Get The App

કુડાસણના સ્પાનો સંચાલક મિત્રની કાર લઈને ફરાર ઃ છેતરપિંડીનો ગુનો

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
કુડાસણના સ્પાનો સંચાલક મિત્રની કાર લઈને ફરાર ઃ છેતરપિંડીનો ગુનો 1 - image

ચાર મહિના અગાઉ બહારગામ જવું છે તેમ કહીને

વારંવાર સંપર્ક કરવા છતાં પતો નહીં લાગતા આખરે કાફેના સંચાલકે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં કાફેના સંચાલક યુવાન દ્વારા સ્પાનું સંચાલન કરતાં મિત્રને બહારગામ જવા માટે ચાર મહિના અગાઉ કાર આપવામાં આવી હતી. જોકે હજી સુધી આ યુવાન પરત ફર્યો નથી અને તેના પતો નહીં લાગતા આખરે ઈન્ફોસિટી પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ આપી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સેક્ટર ૧૪માં રહેતા અને કુડાસણ સરદાર ચોક ખાતે કાફે ચલાવતા શ્રુત રાકેશભાઈ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેની હોટલની ઉપર જ આવેલા એક સ્પાના સંચાલક મંથનકુમાર મયુરભાઈ નાયક રહે. જાદર, ઈડર સાથે તેને છેલ્લા દોઢ વર્ષથી પરિચય હતો. આ પરિચય અને મિત્રતાના કારણે મંથન અવારનવાર તેની ગાડી બહારગામ જવા માટે લઈ જતો હતો. ગત ૧૫ નવેમ્બરના રોજ સવારે મંથન આવ્યો હતો અને બહારગામ જવું છે તેમ કહી તેની ગાડી લઈ ગયો હતો. સાંજે પરત ન આવતા ફોન પર વાતચીત થઈ ત્યારે તેણે ૨-૩ દિવસમાં પરત આવવાનું કહી વાયદો કર્યો હતો.

ત્યારબાદ લાંબો સમય વીતવા છતાં ગાડી પરત મળી ન હતી. જ્યારે પણ શ્ત ફોન કરતો ત્યારે મંથન ક્યારેક ફોન બંધ રાખતો તો ક્યારેક હું કામમાં ફસાયો છું, આવીને ગાડી આપી દઈશ તેવા ખોટા બહાના બતાવી સમય પસાર કરતો હતો. છેવટે કંટાળીને મંથનના ઘરે જાદર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે ઘરે પણ હાજર નથી અને તે ક્યાં છે તેની પરિવારને પણ જાણ નથી. જેથી તેની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાનું લાગતા ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને મંથનની શોધખોળ શરૃ કરવામાં આવી છે.