Gujarat

શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગ્રીલા આકેર્ડમાં ભીષણ આગથી અફરાતફરી, પચાસ લોકોનું રેસ્કયુ

By GS TEAM
28 Apr 20262 mins read
શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગ્રીલા આકેર્ડમાં ભીષણ આગથી અફરાતફરી, પચાસ લોકોનું રેસ્કયુ

અમદાવાદ,સોમવાર, 27 એપ્રિલ,2026

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગ્રીલા આકેર્ડમાં સોમવારે સવારે સવા દસ કલાકના સુમારે બિલ્ડિંગના નીચેના ભાગમાં લાગેલી આગ ચોથા માળ સુધી ફેલાઈ જતા આગ અને ધુમાડાના પગલે અફરાતફરીનો માહોલ છવાયો હતો.ધુમાડાની અસરથી ચાર મહિલા બેભાન થઈ ગઈ હતી.જેને ફાયરમેન દ્વારા ૧૦૮ મારફત હોસ્પિટલમાં સારવાર માટે મોકલી અપાયા હતા. બિલ્ડિંગના નીચેના ભાગમા આવેલ કોટક મહિન્દ્રા બેન્કની બહાર આવેલી ઈલેકટ્રિક નેમ ડિસ્પ્લે બોર્ડમાંથી આગની શરુઆત થઈ હતી.આગની ગરમીના કારણે એટીએમ મશીન ઉપરાંત દસ જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. જે તે સમયે બનાવામા આવેલા આ બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.સદનસીબે મોટી દુર્ઘટના બનતી ટાળી શકાઈ હતી.

શાંગ્રીલા આકેર્ડના ગ્રાઉન્ડ ફલોર ઉપર આગ લાગવાનો કોલ ફાયર કંટ્રોલને મળતા શહેરના વિવિધ ફાયર સ્ટેશન ખાતેથી સ્ટેશન ઓફિસર ઉપરાંત ફાયર જવાનો મળી ૧૩૮થી વધુના સ્ટાફને આગ હોલવવા માટે તહેનાત કરવામા આવ્યા હતા.આઠ વોટર બાઉઝર ઉપરાંત એક મિની ફાયર ફાઈટર , એક વોટર ટેન્કર તેમજ ઈમરજન્સી ટેન્ડરની સાથ જરુર પડયે તો ઉપયોગમાં લઈ શકાય એ માટે  બે હાઈડ્રોલિક પ્લેટફોર્મ  અને એક ટર્ન ટેબલ લેડર સ્થળ ઉપર રાખવામા આવ્યા હતા.ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ કહયુ,વિભાગની અલગ અલગ ટીમ બનાવી આગ હોલવવાની કામગીરી કરવામા આવી હતી.બિલ્ડિંગમાં નીચેના ભાગમા લાગેલી આગ ઝડપથી વિકરાળ સ્વરુપ ધારણ કરતા ચોથા માળ સુધી તેની અસર જોવા મળી હતી.જો કે સમયસુચકતા સાથે કરવામા આવેલી કામગીરીના કારણે ઝડપથી આગને કાબૂમા લઈ શકાઈ હતી.આગની ઘટનામા ઈજાગ્રસ્તોના નામ ફાયરબ્રિગેડને જાણવા મળ્યા નહોતા.ચાર માળના આ કોમર્શિયલ બિલ્ડિંગમા લાગેલી આગ અંગે વધુ તપાસ કરવામા આવી રહી હોવાનુ ચીફ ફાયર ઓફિસરનુ કહેવુ હતુ.

પ્રહલાદનગરના વિશાલ ટાવરની લિફટમાં આગ, પાંચ લોકોને બહાર કઢાયા

પ્રહલાદનગરમા આવેલા વિશાલ ટાવરના દસમા માળે લિફટમાં આગ લાગતા લિફટમાં પાંચ લોકો ફસાઈ ગયા હતા.જેમને ફાયર વિભાગ તરફથી સલામત રીતે બહાર કાઢવામા આવ્યા હતા.સોમવારે બપોરે ૨.૨૫ કલાકના સુમારે લિફટમા શોટ સરકીટ થવાથી આગ લાગતા પ્રહલાદનગર ઉપરાંત બોડકદેવ ફાયર સ્ટેશનથી ગજરાજ ,ફાયર ફાઈટર અને વોટર ટેન્કર સાથે સ્ટાફે જઈ તમામને સલામત બહાર કાઢયા હતા.