Get The App

જામનગર મનપા: જેલમાંથી જીત્યા ગુજસીટોકના 2 આરોપી, ભાજપના દબદબા વચ્ચે કોંગ્રેસનો સફાયો, AAPએ ખાતું ખોલ્યું

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર મનપા: જેલમાંથી જીત્યા ગુજસીટોકના 2 આરોપી, ભાજપના દબદબા વચ્ચે કોંગ્રેસનો સફાયો, AAPએ ખાતું ખોલ્યું 1 - image

Jamnagar Municipal Corporation Results: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું એકચક્રી શાસન જાળવી રાખી પ્રભુત્વ સ્થાપિત કર્યું છે, તો બીજી તરફ વિપક્ષ તરીકે કોંગ્રેસનો લગભગ સફાયો થયો છે. જોકે, આ આખી ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા વોર્ડ નંબર 12 ના પરિણામોની થઈ રહી છે, જ્યાં જેલવાસ ભોગવી રહેલા બે આરોપીઓએ જીત મેળવીને રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે.

કોંગ્રેસનો ઐતિહાસિક પરાજય: માત્ર 2 બેઠકો પર સમેટાઈ

ચૂંટણી પહેલા કોંગ્રેસે 62 ઉમેદવારો મેદાનમાં ઉતારીને મજબૂત લડત આપવાનો દાવો કર્યો હતો, પરંતુ પરિણામોમાં કોંગ્રેસના 60 ઉમેદવારોની હાર થઈ છે. અગાઉ દોઢ ડઝન જેટલી બેઠકો ધરાવતી કોંગ્રેસ હવે માત્ર 2 બેઠકો પર સીમિત થઈ ગઈ છે. ખુદ જામનગર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા પણ પોતાની સુરક્ષિત ગણાતી વોર્ડ નંબર 1 ની બેઠક બચાવી શક્યા નથી.

વોર્ડ નંબર 12: જેલમાંથી જીત્યા 'ગુજસીટોક'ના આરોપીઓ

આ ચૂંટણીમાં સૌથી અજીબ કિસ્સો વોર્ડ નંબર 12 માં જોવા મળ્યો છે. અહીં જનતાએ જેલમાં રહેલા બે એવા ઉમેદવારોને વિજયી બનાવ્યા છે જેમની સામે ગુજસીટોક (GujCTOC) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

1 અલ્તાફ ખફી, કોંગ્રેસ ઉમેદવાર

જેલવાસ ભોગવી રહેલા અલ્તાફ ખફી અને તેમની ગેંગ સામે ચૂંટણી પહેલા જ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં તેમના ગેરકાયદેસર ફાર્મ હાઉસ અને દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. તેમ છતાં, તેઓ વિજયી બન્યા છે. તેમની સાથે પૂર્વ કોર્પોરેટર સહારાબેન મકવાણા પણ જીત્યા છે.

2 અસલમ ખિલજી, AAP ઉમેદવાર

અગાઉ કોંગ્રેસમાં રહેલા અને હવે 'આપ' માંથી ચૂંટણી લડતા અસલમ ખિલજી પણ જેલમાંથી જીતવામાં સફળ રહ્યા છે. તેમની સાથે એડવોકેટ જેનબબેન ખફી એ પણ જીત મેળવી છે.

આમ આદમી પાર્ટીનો ઉદય

લગભગ 50 ઉમેદવારો સાથે મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીએ પણ જામનગરમાં પોતાનું ખાતું ખોલ્યું છે. પક્ષપલટા અને આંતરિક ખેંચતાણ વચ્ચે પણ 'આપ' વોર્ડ નંબર 12 માં 2 બેઠકો અંકે કરવામાં સફળ રહી છે, જે આગામી સમયમાં નવા રાજકીય વળાંકના સંકેત આપે છે.

આ પણ વાંચો: ગાજ્યા ઢોલ વાગ્યા નહીં! સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 115 બેઠક ભાજપને

આ ચૂંટણી પરિણામોએ સાબિત કર્યું છે કે ભાજપનો ગઢ અકબંધ છે, જ્યારે કોંગ્રેસ માટે આ અસ્તિત્વની લડાઈ સમાન છે. જેલમાંથી ચૂંટાઈ આવેલા ઉમેદવારો અને 'આપ' ના પ્રવેશથી જામનગરના રાજકારણમાં હવે નવા સમીકરણો જોવા મળશે.