Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલું મજરા ગામ આજે પણ પોતાની 500 વર્ષ જૂની અનોખી અને અડગ પરંપરાને કારણે સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હોળીના પર્વે અહીં ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે, જ્યાં વિજ્ઞાન પણ નમતું જોખે તેવી ચમત્કારી ઘટનાઓ આજે પણ જીવંત છે.
ભૈરવનાથના ચોકમાં બે હોળી પ્રગટાવવાની પરંપરા
મજરા ગામના સુપ્રસિદ્ધ ભૈરવનાથ મંદિરના ચોકમાં દર વર્ષે હોળીની રાત્રે એક વિશેષ વિધિ કરવામાં આવે છે. અહીં બે અલગ-અલગ હોળી પ્રગટાવવામાં આવે છે - એક લાકડાંની અને બીજી છાણાંની. જ્યારે લાકડાંની હોળી સળગીને લાલચોળ અંગારાઓમાં ફેરવાય છે, ત્યારે શ્રદ્ધાનો ખરો અંશ જોવા મળે છે. ગામના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના ભક્તો આ ધગધગતા અંગારાઓ પર ખુલ્લા પગે ચાલે છે. આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા પાંચ દાયકાથી ચાલતી આ પરંપરામાં હજુ સુધી એક પણ ભક્ત દાઝ્યો હોય તેવો બનાવ બન્યો નથી. ગ્રામજનો આ ચમત્કારને દાદા ભૈરવનાથની અસીમ કૃપા માને છે.
સામાજિક અને ધાર્મિક રીત-રિવાજો
મજરાની હોળી સાથે અનેક સામાજિક માન્યતાઓ જોડાયેલી છે. જેમ કે જે પરિવારમાં પુત્રનો જન્મ થયો હોય, તેને હોળીના પ્રથમ દર્શન કરાવવા અનિવાર્ય માનવામાં આવે છે. નવપરિણીત યુગલો હોળીની પ્રદક્ષિણા કરી સુખી દામ્પત્ય જીવનની કામના કરે છે. ખેડૂતો હોળીની જ્યોતમાંથી પૂળા પ્રગટાવી પોતાના ખેતર કે પશુઓ પાસે લઈ જાય છે, જેથી વર્ષ દરમિયાન સુખ-શાંતિ જળવાઈ રહે.
ભક્તોનું ઘોડાપૂર અને ચુસ્ત બંદોબસ્ત
આ અનોખા દ્રશ્યો નિહાળવા માટે માત્ર સાબરકાંઠા જ નહીં, પરંતુ મહેસાણા, અમદાવાદ, મોડાસા અને ગાંધીનગર જેવા શહેરોમાંથી પણ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ભક્તો હોળીને ધાણી, ખજૂર, શ્રીફળ અને કેરી અર્પણ કરી ધન્યતા અનુભવે છે. જનમેદનીને ધ્યાનમાં રાખીને પ્રાંતિજ પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. આમ, 500 વર્ષ જૂની આ પરંપરા આજે પણ મજરા ગામની એકતા અને સનાતન સંસ્કૃતિના જીવંત વારસા તરીકે અડીખમ ઊભી છે.


