Gujarat

એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસેથી દોઢ કરોડથી વધુનો દારૃ ઝડપાયો

By GS TEAM
2 May 20261 min read
એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસેથી દોઢ કરોડથી વધુનો દારૃ ઝડપાયો

વડોદરા, તા.2 ગોવાથી અમદાવાદ તરફ એક કન્ટેનરમાં લઇ જવાતો દોઢ કરોડથી પણ વધુ કિંમતના દારૃ સાથે ડ્રાઇવરની એક્સપ્રેસ હાઇવે પર આસોજ પાસેના ટોલનાકા પરથી જિલ્લા પોલીસે ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ દારૃનો જથ્થો ભરેલું એક કન્ટેનર અમદાવાદ તરફ જઇ રહ્યું છે અને હાલ આ ટેન્કરે દુમાડ ચોકડી ક્રોસ કરી છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીના સ્ટાફે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવેના આસોજ પાસેના ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનું કન્ટેનર આવતા તેને રોકી ડ્રાઇવરનું નામ પૂછતા તેણે પોતાનું નામ ગોપાલરામ જોઘારામ બિશ્નોઇ (રહે.બિશ્નોઇ કી ધાની, મંડલી, તા.પચપદરા, તા.બાલોત્રા, જિલ્લા બદન, રાજસ્થાન) જણાવ્યું હતું.

તેની પૂછપરછ કરતા તેણે કન્ટેનરમાં દારૃનો જથ્થો ભર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે કન્ટેનરમાંથી રૃા.૧.૫૩ કરોડ કિંમતની ૬૦ હજાર દારૃની બોટલો સહિત કુલ રૃા.૧.૬૩ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ડ્રાઇવરે પોલીસને જણાવ્યું હતું કે તેના ઓળખીતા રાજુરામ મોડારામ બિશ્નોઇ (રહે.લુણી, તા.જોધપુર, રાજસ્થાન)એ ખાલી કન્ટેનર આપી ગોવા કુંદેઇમ ઇન્ડસ્ટ્રિયલ ખાતે મોકલ્યો હતો.

ગોવામાં ધર્મા નામની વ્યક્તિનો સંપર્ક કરી ત્યાંથી કન્ટેનરમાં દારૃનો  જથ્થો ભરીને ગુજરાતમાં અમદાવાદ તરફ જવાનું જણાવ્યું હતું અને તે મુજબ હું મહારાષ્ટ્રની નંદુરબાર બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશી અમદાવાદ તરફ જતો હતો. આ અંગે મંજુસર પોલીસમાં ગુનો દાખલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.