Get The App

જિલ્લા-તાલુકા પંચાયત પરિણામ: નર્મદા જિલ્લા-તાલુકા પંચાયતમાં AAPનો સપાટો, મોટાભાગની બેઠકો પર ભાજપની જીત

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
જિલ્લા-તાલુકા પંચાયત પરિણામ: નર્મદા જિલ્લા-તાલુકા પંચાયતમાં AAPનો સપાટો, મોટાભાગની બેઠકો પર ભાજપની જીત 1 - image

Gujarat Local Body Election Results: ગુજરાતની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત ચૂંટણીના પરિણામોએ રાજ્યના રાજકીય ચિત્રને સ્પષ્ટ કરી દીધું છે. 26 એપ્રિલે થયેલા 57 ટકા મતદાન બાદ આજે(28 એપ્રિલ) જાહેર થયેલા આંકડાઓમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ પંચાયતથી લઈને મહાનગર સુધી વિજયકુચ જાળવી રાખી છે. ખાસ કરીને જિલ્લા પંચાયતોમાં ભાજપે વિરોધ પક્ષોને કારમી પરાજય આપીને ગ્રામીણ સ્તરે પણ પોતાની પકડ મજબૂત કરી છે. જોકે, નર્મદામાં આપનો દબદબો જોવા મળ્યો છે.

Read in English | Gujarat District Panchayat poll results live: BJP ahead, former IPS Manoj Ninama defeated

 જિલ્લા પંચાયતના પરિણામ 

ભાજપની ક્લીન સ્વીપ: બોટાદ અને પોરબંદરમાં વિપક્ષ શૂન્ય

જિલ્લા પંચાયત સ્તરે ભાજપે અનેક બેઠકો પર ઐતિહાસિક ક્લીન સ્વીપ કર્યું છે. બોટાદ જિલ્લા પંચાયતની તમામ 20 બેઠકો પર ભાજપે વિજય મેળવી વિપક્ષનું ખાતું પણ ખુલવા દીધું નથી. તેવી જ રીતે પોરબંદરમાં 18 માંથી 16 બેઠકો જીતી છે (જેમાં 2 બિનહરીફ છે), અહીં પણ વિપક્ષ શૂન્ય પર સમેટાઈ ગયું છે. સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં પણ ભાજપે વિપક્ષને સિંગલ ડિજિટમાં રોકીને એકહથ્થુ શાસન સ્થાપ્યું છે.

અન્ય બેઠકો પર ભાજપની પ્રચંડ બહુમતી અને બિનહરીફનો રેકોર્ડ

જિલ્લા પંચાયતની કુલ 1090 બેઠકોમાંથી 840 બેઠકો પર ભાજપે વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. આ જીતમાં 52 બેઠકો બિનહરીફ રહી છે. કચ્છમાં 33, મહેસાણામાં 35, અમદાવાદમાં 31 અને રાજકોટમાં 34 બેઠકો સાથે ભાજપે સત્તા મેળવી છે. અમરેલી અને ભાવનગરમાં પણ ભાજપે 30થી વધુ બેઠકો મેળવીને વિરોધ પક્ષોને બહુ પાછળ છોડી દીધા છે.

નર્મદામાં ‘આપ’નું શક્તિપ્રદર્શન

જ્યાં એકતરફ ભાજપની લહેર જોવા મળી છે, ત્યાં કેટલીક બેઠકો પર ભાજપને હારનો સામનો પણ કરવો પડ્યો છે.  નર્મદા જિલ્લા પંચાયતની મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ થઈ છે, જેમાં આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી (AAP) એ 15 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. 'આપ' ના વિજેતા ઉમેદવારોએ જાવલી, ખોપી, ચીકદા, આંબાવાડી, મંડાળા, ડેડીયાપાડા-1 અને 2, ગરૂડેશ્વર, નઘાતપોર, કેવડીયા, ખડગદા, મોરજડી, માલ સામોટ, સેલંબા અને સાગબારા જેવી મહત્વની બેઠકો પર કબજો જમાવ્યો છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી માત્ર 7 બેઠકો પર સમેટાઈ ગઈ છે, જેમાં આમલેથા, પ્રતાપનગર, ભદામ, વડિયા, તિલકવાડા, દેવલીયા અને અગર બેઠકોનો સમાવેશ થાય છે. આ પરિણામો સાથે જ નર્મદા જિલ્લા પંચાયતની સત્તાનું સુકાન હવે આમ આદમી પાર્ટીના હાથમાં ગયું છે. તેવી જ રીતે છોટા ઉદેપુરમાં પણ 13 બેઠકો 'અન્ય' ના ફાળે ગઈ છે. કોંગ્રેસે પાટણમાં 13, બનાસકાંઠામાં 16 અને અરવલ્લીમાં 12 બેઠકો જીતીને પોતાની હાજરી નોંધાવી છે, પરંતુ સત્તા મેળવવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે.

તાલુકા પંચાયતના પરિણામ 

તાલુકા પંચાયતમાં ભાજપનું વાવાઝોડું: અનેક બેઠકો પર વિપક્ષના સૂપડા સાફ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત સ્તરે પણ ભાજપે અનેક જગ્યાએ 'ક્લીન સ્વીપ' કરીને વિરોધ પક્ષોને પરાસ્ત કર્યા છે. ખાસ કરીને મોરબી, બોટાદ, અને છોટા ઉદેપુર જેવી તાલુકા પંચાયતોમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે વિપક્ષને સિંગલ ડિજિટમાં જ રોકી દીધા છે. ગ્રામીણ મતદારોએ પણ ભાજપના વિકાસ પર મહોર મારીને વિરોધ પક્ષોના ગઢમાં ગાબડાં પાડ્યા છે.

મોટાભાગની તાલુકા પંચાયતોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી

તાલુકા પંચાયતની કુલ 5234 બેઠકોમાંથી ભાજપે 3422 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. મહેસાણામાં 212 માંથી 154, સુરતમાં 204માંથી 154 અને દાહોદમાં 254માંથી 148 બેઠકો પર કેસરિયો લહેરાયો છે. ભાવનગર, અમરેલી અને કચ્છ જેવા જિલ્લાઓના તાલુકાઓમાં પણ ભાજપે 100થી વધુ બેઠકો મેળવીને પોતાની સત્તા સ્થાપિત કરી છે.

બિનહરીફ બેઠકોનો વિક્રમ: ચૂંટણી પહેલા જ ભાજપની જીત

તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની રણનીતિ અને સંગઠન શક્તિને કારણે 252 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જે તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ છે. નવસારી (24), ખેડા (23) અને પંચમહાલ (26) માં મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારો મતદાન પહેલા જ વિજેતા બન્યા છે. આ આંકડા દર્શાવે છે કે અનેક વિસ્તારોમાં ભાજપ સામે ટક્કર આપવા માટે પણ વિરોધ પક્ષો પાસે સક્ષમ ઉમેદવારોનો અભાવ જોવા મળ્યો છે.

તાપી અને અરવલ્લીમાં રસાકસી: અન્ય પક્ષો અને કોંગ્રેસની સ્થિતિ

જોકે, કેટલીક બેઠકો પર ભાજપને કડક ટક્કર પણ મળી છે. તાપીમાં કોંગ્રેસે 55 બેઠકો મેળવીને ભાજપ (73) સામે મજબૂત લડત આપી છે. તેવી જ રીતે અરવલ્લીમાં પણ કોંગ્રેસ 64 બેઠકો મેળવવામાં સફળ રહી છે. 'અન્ય' પક્ષોની વાત કરીએ તો, નર્મદામાં અન્ય પક્ષોએ 62 બેઠકો મેળવીને મોટું આશ્ચર્ય સર્જ્યું છે, જ્યારે જૂનાગઢ અને દાહોદમાં પણ અન્ય પક્ષોએ 49-49 બેઠકો જીતીને પોતાની હાજરી મજબૂત બનાવી છે.

તાલુકા પંચાયતોમાં પણ 'આપ'નો દબદબો

જિલ્લાની 6 તાલુકા પંચાયતોના પરિણામોમાં સત્તાનું સંતુલન વહેંચાયેલું જોવા મળ્યું છે. આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડા (18 માંથી 17 બેઠકો), ચીકદા (16 માંથી 15 બેઠકો), સાગબારા (18 માંથી 13 બેઠકો) અને ગરૂડેશ્વર (16 માંથી 13 બેઠકો) તાલુકા પંચાયતોમાં એકહથ્થુ શાસન સ્થાપિત કરીને ભાજપને મોટો ઝટકો આપ્યો છે. જોકે, ભારતીય જનતા પાર્ટી પોતાની શાખ બચાવવામાં સફળ રહી હોય તેવા બે જ તાલુકાઓ નાંદોદ અને તિલકવાડા છે. નાંદોદમાં ભાજપે 18 માંથી 13 બેઠકો જીતીને બહુમતી મેળવી છે, જ્યારે તિલકવાડાની 16 બેઠકોમાંથી 13 બેઠકો કબજે કરી ભાજપે સત્તા જાળવી રાખી છે. ખાસ નોંધનીય છે કે તિલકવાડામાં કોંગ્રેસે 3 બેઠકો મેળવીને પોતાની હાજરી નોંધાવી છે, જ્યારે અન્ય મોટાભાગના તાલુકાઓમાં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી.

સમગ્ર ગુજરાતમાં ભાજપમય માહોલ

એકંદરે જોઈએ તો 15 મહાનગરપાલિકાઓમાં ક્લીન સ્વીપ કર્યા બાદ 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતમાં પણ ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. 26,196 ઉમેદવારોના ભાવિનો ફેંસલો જનતાએ ભાજપની તરફેણમાં આપ્યો છે, જેનાથી રાજ્યના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ભાજપનો દબદબો સ્થાપિત થયો છે.

જિલ્લા પંચાયતના વિગતવાર આંકડા 


તાલુકા પંચાયતના વિગતવાર આંકડા 


 Gujarat Local Body Election Results Updates 


છોટા ઉદેપુર તાલુકા પંચાયત (કુલ 26 બેઠક)ના પરિણામ (ટાઈ થઈ)

• 13 બેઠક - આમ આદમી પાર્ટી (AAP)
• 13 બેઠક - ભારતીય જનતા પાર્ટી (BJP)

સંખેડા તાલુકા પંચાયત (18 બેઠક)ના પરિણામ (ભાજપને સ્પષ્ટ બહુમતી)

• 16 બેઠક - ભારતીય જનતા પાર્ટી (BJP)
• 2 બેઠક - કોંગ્રેસ

બોડેલી તાલુકા પંચાયત (કુલ 24 બેઠક)ના પરિણામ (ભાજપને સ્પષ્ટ બહુમતી)

• 19  બેઠક - ભારતીય જનતા પાર્ટી (BJP)
• 2 બેઠક - કોંગ્રેસ
• 1 બેઠક - આમ આદમી પાર્ટી (AAP)
• 2 બેઠક - અપક્ષ

કદવાલ તાલુકા પંચાયત (કુલ 16 બેઠક) (ટાઈ થઈ)

• 8 બેઠક - ભારતીય જનતા પાર્ટી (BJP)
• 8 બેઠક - આમ આદમી પાર્ટી (AAP)

નસવાડી તાલુકા પંચાયત (કુલ 22 બેઠક) (ભાજપને સ્પષ્ટ બહુમતી)

• 13 બેઠક - ભારતીય જનતા પાર્ટી (BJP)
• 2 બેઠક - કોંગ્રેસ
• 7 બેઠક - આમ આદમી પાર્ટી (AAP)

જૂનાગઢ જિલ્લાની નવ તાલુકા પંચાયતોનું ચિત્ર સ્પષ્ટ થયું

વિસાવદર અને ભેસાણ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું શાસન આવ્યું, જૂનાગઢ તાલુકા પંચાયતમાં ટાઈ થઈ, અન્ય છ તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો.

-વિસાવદર તાલુકાની 18 બેઠકોમાંથી 11 પર આપ, 0 પર કોંગ્રેસ, 6 પર ભાજપ અને 1 બેઠક પર અપક્ષનો વિજય થયો.

-વંથલી તાલુકાની 16 બેઠકોમાંથી 11 માં ભાજપ, 0 પર કોંગ્રેસ અને 5 બેઠકો પર આપનો વિજય થયો.

-મેંદરડાની 16 બેઠકોમાંથી 10 માં ભાજપ, 5 માં કોંગ્રેસ અને 1 બેઠક પર આપનો વિજય થયો.

-માણાવદરની 16 બેઠકોમાંથી 12 માં ભાજપ, 0 પર કોંગ્રેસ અને 4 બેઠકો પર આપનો વિજય થયો.

-માંગરોળની 20 બેઠકોમાંથી 12 બેઠકો પર ભાજપ, 7 બેઠકો પર કોંગ્રેસ અને 1 બેઠક પર આપનો વિજય થયો.

-માળીયાની 20 બેઠકોમાંથી 14 માં ભાજપ, 2 માં કોંગ્રેસ અને 4 માં આપનો વિજય થયો.

-ભેસાણની 16 બેઠકોમાંથી 13 બેઠકો પર આપ, 3 બેઠકો પર ભાજપ અને 0 પર કોંગ્રેસનો વિજય થયો.

-જૂનાગઢની 18 બેઠકોમાંથી 9 પર ભાજપ અને 9 પર આપના ઉમેદવારોનો વિજય થયો.

-કેશોદની 18 માંથી 10માં ભાજપ, 6માં કોંગ્રેસ, 1માં આપ અને 1 બેઠક પર અપક્ષનો વિજય થયો.

જિલ્લા પંચાયતમાં કયા કયા મતક્ષેત્ર પર પરિણામ થયા સ્પષ્ટ?

-સાબરકાંઠા (34 બેઠક): ભાજપ 28, કોંગ્રેસ 3, અન્ય 3

-સુરેન્દ્રનગર (32 બેઠક): ભાજપ 31, કોંગ્રેસ 1

-રાજકોટ (36 બેઠક): ભાજપ 34, કોંગ્રેસ 1, અન્ય 1

-જુનાગઢ (30 બેઠક): ભાજપ 23, કોંગ્રેસ 7

-અમરેલી (34 બેઠક): ભાજપ 31, કોંગ્રેસ 1, અન્ય 2

-નર્મદા (22 બેઠક): ભાજપ 7, આપ 15

-ડાંગ (18 બેઠક): ભાજપ 12, કોંગ્રેસ 6

-તાપી (26 બેઠક): ભાજપ 18, કોંગ્રેસ 8

-દેવભૂમિ દ્વારકા( 22 બેઠક): ભાજપ 18, કોંગ્રેસ 3

-મહિસાગર (28 બેઠક): ભાજપ 26, કોંગ્રેસ 1, આપ 1

તાપી જિલ્લા પંચાયતમાં ભાજપનો વિજય

તાપી જિલ્લા પંચાયતમાં 26 બેઠક પૈકી 18 બેઠક ભાજપના ફાળે ગઈ છે. જ્યારે કોંગ્રેસના ફાળે 8 બેઠક ગઈ છે.

છોટા ઉદેપુર અને કદવાલા તાલુકા પંચાયતની બેઠક પર ટાઈ થઈ 

•છોટા ઉદેપુર જિલ્લાની પાવી જેતપુર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકમાંથી 15 ભાજપ, 2 કોંગ્રેસ અને 2 બેઠક આપના ફાળે ગઈ છે.  

•છોટા ઉદેપુર તાલુકા પંચાયતની કુલ 26 બેઠકમાંથી 13 ભાજપ અને 13 બેઠક આપને ફાળે જતા ટાઈ છે.

•સંખેડા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકમાંથી 16 ભાજપ અને 2 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે.

•બોડેલી તાલુકા પંચાયત કુલ 24 બેઠકમાંથી 19  ભાજપ, 2 કોંગ્રેસ, 1 આપ અને 2 બેઠક અપક્ષના ફાળે ગઈ છે.

•કદવાલ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી 8 ભાજપ અને 8 આપના ફાળે જતા ટાઈ છે. 

