લાઠીદડના કપડાના વેપારી સાથે રૂ.14.98 લાખની છેતરપિંડી

બોટાદ ગ્રામ્ય પોલીસ મથકમાં બે શખ્સો સામે ફરિયાદનોંધાઈ
વેપારી બીલ બનાવતા હતા ત્યારે લાખોની કિંમતના કપડા લઈને ચેક આપ્યા વિના જસદણનો શખ્સ રફૂચક્કર થયો
બોટાદના લાઠીદડ ખાતે રહેતા અને કપડાનો વ્યવસાય કરતા વિનોદભાઈ કુરજીભાઈ સાકરીયાએ બોટાદ ગ્રામ્ય પોલીસ મથકમાં અમીન ઉર્ફે નવાબ ઈકબાલભાઈ જીવાણી અને પ્રદિપ મનસુખભાઈ વઘાસીયા (બન્ને રહે.જસદણ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમને જસદણમાં રેડિમેઈડ કપડાનો વેપાર કરવો હોવાથી તેમના સંબંધિ થકી તેઓ ઉક્ત પ્રદિપભાઈના સંપર્કમાં આવ્યા હતા અને તેમણે તેના મિત્ર ઉક્ત અમીનભાઈનો સંપર્ક કરાવી કોઈ ચિંતા કર્યાં વગર જેટલો માલ જોઈતો હોય તે આપી દેજો તે તમને ચેક આપી દેશે તેવી જવાબદારી લીધી હતી. જે બાદ ગત તા.૧૪-૧૦ના રોજ ઉક્ત અમીનભાઈ જીજે-૧૮-એઝેડ-૬૮૩૫ નંબરનું પીકઅપ વાહન લઈને લાઠીદડ આવી રૂ.૧૪,૯૮,૫૩૦ની કિંમતના રેડિમેડ કપડા લીધાં હતા અને તેઓ બીલ બનાવતા હતા તે દરમિયાન અમીનભાઈ પીકઅપ વાહન લઈને જતા રહ્યાં હતા. જે બાદ તેમને ફોન કરી અવારનવાર પૈસાની માંગણી કરતા આજદીન સુધી પૈસા નહી આપી વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી. આ અંગે બોટાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









