વારસિયામાં વેપારીની આંખમાં મરચું નાંખી 10 લાખ અને વિદેશી નોટોના લૂંટ કેસમાં રેકી કરનાર પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરામાં વારસિયા રિંગરોડ પર ઉત્તરાયણને બીજે દિવસે સિનિયર સિટિઝન વેપારીની આંખમાં મરચું નાંખી 10 લાખની રોકડ અને વિદેશી ચલણી નોટોની લૂંટના બનેલા બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે રેકી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે.
વારસિયાની ચતુરપાર્ક સોસાયટીમાં રહેતા અને કારેલીબાગમાં દુકાન ધરાવતા લીલારામ રેવાણી ગઇ તા.16મી જાન્યુઆરીએ રાત્રે દુકાનેથી કારમાં ઘેર પરત ફર્યા ત્યારે ઘરની બહાર કારમાં ઉતરતાં જ સ્કૂટર અને બાઇક લઇ આવેલા લૂંટારાએ તેમની આંખમાં મરચું નાંખી રોકડા રૂ.10 લાખ અને જુદાજુદા દેશોની ચલણી નોટો (અંદાજે રૂ.2 કરોડની કિંમતની) લૂંટી લીધી હતી.
એક લૂંટારો સ્થળ પર પકડાઇ જતાં બીજા પણ લૂંટારાને પોલીસે ઝડપી પાડી લૂંટની રકમ કબજે કરી હતી. જ્યારે વેપારીના વિદેશી નોટોના ગેરકાયદે ધંધા અંગે ઇડીને જાણ કરાઇ હતી. આ બનાવમાં પોલીસે માસ્ટર માઇન્ડ વિનોદ ઉર્ફે બિલ્લો રાજુ મારવાડી (વ્હાઇટ વુડાના મકાનમાં, ખોડિયાર નગર) સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસની તપાસમાં આણંદના પાંચ લૂંટારા તેમજ વડોદરાના બે સૂત્રધાર વિનોદ અને રાહુલ મારવાડી વચ્ચે સુરજ મનોજ સલાટે (જીવન નગર વુડાના મકાનમાં, બાપોદ જકાતનાકા) મીટીંગ કરાવી હતી અને વેપારીના મકાનની રેકી પણ કરી હોવાની વિગતો બહાર આવી હતી. જેથી વોન્ટેડ સૂરજને પોલીસે ઝડપી પાડી રિમાન્ડ પર લેવાની તજવીજ કરી છે.








