Get The App

અનોખા ચહેરા: મહેસાણામાં પટ્ટાવાળો બનશે કોર્પોરેટર, બહુચરાજીમાં બંગડી વેચનારી બેનનો વિજય, બે શ્રમિક મહિલા હારી

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
અનોખા ચહેરા: મહેસાણામાં પટ્ટાવાળો બનશે કોર્પોરેટર, બહુચરાજીમાં બંગડી વેચનારી બેનનો વિજય, બે શ્રમિક મહિલા હારી 1 - image

Local Body Election Result Updates: ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે અનેક એવા ચહેરાઓ ઉભરી આવ્યા છે, જેમણે સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં હોદ્દો નહીં પણ સેવા અને સમર્પણ મહત્વના છે. ગરીબ પરિવારમાંથી આવતા અને સામાન્ય વ્યવસાય કરતા અનેક ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવીને સૌને ચોંકાવી દીધા છે, જ્યારે કેટલાક પરાજય છતાં પોતાની લડત માટે ચર્ચામાં રહ્યા છે.

મહેસાણા: ભાજપ કાર્યાલયના પટાવાળા હવે બન્યા કોર્પોરેટર

મહેસાણામાં પણ એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. ભાજપના જિલ્લા કાર્યાલય 'કમલમ' માં છેલ્લા 27 વર્ષથી પટાવાળા તરીકે સેવા આપતા રમેશભાઈ ભીલ હવે મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. માત્ર 500 રૂપિયાના પગારથી શરૂઆત કરનાર રમેશભાઈ જણાવે છે કે, તેઓ કોર્પોરેટર બન્યા પછી પણ પોતાની પટાવાળાની નોકરી ચાલુ રાખશે. મીટિંગના સમયે કોર્પોરેટરની ભૂમિકા ભજવશે અને ત્યારબાદ ફરી પાછા પોતાની ફરજ પર લાગી જશે.

બહુચરાજી: બંગડી વેચતા સંશીબેનનો વિજય

બહુચરાજી નગરપાલિકામાં પણ સામાન્ય પરિવારનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું છે. વોર્ડ નંબર 4 માંથી ભાજપના ઉમેદવાર સંશીબેન કાંગશિયા વિજેતા બન્યા છે. સંશીબેન વ્યવસાયે બંગડીઓ વેચે છે, પરંતુ હવે તેઓ નગરપાલિકામાં લોકોના પ્રશ્નોને વાચા આપશે.

હાર છતાં સંઘર્ષની સુવાસ

જ્યાં એકતરફ સામાન્ય લોકોની જીતનો ઉત્સાહ છે, ત્યાં બીજી તરફ કેટલાક મહેનતકશ ચહેરાઓએ હારનો સામનો પણ કરવો પડ્યો છે.

અમદાવાદ (શાહપુર વોર્ડ)

ગુજરી બજારમાં રમકડાં વેચતા કોંગ્રેસના ઉમેદવાર આશાબેન દંતાણીની હાર થઈ છે.

અમદાવાદ (દરિયાપુર વોર્ડ)

રસ્તા પર જૂના કપડાં વેચીને ગુજરાન ચલાવતા ભાજપના ઉમેદવાર રીન્કુબેન દાતણિયા પણ ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા છે.

ગોધરા: કોમી એકતાની અનોખી મિસાલ

ગોધરાના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ લખાયું છે. શહેરના વોર્ડ નંબર 7 માં, જે 100% મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે, ત્યાં અપક્ષ ઉમેદવાર અપેક્ષાબેન સોનીએ વિજય મેળવ્યો છે. એક પણ હિન્દુ મતદાર ન હોવા છતાં મુસ્લિમ સમાજે તેમના પર વિશ્વાસ મૂકીને તેમને ચૂંટ્યા છે. અપેક્ષાબેને આ જીતને સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ ગણાવતા કહ્યું કે, જે વિશ્વાસ લોકોએ મૂક્યો છે તેને સાર્થક કરવા તેઓ વિસ્તારની પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા ખંતપૂર્વક કામ કરશે.

આ પણ વાંચો: જામનગર મનપા: જેલમાંથી જીત્યા ગુજસીટોકના 2 આરોપી, ભાજપના દબદબા વચ્ચે કોંગ્રેસનો સફાયો, AAPએ ખાતું ખોલ્યું

આ ચૂંટણી પરિણામો દર્શાવે છે કે જનતા હવે પક્ષ કે જ્ઞાતિ કરતાં ઉમેદવારની નિષ્ઠા અને તેમના સંઘર્ષને વધુ પ્રાધાન્ય આપી રહી છે. ભલે કોઈ જીત્યું હોય કે હાર્યું, પણ ગરીબ અને મધ્યમ વર્ગના આ ચહેરાઓએ ચૂંટણી મેદાનમાં ઉતરીને લોકશાહીના મૂળિયાં વધુ મજબૂત કર્યા છે.