મોરબી પંથકમાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, બે દરોડામાં એક કરોડથી વધુનો દારૂ પકડાયો

શનાળા બાયપાસ નજીકથી 50.38 લાખની 9924 બોટલ જપ્ત
નેકનામ પડધરી રોડ પર પસાર થતા બંધ બોડીના ટ્રકની તલાશી લેતાં 57 લાખની કિંમતનો 14352 બોટલ દારૂનો જથ્થો કબજે
નેકનામ-પડધરી રોડ પર પસાર થઈ રહેલા બંધ બોડીના ટ્રકને અટકાવી પોલીસે તપાસ કરતા અંદરથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૪,૩૫૨ બોટલો મળી આવી હતી. આથી રૂા. ૫૬.૯૪ લાખની કિંમતનો દારૂ અને ૩ લાખની કિંમતની ટ્રક મળી કુલ રૂ. ૫૯,૯૪,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો ે છે. આ મામલે પોલીસે ટ્રક ચાલક અને મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા તુલસીપાર્કમાં રહેતા નવઘણ મોહનભાઈ બાંભવા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. આ આટલો મોટો દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
બીજા દરોડામાં મોરબી એ ડિવિઝન પોલીસે શનાળા બાયપાસ પાસે રેડ કરી હતી જ્યાં બે પીક-અપ વાહનો અને અને બોલેરો વાહનોમાં મળી કુલ દારૂની બોટલ નંગ ૯૯૨૪ કીમત રૂા.૫૦,૩૮,૮૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો તેમજ ત્રણ વાહન કીમત રૂ ૭ લાખ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૫૭,૪૩,૮૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી મુસ્તકીમ ઉર્ફે લાલો અલારખા આમદ સના રહે મોરબી ગુલાબનગર વાળાને ઝડપી લીધો છે . આ પ્રકરણમાં નવઘણ મોહન બાંભવા, દિવ્યેશ મોહન બાંભવા, ઓમાન અશરફ ધારાણી અને યુવરાજસિંહ અનોપસિંહ ડોડીયા, ભીમશી કોળી એમ પાંચ ઇસમોના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે








