Gujarat

PG નીટ માર્ચમાં જ લેવાશે તો ૭૫ ટકા વિદ્યાર્થીઓ આપી જ નહી શકે

By GS Team
5 Jan 20222 mins read
This article was originally published on 5 Jan 2022
PG નીટ માર્ચમાં જ લેવાશે તો ૭૫ ટકા વિદ્યાર્થીઓ આપી જ નહી શકે

અમદાવાદ

પીજી ડેન્ટલમાં પ્રવેશ માટેની નીટ-એમડીએસની આજે જાહેરાત કરી દેવાઈ છે અને જે મુજબ ૬ઠ્ઠી માર્ચે પરીક્ષા લેવાનાર છે.આ પરીક્ષા માટે જાહેર કરાયેલા એલિજિબિલિટી ક્રાઈટેરિયા મુજબ ૧૨ માસની ઈન્ટર્નશિપ ૩૧ માર્ચ પહેલા પૂર્ણ થવી જોઈએ.આ ક્રાઈટેરિયા મુજબ ડેન્ટલના વિદ્યાર્થીઓને તો મુશ્કેલી પડે તેમ નથી પરંતુ આ જ ક્રાઈટેરિયા જો પીજી મેડિકલ નીટ માટે રાખવામા આવશે અને માર્ચમાં જ પીજી નીટ લેવાશે તો દેશના ૭૫ ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા જ આપી શકે તેમ નથી.

પીજી મેડિકલ પ્રવેશ માટેની અને પીજી ડેન્ટલ પ્રવેશ માટે નીટ દર વર્ષે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા લેવાય છે.પીજી ડેન્ટલ માટેની નીટ-એમડીએસની આજે જાહેરાત કરી દેવાઈ છે.જે મુજબ ૬ઠ્ઠી માર્ચે પરીક્ષા લેવાનાર છે.નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા પીજી મેડિકલ નીટ માટેની હજુ સુધી કોઈ જાહેરાત કરાઈ નથી પરંતુ અગાઉની નક્કી થયેલી તારીખ મુજબ ૧૨મી માર્ચે અથવા માર્ચમાં જ પીજી નીટ પણ લેવાઈ જશે. હજુ સુધી પીજી મેડિકલ નીટ માટેના એલિજિબિલિટી ક્રાઈટેરિયા જાહેર થયા નથી.પરંતુ નેશનલ બોર્ડે આજે જાહેર કરેલી નીટ-એમડીએસના ક્રાઈટેરિયા મુજબ રોટેશનરી ઈન્ટર્નશિપ કે પ્રેક્ટિકલ ટ્રેનિંગ  ૩૧મી માર્ચ સુધીમાં પૂર્ણ થઈ હશે તે જ વિદ્યાર્થીઓ નીટ-એમડીએસ આપી શકશે. ૩૧ માર્ચ પહેલા ૧૨ માસની ઈન્ટર્નશિપ પૂર્ણ નહી કરનારા બીડીએસ(બેચલ ઈન ડેન્ટલ સર્જરી)ના વિદ્યાર્થી નીટ માટે લાયક નહી થઈ શકે.

૩૧ માર્ચ પહેલા પ્રોવિઝનલ અથવા પરમેનન્ટ રજિસ્ટ્રેશન થઈ ગયેલુ હોવુ જોઈએ. મહત્વનું છે કે હાલ એમબીબીએસમાં ભણી રહેલા વિદ્યાર્થીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે જો માર્ચમાં પીજી મેડિકલ નીટ લેવાઈ જશે અને નીટ-એમડીએસના ક્રાઈટેરિયા મુજબ ૧૨ મહિનાની ઈન્ટર્નશિપ ૩૧ માર્ચ પહેલા પૂર્ણ કરી લેવાની શરત રાખવામા આવશે તો દેશભરમાં ૭૫ ટકા વિદ્યાર્થી પીજી નીટ આપી જ નહી શકે.અગાઉ પરીક્ષા સમયે એમબીબીએસના વિદ્યાર્થીઓની ૯ માસની અને પ્રવેશ કાઉન્સેલિંગ પૂર્ણ થવા સુધીમાં ૧૨ માસની ઈન્ટર્નશિપ પૂર્ણ કરી લેવાનો ક્રાઈટેરિયા હતો.જો આ બદલાશે તો દેશમાં મોટો વિરોધ થશે. ૩૦મી જુને પણ જો પીજી નીટ લેવાય તો પણ ગુજરાત સહિત દેશના ૧૦ રાજ્યોના ૮૦૩૨ વિદ્યાર્થીઓ પીજી નીટ પરીક્ષા આપી શકે તેમ નથી.જેમાં ગુજરાતના ઉત્તર ગુજરાત યુનિ.ના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ છે.કે જેઓની ઈન્ટર્નશિપ ઘણી મોડી પૂર્ણ થનાર છે.માર્ચમાં પરીક્ષા લેવાશે તો ગુજરાત યુનિ.સહિતના અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા નહી આપી શકે  જેઓની ઈન્ટર્નશિપ એપ્રિલમાં પૂર્ણ થનાર છે.