વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર વડોદરા નજીકના ટોલ નાકા પરથી એક કન્ટેનરમાં વોશિંગ મશિનો તેમજ ચીમનીની આડમાં લઇ જવાતો દારૃનો જથ્થો જિલ્લા પોલીસે ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી કુલ રૂ.64.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ હરિયાણા પાસિંગનું એક કન્ટેનર જેમાં દારૂનો જથ્થો ભર્યો છે તે કન્ટેનર દુમાડ ચોકડી ક્રોસ કરી અમદાવાદ તરફ જવાનું છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીના સ્ટાફે રાત્રે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર આજોડ નજીકના ટોલ નાકા પર વોચ ગોઠવી હતી.
દરમિયાન માહિતી મુજબનું કન્ટેનર આવતા તેને રોકી ડ્રાઇવર જુનેદખાન મુબીનખાન ખાન અને ક્લિનર રોબિનખાન શાહબુદ્દીન ખાન (બંને રહે.કંસાલી, બડી મસ્જિદ પાસે, તા.નગીના, જિલ્લો નુહુ, મેવાત, હરિયાણા)ની પૂછપરછ કરતાં પ્રારંભમાં બંનેએ કન્ટેનરમાં વોશિંગ મશીન તેમજ ચીમનીઓ ભરી છે તેમ જણાવ્યું હતું. દરમિયાન પોલીસે બંનેને સાથે રાખી કન્ટેનરમાં ચેકિંગ કરતા વોશિંગ મશિનોના બોક્સો તેમજ ચીમનીના બોક્સોની આડમાં સંતાડેલો દારૃનો મોટો જથ્થો મળ્યો હતો. પોલીસે રૂ.41.73 લાખ કિંમતની દારૂની 8520 બોટલો, વોશિંગ મશીનના 96 બોક્સ, ચીમનીના 5 બોક્સ તેમજ કન્ટેનર અને બે મોબાઇલ મળી કુલ રૂ.64.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડ્રાઇવર અને ક્લિનરની ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ કરતા બંનેએ કબૂલાત કરી હતી કે અમજદખાન (રહે.ભાદરા રતા.નગીના, જિલ્લો નુહુ, હરિયાણા) અને અમરખાન ખાન (રહે.નુહુ, તાવડુરોડ, હરિયાણા)એ દારૃનો જથ્થો ભરેલું કન્ટેનર આપ્યું હતું. આ અંગે મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


