Gujarat

દહેગામના મકાનમાંથી ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી લેવાયો

By GS TEAM
9 Sep 20252 mins read
દહેગામના મકાનમાંથી ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી લેવાયો

ઉતરાયણમાં કાર્યવાહીથી બચવા માટે મંગાવેલો

પોલીસે ૨૪૦ જેટલી રીલ જપ્ત કરીને વેપારી સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કર્યો

ગાંધીનગર :  ઉતરાયણ પર્વમાં ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના જીવ જતા હોય છે ત્યારે પોલીસથી બચવા માટે ઉતરાણ પહેલા જ ચાઈનીઝ દોરીનો જથ્થો ઘરે લાવનાર દહેગામના વેપારીને પોલીસે ઝડપી લીધો છે અને તેની પાસેથી ૨૪૦ જેટલી ચાઈનીઝ દોરી કબજે કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઉતરાણ પર્વમાં ચીનમાંથી આવતી ઘાતક દોરીને કારણે પશુ પક્ષીઓની સાથે નિર્દોષ મનુષ્યના પણ જીવ જઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે આ દોરી ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને ઉતરાયણ પર્વ પહેલા પોલીસ દ્વારા આ દોરીને પકડવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે પરંતુ હવે વેપારીઓ પણ પોલીસને ચકમો આપવા માટે ઉત્તરાયણ પર્વ પહેલા જ ચાઈનીઝ દોરીનો જથ્થો લાવીને સંતાડી રહ્યા છે ત્યારે દહેગામ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, દહેગામના સાત ગરનાળા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ ગણેશભાઈ દંતાણી તેમના ઘરે ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો લાવ્યા છે અને સંતાડી રાખ્યો છે. જે બાતમીના આધારે પોલીસ ટીમ અહીં પહોંચી હતી અને તેમના ઘરે તપાસ કરતા પાંચ ખાખી કલરના બોક્સમાં ૨૪૦ જેટલી ચાઈનીઝ દોરીના રીલ મળી આવ્યા હતા. જેથી પોલીસે ૯૬ હજાર રૃપિયાના આ રોલ કબજે કર્યા હતા અને આ જથ્થા સંદર્ભે કમલેશની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, ઉતરાયણ પર્વ દરમિયાન પોલીસની તપાસ વધારે હોવાથી અને વાહન ચેકિંગ થતું હોવાને કારણે તેણે અગાઉથી જ ચાઈનીઝ દોરીનો જથ્થો ઘરે લાવી રાખ્યો હતો.

જે ઉતરાયણ પર્વમાં વેચવાનો હતો. જોકે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે મામલે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.