જાણો, પોલેન્ડમાં ગુજરાતના આ રાજવીના નામે છે રસ્તાઓ અને પાર્ક, પોલેન્ડવાસીઓ તેમની માનવતાને આજે પણ ભૂલ્યા નથી

વારસા,21 માર્ચ,2022,સોમવાર
રશિયા- યુક્રેન યુધ્ધના પગલે 20 હજારથી વધુ ભારતીય સ્ટુડન્ટસ યુક્રેનમાં ફસાયા હતા. યુક્રેનના પાડોશી દેશ પોલેન્ડે સ્ટુડન્ટસને આશરો આપીને સહી સલામત ભારત પહોંચાડવામાં ખૂબ મદદ કરી છે. જો કે આ જાણીને નવાઇ લાગશે તે ગુજરાતના જામનગર અને પોલેન્ડને દાયકાઓ જુનો સંબંધ છે. એટલું જ નહી જામનગરના રાજા દિગ્વિજયસિંહજીના નામ પર પોલેન્ડમાં ઘણા પાર્ક અને રસ્તાઓ છે.
ઇસ 1939માં બીજા વિશ્વયુધ્ધ દરમિયાન જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો હતો. જર્મનીએ સોવિયત સંઘ સાથે સંધી કરી કરતા સોવિયત સંઘ પણ પોલેન્ડ પરના હુમલામાં જોડાયું હતું. સોવિયત સંઘ અને જર્મની ખૂબજ શકિતશાળી હોવાથી પોલેન્ડ યુધ્ધમાં ટકી શકયું નહી. સેંકડો પોલીશ સૈનિકોના મોત થયા અને યુધ્ધના કારણે અનાથ બાળકો કેમ્પોમાં રહેવા મજબૂર બન્યા હતા.
સોવિયત સંઘે અચાનક જ કેમ્પો છોડીને બાળકોને જતા રહેવાનો આદેશ કરતા પોલેન્ડના બાળકો જીવ બચાવીને ભાગ્યા હતા. પોલેન્ડ સરકારના દસ્તાવેજ મુજબ યુધ્ધ પીડિત બાળકો અંગે બ્રિટીશ વોર કેબિનેટમાં આની ચર્ચા થઇ જેમાં નવાનગર (જામનગર)ના રાજા દિગ્વિજયસિંહ જાડેજા પણ હતા.
વાયા તુર્કમેનિસ્તાનના અશગબાતથી ટ્રકોમાં બેસાડીને મુંબઇ લાવવામાં આવ્યા હતા

એ સમયે ગુજરાતના જામનગરને નવાનગર રજવાડા તરીકે ઓળખવામાં આવતું હતું. દિગ્વિજયસિંહએ આ બાળકોને પોતાના રજવાડામાં આશ્રય આપવાનો પ્રસ્તાવ બ્રિટીશ સરકાર સમક્ષ મુકયો હતો. પોલેન્ડના યુધ્ધ પીડિત બાળકોને રેડક્રોસ, બોંબ પોલિશ કોન્સૂલેટ અને બ્રિટીશ સરકારની મદદથી ભારત લાવવાની વ્યવસ્થા ગોઠવાઇ હતી.
વાયા તુર્કમેનિસ્તાનના અશગબાતથી ટ્રકોમાં બેસાડીને મુંબઇ લાવવામાં આવ્યા હતા. દિગ્વિજયસિંહે આ બાળકોને જામનગરથી 25 કિમી દૂર બાલાછડી ગામમાં આશરો આપ્યો હતો. ઇસ 1942ની શરુઆતમાં પ્રથમ વાર 170 બાળકો બાલાછડી પહોંચ્યા હતા જયારે કુલ બાળકો 1000 જેટલા હતા. નવાનગરના મહારાજાએ કહયું હતું કે આ બાળકો અનાથ નથી તેમના પિતા ખુદ છે. આ બાળકો માટે અલગ રુમ આપવામાં આવ્યા તેમને ખાવા પીવાથી માંડીને તમામ વ્યવસ્થા રાજ દ્વારા પુરી પાડવામાં આવતી હતી.

રાજાએ બાળકો માટે એક વિશાળ લાયબ્રેરી તૈયાર કરી હતી જેમાં પોલિશ ભાષાના પુસ્તકો પણ હતા. બાળકો પોતાની માતૃભાષા ભૂલી ના જાય તેની કાળજી રાખવામાં આવી હતી. તેઓ ફૂટબોલ રમી શકે તે માટે વિશાળ ફૂટબોલ ગ્રાઉન્ડ તૈયાર કર્યુ હતું.
બાલાછડી ગામમાં મહારાજા આ બાળકો સાથે ખૂબ સમય વિતાવતા હતા એટલું જ નહી પોલેન્ડના રીત રિવાજો અને તહેવારો પણ ઉજવાતા હતા.1945માં વિશ્વ યુધ્ધ સમાપ્ત થતા પોલેન્ડ સરકારે બાળકોને પરત મોકલવાની મહારાજાને વિનંતી કરી હતી. પરીસ્થિતિ થાળે પડતા બાળકોને ક્રમશ પોલેન્ડ મોકલવામાં આવ્યા હતા. મહારાજાએ આના માટે કયારેય પોલેન્ડ સરકાર પાસે આર્થિક મદદ માંગી ન હતી.
યુધ્ધ જેવા નાજૂક સમયમાં બાળકોને આશરો આપનારા રાજવીને પોલેન્ડવાસીઓ આજે પણ ભૂલ્યા નથી. આશરો લેનારા હયાત બાળકો 80 વર્ષને પાર કરી ગયા છે તેવો પોતાનું આ સંભારણું આજે પણ યાદ કરતા રહે છે.





