Gujarat

વડોદરાના ગેસ્ટહાઉસમાં રિવોલ્વર, રોકડ,મોબાઇલ મૂકી ફરાર થયેલો કિરીટ અમદાવાદમાં પકડાયો

By GS TEAM
1 Dec 20252 mins read
વડોદરાના ગેસ્ટહાઉસમાં   રિવોલ્વર, રોકડ,મોબાઇલ મૂકી ફરાર થયેલો કિરીટ અમદાવાદમાં પકડાયો

વડોદરાઃ વડોદરા બસ ડેપો નજીકના ગેસ્ટ હાઉસમાં રિવોલ્વર,કારતૂસ,રોકડ સહિતની ચીજો છોડીને ચેકઆઉટ કરી ફરાર થઇ ગયેલો કિરીટ પટેલ અમદાવાદ પોલીસના હાથે રિવોલ્વર,કારતૂસ અને રોકડ સાથે પકડાતાં તેને વડોદરા લાવવા તજવીજ કરાઇ છે.

વડોદરા સેન્ટ્રલ  બસ ડેપો ખાતે આવેલા ઇન એન્ડ આઉટ ડોરમેટરી નામના ગેસ્ટહાઉસમાં રહેતો ઇડરના ઉમેદપુર ગામનો કિરીટ પ્રભુદાસ પટેલ રિવોલ્વરની હેરાફેરી કરતો હોવાની વિગતો બહાર આવી છે.વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગેસ્ટહાઉસમાં દરોડો પાડયો તે પહેલાં કિરીટ પટેલ ચેકઆઉટ કરીને ચાલ્યો ગયો હતો.

તો બીજીતરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કિરીટ પટેલને પાલડી વિસ્તારમાંથી રિવોલ્વર,૪૫ કારતૂસ અને રોકડા રૃ.૧૬ હજાર સાથે ઝડપી પાડયો હતો.પ્રાથમિક પૂછપરછમાં તેણે વડોદરાના ગેસ્ટહાઉસમાં રિવોલ્વર અને કારતૂસ છૂપાવ્યા હોવાની વિગતો કબૂલી હતી.

કિરીટ પટેલને  ૮૫ લાખના ચેક રિટર્નના કેસમાં અઢી વર્ષની સજા થઇ હોવાની અને વર્ષ-૨૦૨૨માં ૧૫ દિવસના વચગાળાના જામીન પર છૂટીને ફરાર થઇ ગયો હોવાની વિગતો બહાર આવી હતી.કિરીટે એમપીથી રિવોલ્વર મંગાવી હોવાની વિગતો ખૂલતાં સયાજીગંજ પોલીસ દ્વારા તેને વડોદરા લાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

કિરીટ પટેલ વડોદરા પોલીસના ધ્યાનમાં કેમ ના આવ્યો

કિરીટ પટેલની પૂછપરછ દરમિયાન તેનો વડોદરા સાથેના સંપર્કની વિગતો ખૂલી હતી.જેથી પોલીસ માટે કિરીટ કેટલા વખતથી આવતો હતો અને કોેન મળતો હતો તે તપાસનો વિષય બન્યો છે.

કિરીટ પટેલની અમદાવાદ પોલીસે પૂછપરછ કરતાં તે એક વર્ષ પહેલાં તે વડોદરામાં રહેતો હતો ત્યારે રિવોલ્વર મેળવી હોવાની વિગતો બહાર આવી હતી.આ ઉપરાંત અમદાવાદ  પોલીસની તપાસમાં તેણે બીજીએક રિવોલ્વર અને ૧૯ કારતૂસ વડોદરાના ગેસ્ટહાઉસમાં છુપાવી હોવાની કબૂલાત કરી હતી.

આમ,હથિયારોની હેરાફેરી કરતા કિરીટ પટેલ વડોદરામાં વારંવાર આવતો હોવા છતાં અને ગેસ્ટ હાઉસોમાં પોલીસ દ્વારા વારંવાર ચેકિંગ ચાલતું હોવા છતાં તે નજરે ચઢ્યો નહતો.