કાળી માટીની આડમાં ટ્રકમાં લઈ જવાતો રૂા.31 લાખનો અંગ્રેજી દારૂ પકડાયો

બામણબોર ચેકપોસ્ટ પાસેથી
રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ, દારૂ મંગાવનાર અને મોકલનાર અંગે રહસ્ય
ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે બામણબોર ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી ગુજરાત પાસીંગના ટ્રકને અટકાવી તલાશી લેતાં અંદરથી અંગ્રેજી દારૂની ૧૮૦ એમએલની ર૦૭૩૬ બોટલ મળી આવી હતી. તેની સાથે ટ્રક, મોબાઈલ ફોન, બિલ્ટી વગેરે મળી કુલ રૂા.૪૬.ર૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ટ્રક ચાલક સત્યપાલે દારૂનો આ જથ્થો ચંદીગઢથી લઈ આવી રહ્યાની કબુલાત આપી છે. જોકે આ દારૂનો જથ્થો કોણે મોકલ્યો હતો તે વિશે પોતે અજાણ હોવાનું રટણ કરી રહ્યો છે. રાજકોટના કોઈ બુટલેગરે કે બીજા કોઈ શહેરના બુટલેગરે આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો તે બાબતે પણ ક્રાઈમ બ્રાંચને કોઈ માહિતી મળી નથી.
ટ્રક ચાલક સત્યપાલ પાસેથી માત્ર મોબાઈલ નંબર મળ્યા છે. જેના આધારે તપાસ આગળ ધપાવાઈ છે. તેના વિરૂધ્ધ આ અગાઉ થાન અને રાધનપુરમાં પ્રોહિબિશનના બે ગુના નોંધાઈ ચુકયા છે. રાજસ્થાનના ટ્રક ચાલકો છાશવારે ગુજરાતમાં પકડાય છે. જેનાથી કોઈ ફરક પડતો ન હોય તેમ જામીન પર છુટી ફરીથી દારૂની હેરાફેરી શરૂ કરી દે છે.