•નસવાડી તાલુકા પંચાયતની કુલ 22 બેઠકમાંથી 13 ભાજપ, 2 કોંગ્રેસ અને 7 આપના ફાળે ગાઈ છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપનો વિજય

રાજકોટ જિલ્લા પંચાયતની 36 માંથી 34 બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે 1 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે. જિલ્લા પંચાયતની કોલકી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અરુણાબેન ભાષા વિજેતા થયા છે. જ્યારે જિલ્લા પંચાયતની મોવિયા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર આરતીબેન જેતાણીની જીત થઈ છે.

ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદ તાલુકા પંચાયતનું પરિણામ

•સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની કુલ 20 બેઠકમાંથી 12 બેઠક પર ભાજપ, 4 બેઠક પર કોંગ્રેસ અને 4 બેઠક પર આપે જીત મળવી છે.

•પ્રાંતિજ તાલુકા પંચાયતની કુલ 20 બેઠકમાંથી 14 બેઠક પર ભાજપ, 4 બેઠક પર કોંગ્રેસ, 2 બેઠક પર અપક્ષના ઉમેદવારે જીત નોંધાવી છે.   

•તલોદ તાલુકા પંચાયતની કુલ 20 બેઠકમાંથી 17 બેઠક પર ભાજપ અને 3 બેઠક પર કોંગ્રેસે જીત નોંધાવી છે.

છોટા ઉદેપુરમાં કોંગ્રેસનો સફાયો

છોટા ઉદેપુર જિલ્લાની તાલુકા પંચાયત કુલ 26 બેઠકોમાંથી 15 બેઠક પર આપ અને 11 બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે જિલ્લા પંચાયતની 7 બેઠકમાંથી 5 બેઠક આપ અને 2 બેઠક ભાજપના ફાળે ગઈ છે. જ્યારે કોંગ્રેસનો સફાયો થયો છે.

અમરેલી જિલ્લાનું પરિણામ જાહેર

•અમરેલી જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકમાંથી 31 બેઠક પર ભાજપ, બે બેઠક પર આપ અને એક બેઠક પર કોંગ્રેસે જીત નોંધાવી છે.

•અમરેલી તાલુકા પંચાયતની કુલ 18 બેઠકમાંથી 16 બેઠક પર ભાજપ, એક બેઠક પર આપ અને એક બેઠક પર કોંગ્રેસે જીત નોંધીવી છે. 

•બાબરા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકમાંથી 13 બેઠક પર ભાજપ, ત્રણ બેઠક આપ અને એક બેઠક પર કોંગ્રેસે જીત નોંધાવી છે.

•બગસરા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી 10 બેઠક પર આપ અને 6 બેઠક પર ભાજપે જીત નોંધાવી છે.

•ધારી તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી 9 બેઠક પર ભાજપ, 5 બેઠક પર આપ અને 2 બેઠક પર કોંગ્રેસે જીત નોંધાવી છે. 

•જાફરાબાદ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી 14 બેઠક પર ભાજપ અને બે બેઠક પર કોંગ્રેસે જીત નોંધાવી છે. 

•ખાંભા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી 13 બેઠક પર ભાજપ, 3 બેઠક પર આપ અને એક બેઠક પર કોંગ્રેસે જીત નોંધાવી છે. 

•વડિયાના કુંકાવાવ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી 13 બેઠક પર ભાજપ અને 3 બેઠક પર આપે જીત નોંધાવી છે.

•લાઠી તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી 10 બેઠક પર ભાજપ 4 બેઠક આપ અને બે બેઠક પર કોંગ્રેસે જીત નોંધાવી છે.  

•લીલીયા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી 7 બેઠક પર ભાજપ અને 9 બેઠક પર કોંગ્રેસે જીત નોંધાવી છે.  

•રાજુલા તાલુકા પંચાયતની કુલ 20 બેઠકમાંથી 15 બેઠક પર ભાજપ 4 બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે.

નર્મદા: તાલુકા પંચાયતમાં આપની જીત

•નર્મદા જિલ્લાની તિલકવાડા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી 13  બેઠક ભાજપ અને, 3 કોંગ્રેસના ફાળે ગઈ છે. 

•દેડિયાપાડા તાલુકા પંચાયત કુલ 18 બેઠકમાંથી 1 બેઠક ભાજપ અને 17 બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. 

•ચીકદા તાલુકા પંચાયત કુલ 16 બેઠકમાંથી 15 બેઠક આપ અને એક ભાજપના ફાળે ગઈ છે. 

•સાગબારા તાલુકા પંચાયત કુલ 18 બેઠકમાંથી 13 બેઠક આપ અને 5 ભાજપના ફાળે ગઈ છે. 

•ગરુડેશ્વર તાલુકા પંચાયત કુલ 16 બેઠકમાંથી 13 આપ અને 3 ભાજપના ફાળે ગઈ છે. 

બનાસકાંઠા જિલ્લા પંચાયત પર ભાજપનો કબજો

બનાસકાંઠા જિલ્લા પંચાયત પર ભાજપે કબજો મેળવ્યો છે. જિલ્લા પંચાયતની 25 બેઠક પર ભાજપે જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે 11 બેઠકો પર જીત મેળવી છે. થરાદ તાલુકા પંચાયતની 24માંથી 23 બેઠક જીતી ભાજપે કબજો મેળવ્યો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી થરાદ નગરપાલિકા પ્રથમ વખત બહુમત સાથે ભાજપે જીતી હતી. 

સાયલા જિલ્લા અને તાલુકા પંચાયતમાં જીત

સાયલા તાલુકા પંચાયતની કુલ 20 બેઠકમાંથી 16 બેઠક ભાજપની જીત થઈ છે. જ્યારે એક બેઠક પર કોંગ્રેસ, બે બેઠક પર આપ અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. જ્યારે જિલ્લા પંચાયતની કુલ ચાર બેઠકોમાંથી ચારેય બેઠક પર ભાજપનો વિજય થયો છે. 

નર્મદા જિલ્લા પંચાયતમાં આપની જીત

નર્મદા જિલ્લા પંચાયત કુલ 22 બેઠકમાંથી 14 બેઠક પર આપ અને સાથ બેઠક ભાજપની જીત થઈ છે.

પંચમહાલના શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું ઐતિહાસિક ક્લીન સ્વીપ

તાલુકા પંચાયતની 28, જિલ્લા પંચાયતની સાત અને નગરપાલિકા 28 બેઠકો મળી કુલ 63 બેઠકોમાંથી 35 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હતા. જ્યારે બાકીની 28 બેઠકો પર મતદાન થયા બાદ ચૂંટણી પરિણામના દિવસે તમામ 28 બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.

અમરેલી: તાલુકા પંચાયતના પરિણામ

•અમરેલી તાલુકા પંચાયતની કુલ 18 બેઠકમાંથી 16 બેઠક ભાજપ, એક કોંગ્રેસ અને એક બેઠક આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે. 

•બગસરા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી 10 બેઠક આમ આદમી પાર્ટી અને 6 બેઠક ભાજપના ફાળે ગઈ છે.

•ખાંભા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી 12 બેઠક ભાજપ, એક કોંગ્રેસ અને 3 બેઠક આપના ફાળે ગઈ છે.

•લીલીયા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી 7 બેઠક ભાજપ અને 9 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે.

જસદણ અને વિછીયા તાલુકા પંચાયતમાં ભાજપની જીત

જસદણ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાં ભાજપે 15 બેઠકો બેઠકો જીતી છે. જ્યારે આપે 6 બેઠકો જીતીને પ્રથમ વખત પોતાનું ખાતું ખોલાવ્યું છે, જ્યારે કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે. વિછીયા તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપે 14 બેઠકો પર કબજો કર્યો છે અને કોંગ્રેસને 4 બેઠકો મળી છે.

રાજકોટ જિલ્લા પંચાયતની પાંચ બેઠકોમાં ભાજપે જીત નોંધાવી છે, જેમાં આટકોટ, સાણથલી, ભાડલા, શિવરાજપુર અને કમળાપુર બેઠકનો સમાવેશ થાય છે. વિછીયા તાલુકાની ત્રણ જિલ્લા પંચાયતની વિછીયા, પીપળી અને બદલી બેઠક પર પણ ભાજપે જીત મેળવી છે.

રી-કાઉન્ટિંગ બાદ કોંગ્રેસની જીત

ગાંધીનગર જિલ્લા પંચાયતની વલાદ બેઠકની મતગણતરીમાં રી-કાઉન્ટિંગ હાથ ધરાયું હતું, જેમાં કોંગ્રેસે વિજય નોંધાવ્યો છે. અગાઉના પરિણામ બાદ કોંગ્રેસની જીત જાહેર થતાં ભાજપના ઉમેદવારે ફરીથી રી-કાઉન્ટિંગની માંગ કરી હતી. પરંતુ રી-કાઉન્ટિંગ દરમિયાન પણ કોંગ્રેસે 125 મતની સરસાઈથી જીત પ્રાપ્ત કરી હતી.

બાવળા તાલુકા પંચાયતમાં ભાજપની જીત

બાવળા તાલુકા પંચાયત કુલ બેઠકમાંથી 18 બેઠકમાંથી 15 બેઠક પર ભાજપ, બે બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે.

ગાંગડ જિલ્લા પંચાયત બેઠક પર સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલના બહેન દક્ષાબહેન ડાભીનો વિજય, શિયાળ જિલ્લા પંચાયતની સીટ ઉપર ભાજપના ઉમેદવાર રમેશભાઈ મકવાણા અને કાવીઠા જિલ્લા પંચાયત સીટ ઉપર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણના પત્ની છાયાબહેન ચૌહાણનો વિજય થયો છે. 

જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું જ નહીં

જૂનાગઢ જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો, કુલ બેઠક 30માંથી 23 બેઠક પર ભાજપ અને સાત બેઠક પર આપની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસનું ખાતું ખુલ્યું જ નહીં.

ગીર સોમનાથની ઉના તાલુક પંચાયની બેઠક પર ભાજપની જીત થઈ છે. કુલ 26 બેઠકમાંથી 20 ભાજપ અને 6 કોંગ્રેસના ફાળે ગઈ છે.

જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-આપ વચ્ચે ટાઈ

જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ છે. બંને પક્ષોને 9-9 બેઠકો મળતાં ટાઇની સ્થિતિ સર્જાઈ છે. કુલ 18 બેઠકોના પરિણામોમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી, જેને લઈને સત્તાનું સમીકરણ ગુંચવાયું છે. હવે આગામી રાજકીય ગતિવિધિઓ પર અને નવા સમીકરણો પર સૌની નજર છે.

સાઠંબા તાલુકા પંચાયતમાં ભાજપની જીત

સાઠંબા તાલુકા પંચાયતમાં 9 ભાજપ, 6 કોંગ્રેસ અને 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે. ચોઇલા, ઊંટરડા, રડોદરા , ડેમાઈ, ઇન્દ્રાણ , માલપુર, ઉભરાણ જિલ્લા પંચાયતમાં ભાજપની જીત થઈ છે. હેલોદર અને સાઠંબા કોંગ્રેસની જીત થઈ છે.

વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપને 20 અને કોંગ્રેસને 2 બેઠક મળી 12 બેઠકનું પરિણામ બાકી

કેશોદ જિલ્લા પંચાયત 4 બેઠકનું પરિણામ જાહેર 

જૂનાગઢ જિલ્લાની કેશોદ જિલ્લા પંચાયત 4 બેઠકનું પરિણામ જાહેર થયું છે. જેમાં અગતરાય બેઠકથી ભાજપના ઉમેદવાર સરોજબહેન અશ્વિભાઈ ખટારિયા, અજાબ બેઠકથી ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ભીમજીભાઈ માકડિયા, બાલાગામ બેઠકથી ભાજપના ઉમેદવાર વિલસુબહેન રમેશભાઈ કરંગિયા અને મેસવાણ બેઠકથી રતિલાલ ખીમજીભાઈ લાડાણીની જીત થઈ છે.

લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરીની હાર

અમરેલી જિલ્લાના લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શાંતિબહેન ડેરની જીત થઈ છે. તેમની સામે ઊભેલા ભાજપના ઉમેદવાર સોનલબહેન ડેરની હાર થઈ છે. નોંધનીય છે કે, સોનલબહેન જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરી છે.

માયા આહીરના ગામમાં ભાજપની હાર કોંગ્રેસ જીત્યું

ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકા પંચાયતની બોરડા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ઝવેર ભાલિયા 367 મતે વિજેતા થયા છે. નોંધનીય છે કે, બોરડા લોકસાહિત્યકાર માયા આહીરનું ગામ છે.

રાજુ કરપડાનો 2533 મતથી વિજય

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે જાહેર થઈ રહેલા પરિણામોમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી(AAP)માંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાની જીત થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી 2 બેઠક પરથી ચૂંટણી લડી રહેલા રાજુ કરપડાનો 2533 મતથી વિજય થયો છે. 

વલસાડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સૂપડાં સાફ

કુલ 32 બેઠકમાંથી 31 બેઠક પર ભાજપની જીત થઈ છે, જ્યારે એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે. કોંગ્રેસ વલસાડ તાલુકા પંચાયતમાં ખાતું  ખોલાવી શકી નથી.

રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતાની હાર!

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોવિયા બેઠક પરથી ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે. ભાજપના દિગ્ગજ નેતા અને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ડાંગરનો આ બેઠક પર પરાજય થયો છે.

પૂર્વ IPS મનોજ નિનામાની હાર

અરવલ્લીની ઓડ જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર અને પૂર્વ IPS મનોજ નિનામા 2700 મતોથી હાર્યા છે. કોંગ્રેસ ઉમેદવાર સુરેશ નિનામાની જીત થઈ છે.

અર્જુન મોઢવાડિયાના ગામમાં આપની જીત

કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના ગામમાં આપની જીત થઈ છે. પોરબંદર તાલુકા પંચાયતની મોઢવાડા બેઠક પર આપના ઉમેદવારની જીત થઈ છે. આપના ઉમેદવાર શાંતિબહેન મોઢવાડિયાની જીત થઈ છે. નોંધનીય છેકે, પોરબંદર જિલ્લામાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે.

ભરુચ: કોંગ્રેસના ઉમેદવાર એક મતથી જીત

ભરુચની પાલેજ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મોહસિન પઠાણે એક મતના અંતરથી જીત મેળવી છે.

વડીયામાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય

અમરેલી જિલ્લાના વડીયા તાલુકા પંચાયતમાં બાંભણિયા બેઠક પર ભાજપના ઉમેદવાર આરતીબહેન ગજેરા વિજેતા, વડીયાની તાલુકા પંચાયતની મોટી કુકાવાવ બેઠક પર ભાજપના ઉમેદવાર નેહાબહેન ગોંડલીયા વિજેતા, વડીયાની તાલુકા પંચાયતની મોટી કુંકાવાવ-2 બેઠકમાં ભાજપના ઉમેદવાર નિરાલીબહેન સાનીયા વિજેતા, વડીયાની તાલુકા પંચાયતની અમરાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર મનોજ હપાણી વિજેતા, વડીયા તાલુકા પંચાયતની તોરી બેઠક પર ભાજપના ઉમેદવાર સોનલબહેન પાનસુરિયા વિજેતા, વડીયા તાલુકા પંચાયતની મોટા ઉજળા બેઠક પર ભાજપના ઉમેદવાર હંસાબહેન સખવાળા વિજેતા થયા છે. જ્યારે વડીયા જિલ્લા પંચાયતની મોટી કુકાવાવ બેઠક પર ભાજપ ઉમેદવારના કમલેશ ચૌહાણ વિજેતા અને જિલ્લા પંચાયતની દેવગામ બેઠક પર ભાજપના ઉમેદવાર ગાયત્રીબહેન સંજયભાઈ વાળા વિજેતા થયા છે.

ગાંધીનગર જિલ્લા પંચાયતની આ બેઠક પર ભાજપની જીત

ગાંધીનગર જિલ્લા પંચાયતની સાંતેજ બેઠક પર ભાજપના ઉમેદવાર રશ્મિજી ઠાકોર, ચિલોડા બેઠક પર ભાજપના ઉમેદવાર દિલીપસિંહ લાલસિંહ સોલંકી, ડભોડા બેઠક પર ભાજપના આનંદીબહેન ઠાકોર, ઈટાદરા બેઠક પર ભાજપના ઉમેદવાર મહેશ ઠાકોર અને બિલોદરા બેઠક પર ભાજપના ઉમેદવાર વાસવદતા પટેલ વિજય થયા છે.

