિવસ કમૌસમી વરસાદની આગાહી કરી છે જેને પગલે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિવિધ વિસ્તારોમાં બુધવારે વહેલી પરોઢે કમૌસમી વરસાદ પડયો હતો.  રાજયના વિવિધ વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેની અસર હિંમતનગર શહેર અને જીલ્લા ઉપર વર્તાઈ હોય તે પ્રકારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.

હિંમતનગર સહિત સાબરકાંઠા જીલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં બુધવારે વહેલી પરોઢે પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટા પડતા સમગ્ર પથક ઠંડુગાર બન્યુ હતુ અને જિલ્લાભરમાં બદલાયેલા હવામાનની અસર વર્તાઈ હતી. તેમજ કમૌસમી વરસાદને પગલે શહેરના રોડ અને રસ્તા પણ ભીંના થઈ ગયા હતા. કમૌસમી વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બનવાની સાથે શહેરના વિવિધ માર્ગો ઉપર નગરજનો ભર શિયાળે છત્રીઓ લઈને ફરતા નજરે પડયા હતા. ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં બુધવારે સાંજે  ૫ વાગ્યા સુધીમાં ૧ મિ.મિ. વરસાદ પડયો હોવાનુ જણાવાયુ છે. તેમ છતાં જો કમૌસમી વરસાદ વધુ થાય તો તેના લીધે વિવિધ પાકોમાં નુકસાન થવાની શક્યતાઓ ખેડુત વર્ગ દર્શાવી રહ્યો છે.

બુધવારે સમગ્ર દિવસ દરમ્યાન હિંમતનગર શહેર અને જીલ્લાના આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. તાપમાનના પારામાં વધારો થવા છતાં ઠંડીનુ પ્રમાણ યથાવત જોવા મળ્યુ હતુ.

વરસાદની આગાહીથી માર્કેટયાર્ડમાં જણસો ન લાવવા સુચના અપાઇ

હવામાન વિભાગની આગાહીને પગલે એ.પી.એમ.સી. માર્કેટ દ્વારા ખેત પેદાશો માર્કેટ યાર્ડમાં વેંચાણ અર્થે ન લાવવા સુચના અપાઈ

રાજય સરકારના મૌસમ વિભાગ તરફથી મળેલી આગાહીના પગલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, હિંમતનગર (સા.કાં.) દ્વારા  તા. ૩૦-૧૧-૨૦૨૧ થી તા. ૦૨-૧૨-૨૦૨૧ દરમ્યાન તીવ્ર ગતીથી પવન ફુંકાવાની તેમજ ભારે વરસાદની સંભાવના હોવાને પગલે ખેત પેદાશોને નુકસાન ન થાય તે માટેે સુરક્ષિત જગ્યાએ ઢાંકી રાખવા તેમજ વેપારીઓને માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે લાવેલ ખેત પેદાશોનો માલ સુરક્ષિત જગ્યાએ ઉતારવા તેમજ તાડપત્રીથી ઢાંકી રાખવા સુચના કરાઈ હતી.

લગ્ન પ્રસંગોની રોનક ઝાંખી પડી

ફરીથી કમોસમી વરસાદે દસ્તક દેતાં જિલ્લામાં સેંકડો પરીવારોમાં જયાં લગ્ન પ્રસંગો યોજાયા હતા ત્યાં રોનક ઝાંખી પડી હતી. કમોસમી વરસાદ અને પવન ફુંકાતા અનેક પરીવારોને ખર્ચો પણ માથે પડવાની દહેશત ઉભી થઈ છે. અનેક ઠેકાણે લગ્ન મંડપો પણ ઉડયા હતા અને ભોજન સમારંભોમાં  પણ લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.

 શાકભાજીને વ્યાપક ફટકો

કમોસમી વરસાદના કારણે જીરૂ, વરીયાળી, ઈસબગુલ અને શાકભાજીને ફટકો પડયો છે. આ તમામ પાકોમાં હવે જીવાતથી લઈ ઈયળનો ઉપદ્રવ વધશે અને સાથે-સાથે વરીયાળીમાં કાળીયા નામનો રોગ પણ દેખા દેશે. આગામી દિવસોમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડુતોને જરૂરી સલાહ-સુચનો આપવામાં આવી શકે છે.