Get The App

ઓઈલના ગોડાઉનમાં મધરાતે ભીષણ આગ ઃ કરોડો રૃપિયાનો મુદ્દામાલ ખાખ

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
ઓઈલના ગોડાઉનમાં મધરાતે ભીષણ આગ ઃ કરોડો રૃપિયાનો મુદ્દામાલ ખાખ 1 - image

કલોલના કર્મયોગી સોસાયટી વિસ્તારમાં

મેજર કોલ જાહેર ઃ ૮ ફાયર ફાઈટરોએ ૨.૫ લાખ લિટર પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

ગાંધીનગર, કલોલ :  કલોલ શહેરના કર્મયોગી સોસાયટી વિસ્તારમાં આવેલી એક ઓઈલના ગોડાઉનમાં ગત મધરાતે ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તંત્ર દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આ ભીષણ અગ્નિકાંડમાં ગોડાઉનમાં રાખેલો કરોડો રૃપિયાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

આ આગની ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે મધરાત્રિના સમયે જ્યારે આખું શહેર નિદ્રાધીન હતું, ત્યારે કર્મયોગી સોસાયટીમાં આવેલા ઓઈલ અને ટાયરના ગોડાઉનમાંથી અચાનક આગની જ્વાળાઓ ઉઠતી જોવા મળી હતી. ગોડાઉનમાં ઓઈલ અને ગ્રીસ જેવા જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૃપ ધારણ કરી લીધું હતું. આકાશમાં ધુમાડાના ગોટેગોટા અને ઊંચી જ્વાળાઓ જોઈ આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. આગની ગંભીરતાને જોતા કલોલ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક અન્ય કેન્દ્રોની મદદ લેવામાં આવી હતી. કલોલ, કડી, ઇફકો, ઓએનજીસી અને ગાંધીનગરથી કુલ ૮ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઓઈલની આગ હોવાથી પાણીની સાથે સ્પેશિયલ ફાયર ફાઇટિંગ ફોમનો પણ મારો ચલાવવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૃપે બાજુમાં આવેલી હોસ્પિટલ અને સોસાયટીના મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા ત્યારે આખા વિસ્તારનો પાવર સપ્લાય કાપી નાખવામાં આવ્યો હતો. જ્યારે સવસ રોડને અવરજવર માટે સંપૂર્ણ બંધ કરી દેવાયો હતો. આ ઘટનાની જાણ થતા જ મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસ કાફલાએ પણ ભીડને નિયંત્રિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા મોરચો સંભાળ્યો હતો. ગાંધીનગર ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, રાત્રે ત્રણ વાગ્યે મેજર કોલની વરદી મળતા જ અમારી ટીમો રવાના થઈ હતી. અંદાજે ૨થી ૨.૫ લાખ લિટર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી છે, જેનાથી આજુબાજુની સોસાયટીઓને મોટી હોનારતથી બચાવી લેવાઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ આગમાં ગોડાઉનમાં રાખેલો ઓઈલ, ગ્રીસ અને ટાયરનો કરોડો રૃપિયાનો મુદ્દામાલ બળીને રાખ થઈ ગયો છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સકટ હોવાની આશંકા સેવાઈ રહી છે.