Get The App

સુપેડીનાં પ્રાચીન મુરલી મનોહર મંદિરના મહંત-સેવક સામે રોષઃ ગામ સજ્જડ બંધ

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
સુપેડીનાં પ્રાચીન મુરલી મનોહર મંદિરના મહંત-સેવક સામે રોષઃ ગામ સજ્જડ બંધ 1 - image

ધોરાજીની પ્રાંત કચેરીએ ગ્રામજનો દ્વારા હલ્લાબોલ : વહીવટમાં ગેરરીતિ અને ધમકીના આક્ષેપો સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી : આખરે મહંત-સેવકે મંદિરનો કબજો છોડતાં સમાધાન

ધોરાજી, : ધોરાજીના સુપેડી ગામમાં આવેલું અતિ પૌરાણિક અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતું મુરલી મનોહર મંદિર હાલ વિવાદના વમળમાં ફસાયું છે. આજે મહંત અને તેમના સેવક ડી.સી. પટેલ સામે ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કરી મોરચો માંડયો હતો. આ વિવાદ એટલી હદે વકર્યો હતો કે આજે સમગ્ર સુપેડી ગામ સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું હતું અને સેંકડો ગ્રામજનો ધોમધખતા તાપમાં ન્યાયની માંગ સાથે ધોરાજી પ્રાંત કચેરીએ ઉમટી પડયા હતા અને સુત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી હતી પણ મોડી સાંજે સુખદ સમાધાન થઈ જતાં વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

સુપેડીના ગ્રામજનોનો આક્ષેપ છે કે મુરલી મનોહર મંદિરના મહંત રવિન્દ્રદાસ બાપુ અને સેવક ડી.સી. પટેલ દ્વારા મનસ્વી રીતે વહીવટ અને લોકો સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવે છે અને ધમકાવવામાં આવે છે. સરપંચ જતીનભાઈ અને આગેવાનોએ આક્ષેપ કર્યો કે સેવક દ્વારા એવી ધમકી આપવામાં આવે છે કે, 'આ મંદિર મારૂં છે અને મારા પર 18 જેટલા ગુનાઓ છે, તમારાથી થાય તે કરી લો.' આ ઉપરાંત આવેદનપત્રમાં એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, આ મંદિર પુરાતત્વ વિભાગ હસ્તક હોવા છતાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે. સ્થાનિકોને અને દીકરીઓને શ્રાદ્ધ વિધિ કે મોળાકત જેવા ધામક તહેવારોમાં પૂજન કરતા અટકાવવામાં આવે છે. ધ્વજાજી ઉત્સવ દરમિયાન યજમાનો પાસેથી મોટી રકમ ઉઘરાવવામાં આવે છે.

ગઈકાલે રાત્રે સુપેડીમાં મળેલી ગ્રામજનોની મિટિંગ બાદ આજે સવારથી જ બજારો બંધ રાખી દેવામાં આવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ, પુરૂષો અને બાળકો ટ્રેક્ટરો અને ખાનગી વાહનો ભરીને ધોરાજી પહોંચ્યા હતા. પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી ગ્રામજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે જો મહંત અને સેવકને તાત્કાલિક મંદિરની બહાર નહીં કાઢવામાં આવે, તો ગામ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે. આ સ્થિતિની ગંભીરતાને જોતા ધોરાજીના ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજ અને પીઆઈ એમ.એમ. ઠાકોર સહિતનો પોલીસ કાફલો સુપેડી ગામે પહોંચી ગયો હતો અને સમજાવટ શરૂ કરી હતી. અંતે મોડી સાંજે મહંત અને સેવક પર દબાણ આવ્યું હતું અને તેઓ સ્વૈચ્છાએ મંદિરનો કબજો છોડીને ચાલ્યા જતાં ગ્રામજનોએ વિજયોત્સવ મનાવ્યો હતો.