Gujarat

ટ્રોમા સેન્ટરમાં વેન્ટિલેટરમાં જોડેલી માસ્ક ટયૂબ સળગી, દર્દી દાઝ્યો

By GS TEAM
16 Oct 20252 mins read
ટ્રોમા સેન્ટરમાં વેન્ટિલેટરમાં જોડેલી માસ્ક ટયૂબ સળગી, દર્દી દાઝ્યો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારે TB વોર્ડમાં ભારે અફરા-તફરી : સિવિલ અધિક્ષક દ્વારા ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, ઇલેક્ટ્રીશ્યન, વેન્ટિલેટર ટેક્નિશ્યન વગેરેની પૂછતાછ સાથે તપાસ શરૂ

રાજકોટ, : રાજકોટ સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. હવે ટ્રોમા સેન્ટરમાં આવેલા ટીબી વોર્ડમાં દાખલ વૃદ્ધ દર્દીને લગાવેલા વેન્ટિલેટરની માસ્ક ટયૂબ સળગી ઉઠતા ચહેરાના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. સદ્નસીબે આગ વધુ નહીં પ્રસરતા મોટી દુર્ઘટના ટળઈ હતી. આ મામલે સિવિલ અધિક્ષક દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

વિગત પ્રમાણે, જૂનાગઢના માંગરોળ ખાતે રહેતા મહંમદ હુસેન અલારખા સિપાઈ નામના ૬૫ વર્ષના વૃદ્ધને શ્વાસની બીમારી હોવાથી બે દિવસ પહેલા તા. 14મીએ ટ્રોમા સેન્ટર સ્થિત ટીબી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને વેન્ટિલેટર લગાવવામાં આવ્યું હતું. આ દરમિયા આજે વહેલી સવારે વેન્ટિલેટર સાથે જોડાયેલી માસ્ક ટયૂબ અચાનક ખુબ જ ગરમ થવા સાતે સળગી ઉઠી હતી. પરિણામે માસ્ક લગાવીને સીતેલા વૃદ્ધ દર્દી પણ ચહેરાના ભાગે દાઝી ગયા હતા. જે ઘટનાથી ટ્રોમા સેન્ટરમાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી. સદ્નસીબે આગ વધુ નહીં પ્રસરતા મોટી જાનહાની ટળી હતી.

આ મામલે ઈન્ચાર્જ RMO ડો.  દુસરાએ જણાવ્યું હતું કે, કોઈ કારણસર વેન્ટિલેટરની માસ્ક ટયૂબ સળગી જવાથી દર્દીનો ચહેરો દાઝ્યો છે. વેન્ટિલેટર તો ચાલુ જ  છે એટલે માસ્ક ટયૂબમાં આગ કઈ રીતે લાગી એ દિશામાં તપાસ શરૂ કરાઈ છ.ે સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડીયા દ્વારા ટીબી વોર્ડના ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, ઈલેક્ટ્રીશ્યન, વેન્ટિલેટર ટેકનીશ્યન, બાયોમેડિકલ એન્જિનિયરની પુછતાછ કરીને નિવેદન લેવામાં આવ્યા છે.