ગુજરાત સરકારના મંત્રીમંડળનું જાતિગત અને પ્રાદેશિક સમીકરણ, સૌરાષ્ટ્ર-કચ્છનું વર્ચસ્વ

Gujarat New Cabinet : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં કુલ 26 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં પ્રદેશિક અને જાતિગત સંતુલન જાળવવાનો પ્રયાસ સ્પષ્ટ દેખાય છે. મંત્રીમંડળમાં 19 નવા ચહેરાઓને તક મળી છે, જ્યારે 6 જૂના જોગીઓને રિપીટ કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છનો દબદબો
પ્રાદેશિક દૃષ્ટિએ જોઈએ તો મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશનું વર્ચસ્વ જોવા મળે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી સૌથી વધુ 9 નેતાઓને સ્થાન મળ્યું છે, જે મંત્રીમંડળમાં તેમનો દબદબો સૂચવે છે. આ પ્રદેશમાંથી ત્રિકમ છાંગા (અંજાર), કાંતિ અમૃતિયા (મોરબી), કુંવરજી બાવળીયા (જસદણ), રિવાબા જાડેજા (જામનગર ઉત્તર), અર્જુન મોઢવાડિયા (પોરબંદર), ડૉ. પ્રદ્યુમન વાજા (કોડિનાર), કૌશિક વેકરિયા (અમરેલી), પરશોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય) અને જીતુ વાઘાણી(ભાવનગર પશ્ચિમ)ને સ્થાન મળ્યું છે.
દક્ષિણ ગુજરાતમાંથી 6 નેતાઓને સ્થાન
જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી 6 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ઈશ્વર સિંહ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, હર્ષ સંઘવી, જયરામ ગામીત, નરેશ પટેલ અને કનુ દેસાઈનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ગુજરાતના નવા મંત્રીમંડળમાં નવા બનેલા જિલ્લાના નેતાને મળશે સ્થાન? સમજો સમગ્ર સમીકરણો
મધ્યમાંથી મુખ્યમંત્રી સહિત 7ને સ્થાન
મધ્ય ગુજરાતમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (ઘાટલોડિયા) સહિત 7 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જે અન્ય પ્રદેશોની સરખામણીમાં વધુ છે. જેમાં દર્શનાબહેન વાઘેલા, કમલેશ પટેલ, જયસિંહ મહિડા, રમેશ કટારા, મનીષા વકીલ અને રમણ સોલંકી પણ સામેલ છે.
ઉત્તર ગુજરાતમાંથી 4 નેતાઓને સ્થાન મળ્યું છે, જેમાં સ્વરુપજી ઠાકોર, પ્રવીણ માળી, ઋષિકેશ પટેલ અને પી.સી.બરંડાનો સમાવેશ થાય છે.
શું છે જાતિગત સમીકરણો
નવા મંત્રીમંડળમાં પાટીદાર અને ઓ.બી.સીને પ્રાધાન્ય આપવમાં આવ્યું છે. મંત્રીમંડળમાં સામાજિક સંતુલન જાળવવા માટે વિવિધ જાતિઓને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.
ઓ.બી.સી.માંથી સૌથી વધુ 8 નેતાઓને સ્થાન આપીને ઓ.બી.સી. (અન્ય પછાત વર્ગ) મતદારોને વિશેષ મહત્ત્વ અપાયું છે. જ્યારે સત્તાધારી પક્ષના મુખ્ય આધારસ્તંભ ગણાતા પાટીદાર સમાજના 7 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તો બીજી તરફ એસ.ટી. (અનુસૂચિત જનજાતિ) 4 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એસ.સી. (અનુસૂચિત જાતિ): 3 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
મહિલા પ્રતિનિધિત્વ અને યુવા નેતૃત્વને તક
મંત્રીમંડળમાં ત્રણ મહિલાઓનો સમાવેશ કરીને મહિલા પ્રતિનિધિત્વની ગેરહાજરી નિવારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં રિવાબા જાડેજા(જામનગર ઉત્તર), મનીષા વકીલ(વડોદરા શહેર) અને દર્શનાબહેન વાઘેલા(અસારવા)નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મંત્રીમંડળમાં પ્રવિણ માળી (ડીસા) સૌથી યુવા નેતા છે, જે યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાની પાર્ટીની નીતિ દર્શાવે છે.
નવા મંત્રીમંડળની રચના દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનુભવી અને નવા નેતાઓ, તેમજ વિવિધ પ્રદેશો અને જાતિઓના પ્રતિનિધિત્વ વચ્ચે સંતુલન જાળવવાનો સફળ પ્રયાસ કર્યો હોય તેમ જણાય છે.