કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી વચ્ચે શું છે તફાવત? જાણો કોની પાસે કેટલો 'પાવર'

Gujarat Cabinet Reshuffle: ગુજરાતમાં શુક્રવારે (17 ઑક્ટોબર) મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેબિનેટ મંત્રી (Cabinet Minister) અને રાજ્ય મંત્રી(Minister of State - MoS)ના પદની જાહેરાત કરવામાં આવી રહી છે. જેમાં 1 નાયબ મુખ્યમંત્રી, 8 કેબિનેટ મંત્રી, 3 રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) અને 13 રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. જોકે, આ તેમના પદો વચ્ચે સત્તા, જવાબદારી અને કાર્યક્ષેત્રની દૃષ્ટિએ મોટો તફાવત હોય છે. સરકારના નીતિ-નિર્ધારણ પ્રક્રિયામાં કેબિનેટ મંત્રીનું પદ સર્વોચ્ચ માનવામાં આવે છે.
કેબિનેટ મંત્રી: 'કોર કમિટી'ના સભ્ય
કેબિનેટ મંત્રીઓ મંત્રીમંડળની સૌથી ઊંચી કક્ષાના સભ્યો હોય છે. તેમને સંરક્ષણ, નાણાં, ગૃહ, વિદેશ જેવા મહત્ત્વપૂર્ણ મંત્રાલયોનો સંપૂર્ણ હવાલો સોંપવામાં આવે છે.
આ પણ વાંચોઃ ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: 26માંથી 21 મંત્રીએ શપથ લીધા, જાણો કારણ
નીતિ નિર્ધારણ: કેબિનેટ મંત્રીઓ સરકારના કોર ગ્રૂપ અથવા કેબિનેટનો ભાગ હોય છે. તેઓ નિયમિતપણે કેબિનેટની બેઠકોમાં ભાગ લે છે અને સરકારના તમામ મોટા નિર્ણયો અને નીતિઓ ઘડવામાં તેમની સીધી ભૂમિકા હોય છે.
જવાબદારી: તેઓ પોતાના મંત્રાલયની કામગીરી અને નીતિઓ માટે સંપૂર્ણપણે જવાબદાર હોય છે.
રાજ્ય મંત્રી: બે ભૂમિકામાં કાર્યરત
રાજ્ય મંત્રીઓનું પદ કેબિનેટ મંત્રીના પદ કરતાં નીચું હોય છે અને તેમની ભૂમિકા મુખ્યત્વે બે પ્રકારની હોય છે:
- સ્વતંત્ર પ્રભારી (Independent Charge): આ રાજ્ય મંત્રીઓ કોઈ નાના અથવા ઓછા મહત્ત્વના મંત્રાલયના સંપૂર્ણ પ્રભારી હોય છે. જોકે, તેમના મંત્રાલય પર કોઈ કેબિનેટ મંત્રી હોતા નથી. આવા કિસ્સામાં, તેઓ પોતાના વિભાગના સંદર્ભમાં સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે છે, પરંતુ કેબિનેટની બેઠકમાં તેઓ નિયમિતપણે હાજરી આપતા નથી (સિવાય કે તેમને આમંત્રણ આપવામાં આવે).
- કેબિનેટ મંત્રીના મદદનીશ: આ પ્રકારના રાજ્ય મંત્રીઓ કોઈ ચોક્કસ કેબિનેટ મંત્રી સાથે જોડાયેલા હોય છે અને તેમના મંત્રાલયના ચોક્કસ કાર્યો અથવા વિભાગોમાં કેબિનેટ મંત્રીને મદદ કરે છે. તેમની સત્તા અને જવાબદારીઓ કેબિનેટ મંત્રી દ્વારા સોંપાયેલા કાર્યો પૂરતી મર્યાદિત હોય છે.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારના મંત્રીમંડળનું જાતિગત અને પ્રાદેશિક સમીકરણ, સૌરાષ્ટ્ર-કચ્છનું વર્ચસ્વ
મુખ્ય તફાવત: નિર્ણય પ્રક્રિયા
મુખ્ય તફાવત એ છે કે, કેબિનેટ મંત્રીઓ નીતિ ઘડનારી 'વર્તુળ'(Circle of Decision Makers)ના સભ્ય હોય છે અને દેશ કે રાજ્ય માટેના દરેક મોટા નિર્ણય પર તેમની સીધી સહી હોય છે, જ્યારે રાજ્ય મંત્રીઓ (ખાસ કરીને મદદનીશ) મુખ્યત્વે નીતિઓના અમલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.