Gujarat

જામનગરમાં ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં વાહન અને મોબાઇલ ચોરી તેમજ વાહન સળગાવવાની ઘટનાથી સ્થાનિકો ભયભીત

By GS Team
24 Jan 20221 min read
This article was originally published on 24 Jan 2022
જામનગરમાં ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં વાહન અને મોબાઇલ ચોરી તેમજ વાહન સળગાવવાની ઘટનાથી સ્થાનિકો ભયભીત

- કોંગી મહિલા કોર્પોરેટરની આગેવાનીમાં સ્થાનિક રહેવાસી મહિલાઓ દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં રજૂઆત કરાઈ

જામનગર, તા. 24

જામનગર ના નવાગામ-ઘેડ નજીક ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં એક જ દિવસમાં એક વાહન ચોરી એક મોબાઇલ ચોરી તેમજ એક વાહનને સળગાવી નાખવાની ઘટના બનતાં સ્થાનિક લોકો ભયભીત બન્યા છે, અને કોંગી કોર્પોરેટરની આગેવાનીમાં પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરાઈ છે.

જામનગરમાં ઇન્દિરા સોસાયટી શેરી નંબર એકમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન એક બાઈક ચોરી થઈ ગયું હતું, જ્યારે એક રહેણાંક મકાનમાંથી મોબાઇલ ફોનની ઉઠાંતરી થઈ ગઈ હતી. જયારે શેરીમાં ઘરની બહાર પાર્ક કરવામાં આવેલા એક વાહનને કોઇ શખ્સોએ સળગાવી નાખ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેને લઇને સ્થાનિક રહેવાસીઓ ભયભીત બન્યા હતા.

પોલીસ રક્ષણના મામલે તેમજ વાહન ચોરીની ફરિયાદ ફરિયાદ નોંધવા બાબતે સ્થાનિક વિસ્તારના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાની આગેવાનીમાં શેરીમાં વસવાટ કરતાં મહિલાઓ આજે બપોરે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, અને પી.આઇ. સમક્ષ યોગ્ય કરવા રજૂઆત કરી હતી. જેના અનુસંધાને વાહન ચોરીની ફરિયાદ લેવા કાર્યવાહી હાથ ધરી છે, ઉપરાંત ઉપરોક્ત વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ વધારી દેવા જણાવાયું છે.