ભવાની એનર્જી સોલ્યુશનના સંચાલક સામે દારૃ અને હથિયારબંધીના ગુના દાખલ

વડોદરા,શહેરના કલાલી વિસ્તારમાં ઓફિસ ધરાવતા ગિરીશ સોલંકીની રિવોલ્વર બતાવી ખંડણી વસૂલવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા. તેના ઘરેથી દારૃની બોટલો મળતા પોલીસે અલગથી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર અંજની માર્કેટ ખાતે કેબલ ખેંચવાના મશીન અને સાધનોનો વ્યવસાય કરતા રણજીતભાઇ વિરડા પાસેથી ભવાની એનર્જી સોલ્યુશન લિ.ના ગિરીશ સોલંકીએ ૯ લાખ રૃપિયાના સાધનો લીધા હતા.આ સાધનો તેણે બારોબાર ભાડેથી આપી દેતા રણજીતભાઇએ મશીન અને સાધનો પાછા માંગતા ગિરીશ સોલંકીએ રિવોલ્વર તાકી તમાચા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ૧૪ હજાર બળજબરીથી કાઢી લીધા હતા.
ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપી ગિરીશ નાનજી ભાઇ સોલંકી(વિસેન્જા હાઇટેક, ગાર્ડિયન ટાવર,કલાલીરોડ,વડોદરા)ની ધરપકડ કરી રિમાન્ડ લીધા હતા. ગિરીશે તેના કલાલી શિવાંશ શરણમ કોમ્પલેક્સના મકાનમાં તેણે દારૃ રાખ્યો હોવાની માહિતી મળતી પોલીસે ત્યાં તપાસ કરતા ભાડેથી રહેતા મિતલબેન મહેન્દ્રભાઇ સોઢા મળી આવ્યા હતા. તેણે બતાવેલી જગ્યા પરથી પોલીસે દારૃની પાંચ બોટલ કબજે કરી હતી. પોલીસે ગિરીશ અને મિતલબેન સામે પ્રોહિબિશનનો અલગથી ગુનો દાખલ કર્યો છે. તેમજ કોમ્પલેક્સની નજીકથી એક કાળા કલરની નંબર પ્લેટ વગરની કાર મળી આવી હતી. જેમાંથી છરી, લાકડી, બેઝ બોલની સ્ટીક મળી આવ્યા હતા. પોલીસે કારમાં બેસેલા ડ્રાઇવર રાજેશ સુરેશભાઇ માળી (રહે. ચાણક્યપુરી વુડાના મકાનમાં, કલાલી) ને પૂછતા તેણે જણાવ્યું હતું કે, ગિરીશ સોલંકીએ આ વસ્તુઓ કારમાં મૂકી છે. જેથી, પોલીસે બંનેની સામે હથિયારબંધીના ભંગનો અલગથી ગુનો દાખલ કર્યો છે.








