Gujarat

ચંદ્રાલા નજીક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૃનો મોટો જથ્થો પકડાયો

By GS TEAM
29 Aug 20252 mins read
ચંદ્રાલા નજીક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૃનો મોટો જથ્થો પકડાયો

પોલીસથી બચવા માટે બુટલેગરોનો નવો કીમિયો

ચિલોડા પોલીસે પીછો કરતા બ્રિજ નીચે એમ્બ્યુલન્સ મૂકીને ચાલક ફરાર થઈ ગયો ઃ ૩.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે હવે એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૃનો મોટો જથ્થો પકડાયો છે. પોલીસે બાતમીના આધારે એમ્બ્યુલન્સનો પીછો કરતા તેનો ચાલક ચંદ્રલા પાસે મૂકીને ભાગી ગયો હતો. જેમાંથી ૩૩૩ જેટલી દારૃ બિયરની બોટલ મળી આવી છે.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરીને આવા દારૃના જથ્થાને પકડી રહી છે. ખાસ કરીને ગાંધીનગર નજીક હિંમતનગરથી ચિલોડા તરફ આવી રહેલા હાઈવે ઉપર વાહનોમાં દારૃની હેરાફેરી વધતી હોય છે અને પોલીસ દ્વારા અવારનવાર ચેકિંગ કરીને આવા વાહનો પકડવામાં આવતા હોય છે. જેને લઇ હવે બુટલેગરો પણ પોલીસથી બચવા માટે નવા નવા કિમીયા અપનાવી રહ્યા છે. આ સ્થિતિમાં ગઈકાલે ચિલોડા પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, હિંમતનગર તરફથી આવી રહેલી એક એમ્બ્યુલન્સમાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો છે અને તે ચિલોડા તરફ જઈ રહી છે. જેના પગલે ચંદ્રલા પાસે વાહન ચેકિંગ કરી રહેલી પોલીસે આ એમ્બ્યુલન્સને ઉભી રહેવા માટે ઇશારો કર્યો હતો. જોકે તે ઊભી રહી ન હતી અને રાત્રે અંધારું હોવાથી બ્રિજ નીચે એમ્બ્યુલન્સ મૂકીને તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે આ એમ્બ્યુલન્સમાં તપાસ કરતા દારૃ અને બિયરની ૩૩૩ જેટલી બોટલો મળી આવી હતી. જેથી ૧.૧૨ લાખનો દારૃ અને એમ્બ્યુલન્સ મળીને ૩.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જે સંદર્ભે હાલ ગુનો દાખલ કરીને નંબરના આધારે બુટલેગરોની શોધખોર શરૃ કરવામાં આવી છે.