Gujarat

ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા

By GS TEAM
14 Mar 20262 mins read
ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા

અમદાવાદ, શનિવાર

શહેરન કાલુપુર વિસ્તારમાં અસામાજીક તત્વોના આતંક વધવા છતાંય, સ્થાનિક પોલીસે કોઇ કાર્યવાહી ન કરતા હવે સ્થાનિક લોકોને મેદાનમાં આવવાનો વારો આવ્યો છે. કાલુપુર ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ જનતા રેડ કરીને દારૂ પીધેલી હાલતમાં ચાર બંગાળી કારીગરોને ઝડપીને પોલીસને હવાલે કર્યા હતા. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓનો આરોપ છે કે પોલીસની નબળી કામગીરીને કારણે અસલામતી અનુભવી  રહ્યા છે.

કાલુપુર ધનાસુથારની પોળમાં આવેલા એક મકાનમાં રહેતા બંગાળી કારીગરો નિયમિત રીતે નોન વેજ ખોરાક રાંધીને દારૂની પાર્ટી કરીને મોટાપાયે ધમાલ કરતા હોવાથી સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ કંટાળી ગયા હતા. આ અંગે અનેકવાર સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ, પોલીસ દ્વારા કોઇ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવતી નહોતી. શુક્રવારે રાતના સમયે ધનાસુથારની પોળમાં અંબાજી માતાના મંદિર પાસેના મકાનમાં રહેતા કેટલાંક બંગાળી કારીગરો દારૂની ધમાલ કરતા હોવાથી સ્થાનિક લોકોએ એક્શન મોડમાં આવીને જનતા રેડ કરી હતી. જેમાં અર્જુનસિંહ, સિંદુસિંહ પટેલ, નરેન્દ્ર કુશ્વાહ અને આશીષ દાસ નામના વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. સ્થળ પરથી દારૂની બોટલો પણ મળી આવી હતી. એટલુ જ નહી સ્થાનિક લોકોએ તેમની જનતા રેડનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કરીને પોલીસની પોલ પણ ખોલી હતી. છેવટે આ અંગે કાલુપુર પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. 

સ્થાનિક લોકોનો આરોપ છે કે નાના મોટા વેપારીઓને અસામાજીક તત્વો દ્વારા સતત હેરાનગતિ પણ કરવામાં આવે છે અને તહેવાર તેમજ સીઝનમાં સતત ત્રાસ વધતો જાય છે.  જેના કારણે વેપારીઓ અસલામતી પણ અનુભવે છે.