Get The App

વાઘ કરતાં સિંહો ગ્રુપમાં રહેતા હોવાથી સી.ડી.વી.નાં સંક્રમણનો મોટો ખતરો

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
વાઘ કરતાં સિંહો ગ્રુપમાં રહેતા હોવાથી સી.ડી.વી.નાં સંક્રમણનો મોટો ખતરો 1 - image

4 વાઘના મોત સીડીવીથી નીપજ્યાં હોવાનું જાહેર થયું હતું : વાઘ જુદા જુદા જંગલોમાં હોવાથી આખી પ્રજાતિ પર એકસાથે સંકટ નથી આવતું પણ સિંહ સીમિત વિસ્તારમાં હોવાથી રોગચાળો વ્યાપક સ્તરે ફેલાય તેવી ભીતિ

જૂનાગઢ, : એશિયાટિક લાયનના એકમાત્ર આશ્રયસ્થાન એવા ગીરની બોર્ડર પર સિંહોના રહસ્યમય મોત થતાં વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વન્યજીવ નિષ્ણાતોના મતે આ મોત પાછળ ઘાતક કેનાઈન ડિસ્ટમ્પર વાયરસ અથવા બેબેસિઓસીસ નામનું ટિક ઇન્ફેક્શન જવાબદાર હોઈ શકે છે. સીડીવી એ ભયંકર ચેપી રોગ છે. સિંહો મોટાભાગે ગ્રુપમાં રહેવા ટેવાયેલા હોય છે જેથી એક સિંહનું સંક્રમણ કેટલાય સિંહોને લાગુ પડે તેવો મોટો ભય છે, જ્યારે વાઘની પ્રજાતિ ગ્રુપમાં રહેવાના બદલે મોટાભાગે એકલા રહેવાનું પસંદ કરે છે. આવી સ્થિતિથી વાઘ કરતાં સિંહો પર સંક્રમણનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે.

સૌથી મોટો અને ચોંકાવનારો મુદ્દો એ છે કે, ગત મહિને જ મધ્યપ્રદેશના કુનો ટાઈગર રિઝર્વમાં એક માદા, ત્રણ પાઠડા (બચ્ચા) અને અન્ય એક નર વાઘનું કેનાઈન ડિસ્ટમ્પર વાયરસથી મોત થયું હોવાનું સત્તાવાર જાહેર કરાયું હતું, જ્યારે ગુજરાતનું વન તંત્ર હજુ સુધી એ સ્પષ્ટ નથી કરી શક્યું કે ગીરમાં સિંહો કયા રોગનો ભોગ બન્યા છે. 

ગીર-સોમનાથ અને અમરેલી ભૌગોલિક રીતે એકબીજા સાથે જોડાયેલા વિસ્તારો છે. નિષ્ણાંતો એવી ચેતવણી આપી રહ્યા છે કે, વાઘ સમગ્ર ભારતના જુદા જુદા જંગલોમાં ફેલાયેલા હોવાથી તેમની આખી પ્રજાતિ પર એકસાથે સંકટ નથી આવતું પરંતુ એશિયાટિક લાયન માત્ર ગુજરાતના આ એક જ સીમિત વિસ્તારમાં કેન્દ્રિત હોવાથી જો અહીં કોઈ રોગચાળો વ્યાપક સ્તરે ફેલાશે તો સમગ્ર સિંહ પ્રજાતિ પૃથ્વી પરથી નામશેષ થઈ જશે!