મહીસાગર જિલ્લા પંચાયતની આ બેઠક પર ભાજપની જીત

મહીસાગર જિલ્લા પંચાયતમાં બટકવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ બામણિયાનો વિજય, બાકોર બેઠક પર ભાજપના ભાવનાબહેન પટેલની જીત અને  વડદલા બેઠક પર ભાજપના મંજુલાબહેન ગરાસિયાની જીત થઈ છે.

જિલ્લા પંચાયતમાં જાવલી બેઠક પર AAPની જીત

નર્મદા જિલ્લા પંચાયતમાં જાવલી બેઠક પર  AAPના ઉમેદવાર ડૉ. દયારામ વસાવાની 8918 મતથી જીત થઈ છે. જ્યારે ભરૂચ જિલ્લા પંચાયતની ઝાડેશ્વર બેઠક પર ભાજપના ઉમેદવાર વિપુલ પટેલની જીત થઈ છે. બીજી તરફ વડોદરા જિલ્લા પંચાયતની દશરથ બેઠક ભાજપે કબજે કરી છે.

ખેરા તાલુકા પંચાયત બેઠક પરથી અપક્ષ ઉમેદવારની જીત

રાજુલાની જુની બારપટોળી તાલુકા પંચાયત બેઠક ભાજપના ઉમેદવાર હનીબહેન વાઘનો વિજય, બર્બટાણા તાલુકા પંચાયતની બેઠક ભાજપનાં ઉમેદવાર હેતલબહેન કામળિયા 400 મતોથી જીત, ચાંચ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર હંસાબહેન ગુજરિયાનો વિજય, જ્યારે ખેરા તાલુકા પંચાયત બેઠક પરથી અપક્ષ ઉમેદવાર રામજીભાઈ ગુજરિયાની જીત થઈ છે.

પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની હાર

જૂનાગઢની ભેંસાણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે, આપ સાથે છોડીને ભાજપમાં સામેલ થયેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો 1700 મતોથી પરાજય થયો છે. આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ રૂપારેલિયાની જીત થઈ છે.  

છોટા ઉદેપુર જિલ્લામાં આપના ઉમેદાવરની જીત

છોટા ઉદેપુર: જિલ્લા પંચાયતની નવગામ બેઠક ઉપર આપના ઉમેદવાર ઈશ્વર નટુભાઈ 9213 મતોથી જીત મેળવી છે. તાલુકા પંચાયતની વંકલા બેઠકથી આપના ઉમેદવાર મહેન્દ્ર રાઠવા 1806 મતોથી વિજેતા થયા છે. પાવી જેતપુરની તાલુકા પંચાયતની ભેંસાવહી બેઠકથી ભાજપના ઉમેદવાર વિષ્ણુભાઈ કવા રાઠવા ભાજપની 1487 મતોથી વિજેતા થયો છે. સંખેડાની માલુ તાલુકા પંચાયતની બેઠકથી ભાજપના ઉમેદવાર નરપતભાઈ મણિલાલ રાઠવા 1450 મતથી જીત્યા છે.

સુરત જિલ્લાની ત્રણ તાલુકા પંચાયતમાં આપની જીત

સુરત જિલ્લાના સટવણ, ધાણાવડ અને ઉંમરગોટ તાલુકા પંચાયતની બેઠકા પર AAPની જીત થઈ છે. 

કેશોદના મોટી ઘંસારી તાલુકા પંચાયતની ટાઇમાં ચિઠ્ઠી ઉછાળતાં આપની જીત

જૂનાગઢના કેશોદ તાલુકા પંચાયતમાં ટાઇ થઈ છે. મોટી ઘંસારીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ટાઇ થતાં બંને ઉમેદવાર વચ્ચે ચીઠ્ઠી નંખાઈ હતી. જેમાં AAPના ઉમેદવાર યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા છે.

જિલ્લા પંચાયતની અમરાપુર બેઠક પર આપની જીત

જૂનાગઢ જિલ્લા પંચાયતના માળિયાહાટીના તાલુકાની અમરાપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. 

જિલ્લા અને તાલુકા પંચાયતના પરિણામ

બોટાદની રાણપુરા તાલુકા પંચાયતની દેવળીયા બેઠક પર ભાજપનો વિજય, નખત્રાણા તાલુકા પંચાયતના અંગીયા બેઠક પર ભાજપની જીત પાટણના શંખેશ્વર તાલુકા પંચાયતની ખીજડિયા બેઠક પર ભાજપનો વિજય, સુરતની અરેઠ તાલુકા પંચાયતની અરેઠ, કરાવલી, પાતાળ અને ખોડંબા બેઠક પર ભાજપનો વિજય, પાટણ સમી તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો વિજય, નવસારીની જલાલપોર તાલુકા પંચાયતની પોંસરા બેઠક પર ભાજપનો વિજય, નવસારી જિલ્લા પંચાતની વેસ્મા બેઠક પર ભાજપનો વિજય, સાંતલપુરા તાલુક પંચાયતની ગાંજીસર બેઠક પર ભાજપનો વિજય, ખેડાની માતર તાલુકા પંચાયતની અંત્રોલી બેઠક પર ભાજપનો વિજય, મહીસાગરમાં કોઠંબા તાલુકા પંચાયતની કોંચીયા બેઠક પર ભાજપનો વિજય, પોરબંદર તાલુકા પંચાયતની દેગામ બેઠક પર ભાજપનો વિજય, પોરબંદર જિલ્લા પંચાયતની બડેજ બેઠક પર ભાજપનો વિજય, પાટણની કુંવર તાલુકા પંચાયતની બેઠક પર ભાજપનો વિજય અને રાણપુર તાલુકા પંચાયતની જાડીલા બેઠક પર ભાજપનો વિજય થયો છે.

આદરજ તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત 

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા આદરજ તાલુકા પંચાયતની બેઠક પર દિપાલીબહેન અવિનાશ કુમાર ચાવડા કોંગ્રેસના ઉમેદવાર 168 મતથી વિજય થયા છે.

દિયોદર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની જીત

વાવ-થરાદ જિલ્લાના દિયોદર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર બળવંતજી મકવાણાની 1779 મતથી ભવ્ય જીત થઈ છે.

બગસરા તાલુકા પંચાયતમાં આપના ઉમેદવારનો વિજય

અમરેલી જિલ્લોની બગસરા તાલુકા પંચાયતમાં આપના ઉમેદવાર દકુભાઈ ગાજીપરાનો વિજય, હમાપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રંજનબહેન લક્ષ્મણભાઈ સોલંકીએ 328 મતથી વિજય પ્રાપ્ત કર્યો છે. જ્યારે લાઠી તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર ભરતકુમાર ગજેરાનો વિજય થયો છે. 

જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા બેઠક પર ભાજપની જીત

જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંપાબહેન કિશોરભાઈ ઠુમ્મરે 300 જેટલા મતની વિજય થયો છે.  પરિણામ જાહેર થતાં વિસ્તારમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે.

બગલિયા તાલુકા પંચાયતમાં આપના ઉમેદવારની જીત

નસવાડી તાલુકાની બગલિયા તાલુકા પંચાયત બેઠકમાં આપના ઉમેદવાર સવિતાબહેન ભીલની જીત થઈ છે.

હળવદ તાલુકા પંચાયતની ચરાડવા બેઠક પર આપના ઉમેદવારની જીત

મોરબી જિલ્લાના હળવદ તાલુકા પંચાયતની ચરાડવા બેઠક પરથી આમ આદમી પાર્ટી(AAP)ના ઉમેદવાર ચંદુ મોરી 1400થી વધુ મતોથી વિજય થયા છે.

છોટા ઉદેપુરના બાંગાપુર તાલુકા પંચાયતમાં ભાજપની જીત

છોટા ઉદેપુર જિલ્લાના બાંગાપુર તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર શિલ્પાબહેન 1016 મતથી વિજય થયા છે.  

બરવાળા તાલુકા પંચાયત પરિણામ

બોટાદ જિલ્લાની બરવાળા તાલુકા પંચાયતની વિવિધ બેઠકોના પરિણામો સામે આવ્યા છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો મુજબ, ભાજપે બે બેઠકો પર જીત મેળવી છે, જ્યારે એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે.

•ચોકડી બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ ગળિયલનો શાનદાર વિજય થયો છે.

•બેલા બેઠક પર ભાજપના ઉમેદવાર સંજય નાંડોલિયા વિજેતા જાહેર થયા છે.

•કાપડિયાળી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અરુણાબહેન મેહુલભાઈ મેર વિજયી બન્યા છે.


શહેરામાં જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની 14 બેઠકોની મતગણતરી શરૂ

પંચમહાલ જિલ્લાના શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન બાદ આજે મતગણતરી શરૂ થઈ છે. કાંકરી ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની 14 બેઠકોની મતગણતરી હાથ ધરાઈ છે. 

રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓની હાજરીમાં EVM સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢી મતગણતરી શરૂ કરાઈ છે. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની 28 બેઠકોની ચૂંટણીમાં 67 ઉમેદવારો ભાવિ નક્કી થશે.

કચ્છ જિલ્લામાં મતગણતરી પ્રક્રિયા શરૂ 

કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભુજ સ્થિત સરકારી ઈજનેરી કૉલેજ ખાતે આજે મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ છે, જેને લઈને ઉમેદવારો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં કુલ 422 બેઠકો માટે 1065 ઉમેદવારો મેદાનમાં છે.

છોટા ઉદેપુરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો

છોટા ઉદેપુર જિલ્લાની 32 જિલ્લા પંચાયત બેઠક તેમજ 7 તાલુકા પંચાયતની 150 બેઠકો માટે મતગણતરી માટે વહીવટી તંત્રએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. 

મતગણતરી શરૂ થતાં જ સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણાશે 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ કરવામાં આવશે. 9 વાગ્યાથી ગણતરી શરૂ થશે. 

ગુજરાતમાં ભાજપનો વિજય નક્કી, નેતૃત્વ વિહોણી કોંગ્રેસની બેઠકો વધશે 

ભાજપે 700થી વધુ બેઠકોનો તો મતદાન પહેલાં જ બિનહરિફ જીતી લીધી હતી. આજે ચુંટણી પરિણામ આવી રહ્યા છે ત્યારે લોકોને અત્યારથી રાજકીય આકલન શરૂ કરી દીધું છે. એક તરફ ભાજપ અબ કી બાર બધી જ પારના નારા સાથે મેદાને છે તો બીજી તરફ વિપક્ષ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. જોકે સત્તા અને પૈસાના જોરે ભાજપ વિપક્ષને ખરીદવામાં માહેર હોવાથી કોંગ્રેસ અને આપ માટે ગુજરાતમાં સત્તામાં આવવું મુશ્કેલ દેખાય છે.