Gujarat

‘જયેશભાઈ જોરદાર’નો ગુજરાતી એક્ટર હત્યાનો વૉન્ટેડ આરોપી નીકળ્યો, 12 વર્ષ બાદ અમદાવાદમાં ઝડપાયો

By GS TEAM
21 May 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા શાતિર ગુનેગારની ધરપકડ કરી છે, જેની કહાની કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી જ રસપ્રદ છે. છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી મુંબઈમાં કલાકાર તરીકે ઓળખ બનાવીને નાસતો ફરતો આજીવન કેદની સજાનો પાકો કેદી આખરે પોલીસના સિકંજામાં આવી ગયો છે. ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસેથી ઝડપાયેલા હેમંત મોદી નામના ગુજરાતી કલાકારની અસલી ઓળખ સામે આવતાં ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘જયેશભાઈ જોરદાર’નો ગુજરાતી એક્ટર હત્યાનો વૉન્ટેડ આરોપી નીકળ્યો, 12 વર્ષ બાદ અમદાવાદમાં ઝડપાયો

Life Convict Turned Film Actor Arrested in Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા શાતિર ગુનેગારની ધરપકડ કરી છે, જેની કહાની કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી જ રસપ્રદ છે. છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી મુંબઈમાં કલાકાર તરીકે ઓળખ બનાવીને નાસતો ફરતો આજીવન કેદની સજાનો પાકો કેદી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસેથી ઝડપાયેલા હેમંત મોદી નામના ગુજરાતી કલાકારની અસલી ઓળખ સામે આવતાં ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.

વર્ષ 2005માં નરોડામાં કરી હતી હત્યા

મળતી માહિતી અનુસાર, આ સમગ્ર ગુનાઈત મામલાની શરૂઆત વર્ષ 2005માં થઈ હતી, જ્યારે હેમંત મોદીએ અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ઘાતકી હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો. આ મામલે કોર્ટે તેને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારતા તેને મહેસાણા જેલમાં મોકલી અપાયો હતો. જેલવાસ દરમિયાન માનસિક રીતે તૂટી ગયેલા હેમંતે પોતાની પત્ની સાથે છૂટાછેડા પણ લઈ લીધા હતા, કારણ કે તેને લાગતું હતું કે હવે તેની આખી જિંદગી જેલના સળિયા પાછળ જ પૂરી થઈ જશે. જો કે, વર્ષ 2014માં તેને કોર્ટ તરફથી પેરોલ મળ્યા હતા. જેલની બહાર આવતાં જ તેણે પાછા ફરવાને બદલે કાયમ માટે ગાયબ થઈ જવાનો પ્લાન બનાવી લીધો હતો.


મુંબઈમાં ઓળખ છુપાવીને ‘સ્ટ્રગલિંગ એક્ટર’ બન્યો

પેરોલ જમ્પ કરીને ભાગ્યા બાદ હેમંત સીધો મુંબઈ પહોંચ્યો હતો. ત્યાં તેણે પોતાનો લોહિયાળ ભૂતકાળ છુપાવીને એક સામાન્ય સ્ટ્રગલિંગ એક્ટર તરીકે નાટકો અને ફિલ્મી દુનિયામાં નસીબ અજમાવવાનું શરૂ કર્યું હતું. એવું કહેવાય છે કે, આ દરમિયાન તેણે પોતાની ઓળખ છુપાવીને ‘સ્પંદન મોદી’ નામ રાખી લીધું હતું. ઈન્ટરનેટ ડેટા બેઝમાં પણ તેણે કરેલી ફિલ્મોમાં આ જ નામની ક્રેડિટ અપાઈ હોવાનું જોવા મળે છે.  

નવાઈની વાત એ છે કે, જે પોલીસ રેકોર્ડમાં તે એક મોટો વોન્ટેડ ગુનેગાર હતો, તે જ સમયે તે મોટા પડદા પર બોલિવૂડની 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન', 'જયેશભાઈ જોરદાર' અને ‘53મું પાનું’  જેવી ફિલ્મોમાં રણવીર સિંહ, આમિર ખાન અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું. આ ઉપરાંત અનેક હિન્દી સીરિયલો અને નાટકોમાં પણ નાની-મોટી ભૂમિકાઓ કરી. આશ્ચર્યની વાત એ છે કે, આ દરમિયાન તેણે ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું, પરંતુ કોઈને અણસાર સુદ્ધા ના આવ્યો કે, આ શખસ ગંભીર ગુનામાં ફરાર ગુનેગાર છે. 

ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસે ક્રાઈમ બ્રાન્ચે ગોઠવી જાળ

લાંબા સમયથી ગુમ થયેલો આ પાકો કેદી અમદાવાદમાં જ ક્યાંક છુપાયો હોવાની અને કોઈને મળવા આવવાનો હોવાની ચોક્કસ બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે ટેક્નિકલ સર્વેઇલન્સ ગોઠવ્યું અને તેના જૂના સંપર્કોની કડીઓ જોડીને વોચ રાખવાનું શરૂ કર્યું હતું. આખરે ઘી કાંટા મેટ્રો સ્ટેશન નજીક ક્રાઈમ બ્રાન્ચે ગોઠવેલી જાળમાં હેમંત મોદી આબાદ ફસાઈ ગયો હતો. તે ઝડપાયો ત્યારે પણ તેણે ‘અભિનય કળા’ના જોરે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, આ કારીગરી ચાલી નહીં અને તેણે પોલીસ સમક્ષ તમામ કબૂલાત કરી લીધી. હવે પોલીસે તેને ફરી જેલ ભેગો કરવાની તજવીજ હાથ ધરી છે.