વિસાવદર રેન્જમાં સિંહણ, દિપડીના 2 બચ્ચાં અને દિપડાનું મોત નિપજ્યું

વન દિવસે શેડયુલ વનના ચાર પ્રાણીઓના મોતની ઘટના સામે આવતા ચકચાર.. જેતલવડ, કાલાવડ અને ચાપરડામાં છેલ્લા ત્રણ દિવસમાં ચાર વન્યપ્રાણીઓના મોત થતાં વન્યપ્રેમીઓમાં ભારોભાર રોષ
વિસાવદર : 21 માર્ચે વન દિવસની ઉજવણી થાય છે. વન દિવસે જ વિસાવદર પંથકમાં એકસાથે શેડયુલ વનના ચાર વન્યપ્રાણીઓના મોતની ઘટના સામે આવી છે. જેમાં છેલ્લા ૩ દિવસમાં જેતલવડના રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહણ, ચાપરડા માંથી એક દીપડો અને કાલાવડ માંથી દીપડીના બે બચ્ચા મળી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ છે.
વન દિવસે જ વિસાવદર ના ચાપરડા ગામના આંબાજળ પુલ નજીક થી એક દીપડાને માથાના ભાગે જીવાત પડી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો, અને તે અંગેની સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી હતી. ત્યારબાદ ગઈકાલે વિસાવદરના કાલાવડ ગામ નજીક રેવન્યુ વિસ્તારમાંથી એક જમીનના ખાડા માંથી બે દીપડાના બચ્ચાઓ મૃત હાલતમાં હોવાની સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી હતી, અને આ ઉપરાંત જેતલવડ ના રેવન્યુ વિસ્તારમાં એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે.
આ તમામ માહિતીઓ સ્થાનિકોએ વનતંત્રને આપી છે. જેથી વનતંત્રના ફેરણા સામે અનેક સવાલો ઉઠયા છે. દીપડાના બચ્ચાને માતાએ તરછોડી દીધા પરંતુ જો વન વિભાગના ફેરણામાં તરછોડાયેલા બચ્ચા ધ્યાનમાં આવ્યા હોત તો કદાચ બચ્ચાને બચાવી શકાયા હોત. ચાપરડા નજીક ઇનફાઇટમાં ઘાયલ દીપડો આમતેમ ભટકયા રાખ્યો અને અંતે મોતને ભેટયો. સિંહણનું મોત પણ શા કારણે થયું છે. તેની પણ હજુ વન વિભાગને જાણ નથી જેથી વનવિભાગના ફેરણા સામે અને વન્ય પ્રાણીઓની સલામતી ની ગુલબાંગો સામે સવાલો ઉઠયા છે.
સિંહણના મૃતદેહ રેવન્યુ વિસ્તારમાંથી મળી આવ્યો છે જ્યાં ખેડૂતોના પાણીના નિકાલની જગ્યા છે. તેની નજીકથી મૃતદેહ મળ્યો છે મૃતદેહની પીએમની કાર્યવાહી હાલ ચાલી રહી છે. પરંતુ સિંહણનું મોત કયા કારણથી થયું છે. તે હજી સામે આવ્યું નથી. જ્યારે દિપડાના બચ્ચા ના મોત અંગે વનવિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે બંને બચ્ચાઓને માતા દીપડીએ તરછોડી દીધા હોય અને ભૂખ અને તરસ ના કારણે દોઢથી બે માસના દીપડાના મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ ઉપરાંત ચાપરડા નજીક મળી આવેલ દિપડો નો મૃત્યુ પણ ઇનફાઇટમાં હોય તેવો વનવિભાગ દાવો કરી રહ્યું છે. આમ વન દિવસે ચારચાર પ્રાણીઓના મોતની ઘટના સામે આવી છે. જેથી સિંહ પ્રેમીઓએ સવાલો ઉઠાવ્યા છે કે સિંહ દિવસ, પર્યાવરણ દિવસ, વન દિવસ ની ઉજવણી કરવી કે તેનું માતમ મનાવવું.




