બે સગીરા સાથે બળાત્કાર ગુજારનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધીની સજા

- આધેડવયના ઢગાએ કુકર્મ કરી મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો
- નૈસર્ગિક મૃત્યુ થાય ત્યાં સુધી આજીવન કેદની શિક્ષા ઉપરાંત મહુવા કોર્ટે રૂા. 50 હજારનો દંડ ફટકાર્યો, બન્ને ભોગબનનારને 4-4 લાખનું વળતર ચૂકવવા હુકમ
મહુવા પંથકમાં રહેતો ગોલણ ચીથરભાઈ મકવાણા (ઉ.વ. ૫૭) નામના શખ્સે વર્ષ ૨૦૨૪માં ૧૩ અને ૧૫ વર્ષની સગીરાઓને પોતાના ઘરે બોલાવી બન્ને સાથે બે વખત બળાત્કાર ગુજારી ધમકી આપી તેનો વીડિયો મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો. જે બનાવ અંગે ભોગ બનનારે મહુવા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૭૬ (ર) (જે) (એન), ૩૪૨, ૫૦૬ (ર), પોક્સો એક્ટની કલમ ૪, ૬, ક્રિ.લો.એમેન્ડમેન્ટ એક્ટ-૨૦૧૮ની કલમ ૩૭૬ (૩) મુજબનો ગુનો નોંધાવતા પોલીસે શખ્સની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. દરમિયાનમાં આ અંગેનો કેસ મહુવાના બીજા એડીશનલ ડિસ્ટ્રીક્ટ અને સ્પે. પોક્સો જજ એ.એસ. પાટીલની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ કમલેશભાઈ એસ. કેસરીની ધારદાર દલીલ, ૧૭ મૌખિક અને ૫૨ લેખિત પુરાવાને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી ગોલણ મકવાણાને તકસીરવાન ઠેરવી નૈસર્ગિક મૃત્યુ થાય ત્યાં સુધીની આજીવન કેદની શિક્ષા, રૂા.૫૦,૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફરમાવી હતી. આ ઉપરાંત બન્ને ભોગ બનનારને ચાર-ચાર લાખ મળી આઠ લાખનું વળતર આપવા કોર્ટે હુકમ કર્યો કર્યો છે.









