Gujarat

ખાતર ઉપર દિવેલ જેવો ઘાટ, પીરાણાની કચરાની ડમ્પસાઈટ ઉપરના વે-બ્રીજ દસ વર્ષના કોન્ટ્રાકટથી આપી દેવાશે

By GS Team
23 Feb 20222 mins read
This article was originally published on 23 Feb 2022
ખાતર ઉપર દિવેલ જેવો ઘાટ, પીરાણાની કચરાની  ડમ્પસાઈટ ઉપરના વે-બ્રીજ દસ વર્ષના કોન્ટ્રાકટથી આપી દેવાશે

અમદાવાદ,મંગળવાર,22 ફેબ્રુ,2022

અમદાવાદ શહેરની કચરાના નિકાલ માટેની પીરાણા ખાતે આવેલી મુખ્ય ડમ્પસાઈટને સંપૂર્ણ કચરામુકત કરવાનીવાતોની વચ્ચેડમ્પસાઈટ ઉપર આવેલા કચરાના વજન માટેના હયાત ત્રણ વે-બ્રીજ ઉપરાંત બે નવા વે-બ્રીજ બનાવી કુલ પાંચ વે-બ્રીજ મેનપાવર આપવા ઉપરાંત ઓપરેશન અને મેઈન્ટેઈનન્સની કામગીરી માટે દસ વર્ષના સમય માટે કોન્ટ્રાકટથી આપવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.કામગીરી પાછળ થનાર ખર્ચ મ્યુનિ.તંત્ર ભોગવશે.

ત્રણ દાયકાથી પણ વધુના સમયથી સમગ્ર અમદાવાદ શહેરમાંથી એકત્રિત કરવામાં આવતા કચરાને પીરાણા ખાતે આવેલી મુખ્ય ડમ્પસાઈટ ખાતે પહોંચાડી તેનું પ્રોસેસીંગ કરવામાં આવી રહ્યુ છે.કુલ ૮૦ એકર જમીનમાં પથરાયેલા અમદાવાદ શહેરમાંથી એકત્રિત કરાયેલા કચરા પૈકી ૨૦ એકર જમીનને કચરામુકત કરાઈ હોવાનો મ્યુનિ.તંત્ર અને સત્તાધીશો તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે.વર્ષ-૨૦૨૦માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પીરાણાની લેન્ડફીલ સાઈટને સંપૂર્ણ કચરામુકત કરવા એક વર્ષની સમયમર્યાદા આપી હતી.આ સમય મર્યાદામાં વધુ બે વર્ષની મુદત મળતા ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં પીરાણા ડમ્પસાઈટને સંપૂર્ણ કચરામુકત કરવાની થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડવેસ્ટમેનેજમેન્ટ વિભાગ તરફથી ૨૧ ફેબુ્રઆરી-૨૦૨૨ના રોજ ઈ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.પીરાણા ડમ્પસાઈટ સુધી શહેરના વિવિધ સ્પોટ ઉપરથી ઉપાડવામાં આવતા કચરાને સ્પોટ ટુ ડમ્પ પધ્ધતિથી પીરાણા લેન્ડફીલ સાઈટ સુધી  કોન્ટ્રાકટરો દ્વારા પહોંચાડવામાં આવે એ સમયે કચરાનું વે-બ્રીજ ઉપર વજન કરવામાં આવે છે.હાલમાં મ્યુનિ.ના પોતાના ત્રણ વે-બ્રીજ કાર્યરત છે.જેમાં દેવ હોટલ સામે,નારોલ-સરખેજ રોડ, અસદ ટેકસટાઈલ પાસે,પીપળજ-પીરાણા રોડ અને લેન્ડફીલ સાઈટ સાઈટ પાસે,પીપળજ-પીરાણારોડનો સમાવેશ થાય છે.

મ્યુનિ.દ્વારા હાલના ત્રણ વે-બ્રીજ ઉપરાંત નવા બે વે-બ્રીજ બનાવવા ઉપરાંત કુલ પાંચ વે-બ્રીજ ઉપર ત્રણ શિફટમાં ફરજ બજાવી શકે એ માટે જનરલ મેનેજર.સુપરવાઈઝર,સ્વીપર અને સિકયુરીટી ગાર્ડ સહિત કુલ છ કર્મચારી એમ કુલ મળીને ત્રણ શિફટના ૧૮ કર્મચારી તથા પાંચ વે-બ્રીજ માટે ૯૦ કર્મચારી ટેન્ડર મેળવનાર કોન્ટ્રાકટરે પુરા પાડવાના રહેશે.આ તમામને ફેકટરી એકટ મુજબ પગાર આપવાથી લઈ બોનસ અને પ્રોવિડન્ડફંડ કપાત કરી આપવાની રહેશે.

કલીનેસ્ટ સિટી બનાવવાની કામગીરીમાંથી મ્યુનિ.સ્ટાફની બાદબાકી

એક તરફ તો વર્ષ-૨૦૨૩ સુધીમાં અમદાવાદ શહેરને દેશનું કલીનેસ્ટ સિટી બનાવવાની મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ-૨૦૨૨-૨૩ માટે રજૂ કરવામાં આવેલા ડ્રાફટ બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી.બીજી તરફ કચરાનું વજન કરવાની કામગીરી માટેના વે-બ્રીજ ઉપર કોન્ટ્રાકટરના માણસોને ફરજ સોંપાશે.ભવિષ્યમાં કોન્ટ્રાકટરના માણસો મ્યુનિ.માં કાયમી કરવાની માંગણી કરી શકે છે.

કોન્ટ્રાકટરના માણસો કચરાનું વજન વધારે બતાવી શકે છે

મ્યુનિ.દ્વારા કુલ પાંચ વે-બ્રીજ માટે ઈ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.વે-બ્રીજ ઉપર ખાનગી કોન્ટ્રાકટરના માણસો સ્પોટ ટુ ડમ્પ પધ્ધતિથી કચરો લઈ આવ્યા બાદ નજીકના ભૂતકાળમાં જેમ કચરાનું વજન ઓછુ હોવા છતાં વધારે બતાવવાના કીસ્સા સામે આવતા કોન્ટ્રાકટરોને મ્યુનિ.તંત્રે નોટિસ આપી હતી.આ પ્રકારના બનાવ ભવિષ્યમાં બનશે તો કોન્ટ્રાકટર સામે શું કાર્યવાહી કરાશે?એ અંગે મ્યુનિ.તંત્રમાં કોઈ બોલવા તૈયાર નથી.