Gujarat

ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો મામલો: ભેદી મોત પાછળનું કારણ અકબંધ, યુવતીનો મોબાઈલ FSL તપાસમાં મોકલાયો

By GS TEAM
7 Feb 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં શુક્રવારે(6 ફેબ્રુઆરી, 2026) રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવેલી 21 વર્ષીય વિદ્યાર્થિનીના કેસમાં યુવતીએ આપઘાત કર્યો હોવાનું પોલીસે કન્ફર્મ કર્યું છે. એલ.ડી. આર્ટ્સ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી મહેશ્વરી ખાચરના મોત પાછળ કોઈ ગુનાહિત કાવતરું કે સંડોવણી હોવાની શક્યતા તપાસકર્તાએ નકારી કાઢી છે, પરંતુ હજી સુધી આપઘાતનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો મામલો: ભેદી મોત પાછળનું કારણ અકબંધ, યુવતીનો મોબાઈલ FSL તપાસમાં મોકલાયો

Gujarat University Student Self-destruction Case : અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં શુક્રવારે(6 ફેબ્રુઆરી, 2026) રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવેલી 21 વર્ષીય વિદ્યાર્થિનીના કેસમાં યુવતીએ આપઘાત કર્યો હોવાનું પોલીસે કન્ફર્મ કર્યું છે. એલ.ડી. આર્ટ્સ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી મહેશ્વરી ખાચરના મોત પાછળ કોઈ ગુનાહિત કાવતરું કે સંડોવણી હોવાની શક્યતા તપાસકર્તાએ નકારી કાઢી છે, પરંતુ હજી સુધી આપઘાતનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

એન.એસ.એસ. કેમ્પ દરમિયાન બની ઘટના

મૂળ બોટાદની વતની અને રાણીપ વિસ્તારમાં રહેતી મહેશ્વરી ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત નેશનલ સર્વિસ સ્કીમ(NSS)ના કેમ્પમાં ભાગ લેવા આવી હતી. મહેશ્વરી એનઆરઆઈ હોસ્ટેલ સામે આવેલા ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. શુક્રવારે બપોરે 3:30 વાગ્યે તે કાર્યક્રમમાંથી નીકળી હતી, પરંતુ સાંજે 5 વાગ્યે મહેમાનોને રિસીવ કરવા એરપોર્ટ જવાનું હોવા છતાં તે પરત ન ફરતા તેની શોધખોળ કરાઈ હતી. જેમાં ગેસ્ટ હાઉસના રૂમમાં જોતા મહેશ્વરી બારી પાસે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

સુસાઈડ નોટ ન મળતા રહસ્ય ઘેરાયું

ઘટનાની જાણ થતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ અને FSLની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસને સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, જેના કારણે ભેદી મોત પાછળનું કારણ અકબંધ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "પ્રાથમિક તપાસમાં આ આપઘાતનો જ કિસ્સો છે. હવે અમે એ જાણવા પ્રયાસ કરી રહ્યા છીએ કે મહેશ્વરીને આ અંતિમ પગલું ભરવા માટે કોણે મજબૂર કરી હતી."

આઈફોન ખોલશે મોતનું રહસ્ય?

પોલીસે મહેશ્વરીના મિત્રોની પૂછપરછ કરી છે, પરંતુ કોઈ નક્કર કડી મળી નથી. મહેશ્વરી પાસે તેનો 'આઈફોન' હતો જે અત્યારે લોક છે. પોલીસે આ ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. પોલીસને આશા છે કે કોલ રેકોર્ડ્સ, મેસેજીસ કે અન્ય ડિજિટલ ડેટા પરથી કોઈ મોટું કારણ બહાર આવી શકે છે.

આ પણ વાંચો: ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર: વર્લ્ડ કપ મેચોને પગલે અમદાવાદ મેટ્રોની સેવા લંબાવાઈ, જાણો સંપૂર્ણ ટાઈમ ટેબલ

પરિવારના નિવેદનની રાહ

મહેશ્વરી ઘટનાના એક દિવસ પહેલા જ પોતાના વતન બોટાદથી પરત આવી હતી. પોલીસને શંકા છે કે વતનમાં વિતાવેલા સમય દરમિયાન અથવા પરત આવ્યા બાદ કોઈ એવી ઘટના બની હોઈ શકે જેના કારણે તે તણાવમાં હતી. હાલમાં શોકાતુર પરિવાર મૃતક દીકરીના અંતિમ સંસ્કાર માટે વતન રવાના થયો હોવાથી પોલીસે અત્યારે તેમની પૂછપરછ કરવાનું ટાળ્યું છે. થોડા દિવસો બાદ પરિવારના નિવેદન નોંધ્યા બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા' (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.