Gujarat 4 Minister Resignations Rejected: ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલપાથલ અને ઉત્સુકતાના માહોલ વચ્ચે આજે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ હતી. જો કે, અપેક્ષાથી વિપરીત 21 મંત્રીએ શપથ લીધા હતા, પરંતુ અગાઉના મંત્રીમંડળના 4 મંત્રીના રાજીનામાનો અસ્વીકાર કરાયો છે, જેમાં ઋષિકેશ પટેલ (અગાઉના આરોગ્ય મંત્રી), કુંવરજી બાવળિયા (અગાઉના પાણી પુરવઠામંત્રી), કનુભાઈ દેસાઈ (અગાઉના નાણામંત્રી) અને પરસોત્તમ સોલંકી (અગાઉના મત્સ્યોદ્યોગ અને પશુપાલન, રાજ્યમંત્રી) સામેલ છે. નવા મંત્રીમંડળમાં રિપીટ થયેલાં સિનિયર મંત્રીઓના ખાતામાં ફેરફાર કરાયાં છે. ૠષિકેશ પટેલ, કનુ દેસાઇ સહિત પાંચેક મંત્રીઓના ખાતામાં બદલાવ કરાયો છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ ઉપરાંત અન્ય ખાતાનો વધારો પદભાર સોંપાયો છે.
કનુ દેસાઇ પાસે નાણાખાતુ યથાવત, પાનસેરિયા આરોગ્યમંત્રી
ભાજપ હાઇકમાન્ડે સૌથી નાની વયે હર્ષ સંઘવીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવ્યાં છે ત્યારે મુખ્યમંત્રીના કેટલાંક ખાતા સંઘવીને ફાળવવામાં આવ્યા છે. હવે હર્ષ સંઘવી જ ગૃહ વિભાગ સંભાળશે સાથે સાથે તેઓને પોલીસ હાઉસીંગ,લધુ ઉદ્યોગ,પ્રવાસન અને યાત્રાધામ વિભાગનો પદભાર પણ સોંપવામાં આવ્યો છે.
અગાઉ ૠષિકેષ પટેલ પાસે આરોગ્ય, ઉચ્ચ શિક્ષણ, કાયદો ન્યાય સહિતના ખાતાઓ હતાં. હવે તેમને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ઉપરાંત ગ્રામ પંચાયત વિભાગની જવાબદારી સોપાઇ છે. આ ઉપરાંત કુંવરજી બાવળિયા પાસેથી અન્ન પુરવઠા ઉપરાંત પાણી પુરવઠા વિભાગની જવાબદારી પરત લેવાઇ છે. તેમને શ્રમ રોજગાર વિભાગ સોંપાયો છે. પરષોત્તમ સોલંકીના ખાતામાં કોઇ બદલાવ કરાયો નથી. તેમનું મત્સ્યોદ્યોગ વિભાગ બરકરાર રહ્યુ છે.
પ્રફુલ પાનસેરિયાને પ્રાથમિક શિક્ષણ વિભાગને બદલે આરોગ્ય વિભાગનો સ્વતંત્ર હવાલો અપાયો છે. અર્જૂન મોઢવાડિયાને વન પર્યાવરણ અને જીતુ વાઘાણીને કૃષિ-સહકાર વિભાગનો મહત્ત્વનો હોદ્દો અપાયો છે.


