Get The App

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ પકડી પાડ્યો

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ પકડી પાડ્યો 1 - image

Jamnagar Liquor Crime : જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં ગઈ મોડી રાત્રે દારૂ અંગે દરોડો પાડી ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં એકસયૂવી કારના ચોર ખાનામાં સંતાડીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડી પાડ્યો છે. 408 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને કાર સહિત રૂપિયા 8 લાખની માલમત્તા કબજે કરી લઇ બે શખ્સોને પકડી પાડ્યા છે, અને તેઓની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

જામનગર શહેરના કૃષ્ણા પાર્ક ગેટ પાસે એલ.સી.બી. દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં એક્સ.યુ.વી. કારના ગુપ્ત ખાના (ચોરખાના)માંથી માતબર ઇંગ્લીશ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. લાલપુર બાયપાસ નજીક કૃષ્ણા પાર્ક ગેટની અંદર રોડ પરથી જી.જે 05 જે.ઇ. 5121 નંબરની કારને ઝડપી પાડી હતી. કારની તપાસ કરતા તેમાં બનાવેલા ચોરખાનામાંથી કુલ 408 બોટલ ઇંગ્લીશ દારૂ (રૂ.3,66,120), ત્રણ મોબાઇલ ફોન (રૂ.40,000) તથા એક કાર (રૂ.4,00,000) મળી કુલ રૂ.8,06,120નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ બનાવમાં કપીલ કિશનપાલ શાકલા (ઉંમર 30, રહે. ભીંડસી ગામ, સોહના, ગુડગાંવ, હરિયાણા) અને કૃપાશંકર શર્મા (ઉંમર 57, રહે. અમેઠી, ઉત્તર પ્રદેશ) ને ઝડપી લેવાયા છે. જેઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ દારૂનો જથ્થો ગુડગાંવ સ્થિત દુકાનમાંથી લાવ્યો હોવાનું તથા જામનગરના વિશાલ પ્રવિણભાઈ માવને પહોંચાડવાનો હોવાનું ખુલાસો કર્યો છે. હાલ આ સંડોવાયેલા અન્ય આરોપીની ધરપકડ માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે.