Gujarat

૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી AMC હદ આસપાસના શહેરોના વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવાશે

By GS TEAM
11 Mar 20261 min read
૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી  AMC  હદ આસપાસના શહેરોના   વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવાશે

અમદાવાદ,બુધવાર,11 માર્ચ,2026

વર્ષ-૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સનુ અમદાવાદ યજમાન છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિ.ની હદ આસપાસના શહેરોના વિકાસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઉટગ્રોથ એરીયા માસ્ટર પ્લાન બનાવાશે.આ શહેરોના ઝડપથી થતા વિકાસને સંતુલિત કરી સારા રોડ,ડ્રેનેજ અને પાણીની સુવિધા આપવા આયોજન કરવામા આવશે.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને નોડલ ઓફિસર તરીકે નિમણૂંક આપવામા આવી છે.અમદાવાદ આસપાસના ૧૩૮૬ સ્કેવર મીટર માં આવેલા નાના શહેરોને આઉટગ્રોથ એરીયા માસ્ટર પ્લાન હેઠળ આવરી લેવાશે.

અમદાવાદની સાથે શહેરની હદ બહાર પણ અનેક નાના મોટા શહેરોનો ઝડપથી વિકાસ થઈ રહયો છે. આજે અમદાવાદ અને સાણંદ વચ્ચે ખાસ અંતર જોવા મળતુ નથી. અમદાવાદ આસપાસના શહેરોમાં વિકાસ થઈ રહયો હોવા છતાં માળખાકીય સુવિધાનો અભાવ છે.આ શહેરોમાંથી અમદાવાદમાં રોજ મોટી સંખ્યામા લોકો અવરજવર કરતા હોય છે.આ કારણથી રાજય સરકાર દ્વારા પણ આ શહેરોમા માળખાગત સુવિધાના વિકાસ માટે આઉટગ્રોથ એરીયા માસ્ટર પ્લાન બનાવી તેના ઉપર અમલ કરવાનો નિર્ણય કર્યો છે.મ્યુનિ.હદ આસપાસના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત રેસિડેન્શિયલ ટાઉનશીપ, ઈન્સ્ટીટયુશનલ કેમ્પસ ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારો તેમજ  હદ નજીકની હાઉસીંગ સોસાયટીઓને આવરી લેવાશે.

માસ્ટર પ્લાનમાં કઈ -કઈ બાબત સમાવાશે?

-શહેરીકરણનુ વિસ્તૃતિકરણ, આડેધડ વિકાસને અટકાવવો.

-આસપાસની વસાહતોને માળખાગત નેટવર્ક સાથે જોડાશે.

-સારા રસ્તા, ડ્રેનેજ,પાણી, સ્ટ્રીટ લાઈટ,સફાઈની સુવિધા અપાશે.

-ભવિષ્યની વસ્તીના ગ્રોથને ધ્યાનમા લઈ  ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરાશે.

- આ કામગીરી માટે ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવામા આવશે.